વેસ્ટમાંથી બેસ્ટ
સાઉથ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ મનુષ્યના યુરીનમાંથી ઈંટો બનાવી
ઘણી વખત વૈજ્ઞાનિકો માનવામાં ન આવે તેવા ચમત્કારો કરતા હોય છે. આપણી કહેવત છે ને ઈંટ કા જવાબ પથ્થર સે તો હવે આ ઈંટનો જવાબ યુરીન ઈંટ બનશે. રિસર્ચરોએ સૌપ્રથમ વખત માણસના યુરીનમાંથી ઈંટો બનાવી છે. જે એવા બેકટેરીયામાંથી બની છે. આ ઈંટો એક દિવસ ગ્લોબલ વોર્મિંગને ઘટાડવામાં મદદરૂપ થશે. આ ભુરા રંગની ઈંટોનું નિર્માણ લેબોરેટરીમાં કેલ્શીયમ, રેતી અને બેકટેરીયાથી ૭ દિવસની પ્રક્રિયા બાદ કરવામાં આવ્યું હતું. યુરીનથી બનેલી આ ઈંટોમાંથી બદબુ આવતી નથી. કેપટાઉન યુનિવર્સિટીના વરિષ્ઠ લેકચરર ડિલોન રેન્ડાલે જણાવ્યું હતું કે, આપણે રોજે મોટી માત્રામાં યુરીનને વેળફી નાખીએ છીએ.
સિવિલ એન્જીનિયરીંગ વિભાગે અમારી ઈંટોનું પરીક્ષણ કર્યું છે અને તેઓ આ ઈંટોનો ઉપયોગ બાંધકામ માટે કરવા સંપૂર્ણ રીતે સહેમત છે. બાયો ઈંટનું નિર્માણ માઈક્રોબાયલ કાર્બોનેટની પ્રક્રિયામાંથી કરવામાં આવે છે. સામાન્ય ભઠ્ઠીમાં બનતી ઈંટોની જેમ જ ઉપયોગી બને છે અને કોઈપણ આકારમાં તેનું નિર્માણ કરી શકાય છે પરંતુ એક ઈંટ બનાવવા માટે ૨૦ લીટર યુરીનની જરૂર પડે છે. રિસર્ચ બાદ પ્રથમ ઈંટ બનાવનાર સુઝેન લેમબર્ટે જણાવ્યું કે, મારી લેબોરેટરીની બહારના બોયઝ વોશરૂમની બહાર સાઈન બોર્ડ લગાવી અને તેજ મુત્રથી અમે પ્રથમ ઈંટનું નિર્માણ કર્યું હતું પરંતુ હજુ લેબમાં ઘણુ કામ કરવાનું બાકી છે.