મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રાજકોટવાસીઓને દિવાળી ભેટ: કોઠી કમ્પાઉન્ડ, સિવિલ હોસ્પિટલ અને જનાના હોસ્પિટલ સહિતની મિલકતો કપાતમાં લેવાશે
ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા સતત ટ્રાફિકથી ધમધમતા સર્કલો ખાતે બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. દરમિયાન શહેરના સિવિલ હોસ્પિટલ ચોકમાં ૬૨ કરોડના ખર્ચે બનનારા ટ્રાએન્ગલ બ્રિજ બનાવવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગત શનિવારે બ્રિજની ડિઝાઈનનું પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ ડિઝાઈનને ફાઈનલ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. એક માસ અર્થાત દિવાળી આસપાસ બ્રિજના નિર્માણ માટે ટેન્ડર પણ પ્રસિઘ્ધ કરી દેવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે કોર્પોરેશન દ્વારા અહીં ટ્રાએન્ગલ બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજય સરકાર દ્વારા આ માટે ચાલુ સાલના બજેટમાં રૂ.૪૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ૬૨ કરોડના ખર્ચે હોસ્પિટલ ચોકમાં બનનારા બ્રીજ માટે ક્ધસલ્ટીંગ એજન્સી દ્વારા ગત શનિવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ બ્રીજની ડિઝાઈન રજુ કરવામાં આવી હતી. પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ મુખ્યમંત્રીએ ડિઝાઈન ફાઈનલ કરી દીધી છે અને બ્રિજનું નિર્માણ કામ ઝડપથી શરૂ કરવાની સુચના આપી દીધી છે.
બ્રિજની પહોળાઈ ૨૯ મીટરની રહેશે જેમાં ૭ મીટરના ૨ રોડ રહેશે. બ્રિજનો એક છેડો કેસરી હિંદ પુલથી ૧૦૦ મીટર પછી શરૂ થશે જયારે બીજો છેડો જયુબેલી ચોક પાસે ઉતરશે અને ત્રીજો છેડો જામનગર રોડ પર રેલવે ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે ઉતરશે. બંને સાઈડના રોડ વચ્ચે ડીવાઈડર, સર્વિસ રોડ અને ફુટપાથ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
બ્રિજના નિર્માણ માટે રેલવે, મેડિકલ કોલેજ, ડો.ભીમરાવ આંબેડકર સ્ટેચ્યુ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પ્લેટનમ હોટલ, ઠાકર હોટલ, રઘુવંશી નિવાસ, જયુબેલી ટ્રેડ સેન્ટર, એ-ટુ, પ્રોફેસર કવાર્ટર, જનાના સિવિલ હોસ્પિટલ, પેટ્રોલપંપ, સિવિલ કોર્ટ, શાળા નં.૧૦, આઈ.પી.મિશન હાઈસ્કુલ, એ-થ્રી, ફેમિલી કોર્ટ, ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટ અને એડીઆર સેન્ટર સહિતની મિલકતોની આશરે ૪૧૮૭ ચો.મી જમીન સંપાદન કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રાજકોટવાસીઓને દિવાળીની ભેટ સમાન આ બ્રીજના નિર્માણ કામ માટે આગામી એકાદ માસમાં ટેન્ડર પ્રસિઘ્ધ કરવા સહિતની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.