ભારતમાં રોડ-રસ્તા-બ્રિજ સહિતના ઈન્ફાસ્ટ્રકચરના વિકાસ માટે બ્રિકસની ડેવલોપમેન્ટ બેન્કે રૂ.૩૦૦૦ કરોડની લોન મંજૂર કરી
ભારતમાં માળખાગત સુવિધાના વિકાસનું માધ્યમ બ્રિકસ બેન્ક બની રહી છે. ભારત, રશિયા, બ્રાઝીલ, ચીન અને સાઉથ આફ્રિકા સહિતના દેશોના સંગઠન બ્રિકસ બેંક દ્વારા માળખાગત સુવિધાના વિકાસ માટે મધ્યપ્રદેશને રૂપિયા ૩ હજાર કરોડ મંજૂર કર્યા છે.
બ્રિકસ સંમેલનમાં ભારતમાં માળખાગત સુવિધાના વિકાસ માટે અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું છે. આ વિકાસશીલ દેશોનું સંમેલન છે જેમાં મોટાભાગના દેશોને ઈન્ફાસ્ટ્રકચરના વિકાસની જરૂરીયાત રહે છે. બ્રિકસની ન્યુ ડેવલોપમેન્ટ બેંક (એનડીબી) દ્વારા મધ્યપ્રદેશમાં રોડ, પુલ અને વાહન વ્યવહાર માટે અન્ય સંશાધનોના વિકાસના હેતુથી રૂ.૩ હજાર કરોડ ફાળવવાનો નિર્ણય લેવાયો છે.
મધ્યપ્રદેશમાં માળખાગત સુવિધાનો વિકાસ થતા અનેક પ્રકારે ફાયદા થશે તેની સાથો સાથ હવે મધ્યપ્રદેશ ઉપરાંત અન્ય રાજયોને પણ ઈન્ફાસ્ટ્રકચરના વિકાસ માટે આર્થિક ભંડોળ સરળતાથી મળી રહે તેવી આશા છે. મધ્યપ્રદેશમાં બ્રિકસ બેંકે આપેલા નાણાનો ઉપયોગ ૩૫૦ થી વધુ બ્રિજ બનાવવા થશે.
આ ઉપરાંત રોડ રસ્તાનું સમારકામ પણ થશે. બ્રાઝીલ, રશીયા, ચીન, ભારત અને સાઉથ આફ્રિકા સહિતના દેશોમાં આ પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રકચર બનાવવા જરૂરી છે. ખાસ કરીને ભારત જેવા ભૌગોલીક રીતે વિવિધતા ધરાવતા દેશમાં તો ઈન્ફ્રાસ્ટ્રકચરની તાતી જરૂર ઉભી થાય છે. ત્યારે બ્રિકસ બેંક વિકાસ માટે ઈન્ફાસ્ટ્રકચરનો સેતુ બની ચૂકી હોવાનું ફલીત થઈ રહ્યું છે.