અમેરિકાની દાદાગીરી સામે બ્રાઝિલ, રશિયા, સાઉ આફ્રિકા અને ભારત સાથે મળી ટ્રેડ પ્રોટેકશન ગ્રુપની રચના કરવાની હિમાયત કરતું ચીન
ભારત, ચીન, સાઉ આફ્રિકા, રશિયા અને બ્રાઝીલનું બનેલુ સંગઠન બ્રિકસ હાલ વિશ્વના ૮૦ ટકા માલની આયાત-નિકાસ કરે છે. બ્રિકસમાં સંકળાયેલા દેશો વિકાસશીલ છે. ભારત અને ચીનને વિશ્વની સૌથી ઝડપી વિકસતુ અર્થતત્ર માનવામાં આવે છે. ત્યારે જગત જમાદાર અમેરિકાએ બ્રિકસના સભ્ય ચીનને આર્થિક ટેરીફ લાદી દબાવવાનું શરૂ કર્યું છે. પરિણામે ચીને પણ ભારત સહિતના બ્રિકસ દેશોનો સહકાર અમેરિકા સામેની ટ્રેડ વોરમાં માગ્યો છે.
અમેરિકાએ અત્યાર સુધી ઈરાક, કુવેત અને સુદાન સહિતના દેશોને દબાવીને ક્રુડ મામલે પોતાનું ધાર્યું કરાવ્યું છે. બીજી તરફ હવે ઈરાનને દબાવવા તેની સાથે પરમાણુ સંધી તોડી નાખી છે અને અન્ય દેશોને ઈરાન પાસેથી ક્રુડ ન ખરીદવા પણ દાદાગીરી કરી રહ્યું છે. એકંદરે સમગ્ર વિશ્વમાં વ્યાપારીક ધાક ચમાવવાનો પ્રયાસ ટ્રમ્પ સરકારનો છે. જેની સૌથી વધુ અસર ચીન અને ભારતને થઈ શકે છે.
ચીનના ૫૦૦ અરબના માલ-સામાન ઉપર ટેરીફ ઝીંકવાની ધમકી આપ્યા બાદ ટ્રમ્પ હવે કયા દેશને દબડાવે તે ઉપર સૌની નજર છે. હાલ તો ચીને બ્રાઝીલ, રશિયા, સાઉ આફ્રિકા અને ભારતનો સહકાર માંગયો છે. આ તમામ બ્રિકસ દેશો સાથે મળી અમેરિકાની દાદાગીરી સામે અવાજ ઉઠાવે તેવી ઈચ્છા છે. જી-૨૦ સમીટની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ ચૂકી છે.
અમેરિકાએ અત્યાર સુધી પોતાની આર્થીક અને સૈન્ય તાકાતથી ઘણા દેશોને ધમકાવી, ડરાવીને પોતાના ધાર્યા કામ કરાવ્યા છે. જો કે ચીન જેવો બળીયો દેશ અમેરિકા સામે તુરંત જુકે તેમ નથી અમેરિકાએ ચીન સામે લીધેલા પગલા બાદ ભારતે પણ સતર્કતા દાખવવા જેવી છે. હાલ જો અમેરિકા ઈરાન પાસેથી ક્રુડ ન ખરીદવા ભારતને દબાણ કરે તો ભારતને પણ મુશ્કેલી પડે તેમ છે. પરિણામે હવે ભારત કયાં પ્રકારનું પગલુ લે તે જોવાનું રહ્યું. હાલ ક્રુડ અને વૈશ્વીક વેપારના અસમાનતાને કારણે ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે. પરિણામે ભારત માટે આ પરિસ્થિતિ ખૂબજ મુશ્કેલ છે.