‘ભારત અમૂલ પીતા હૈ’નો દાવો કેવી રીતે કરી શકાશે ? વિદાય લેતા વિક્રમ સંવતના ૨૦૭૫ના વર્ષની તવારિખી ઘટનાઓમાં ફિલ્મી જગતના સુપર સ્ટાર અમિતાભને ફાળકે એવોર્ડ અને ભેળસેળ ટોચ પર!
આપણા દેશને વિશ્વગૂરૂ બનાવવાની ખ્વાહિશ વહેતી થઈ ચૂકી છે. ચંદ્રમા ઉપર પગલાં માંડવાની કવાયત પણ થઈ ચૂકી છે. વિશ્વના એક મહાન દેશ તરીકે ઉપસવાની કસમકસ પણ આરંભાઈ ચૂકી છે. કળિયુગમાં પણ સત્યુગના ચાંદા-સૂરજ ઉગાડવાનાં સ્વપ્ન સેવાતાં રહ્યા છે.
જો કે ભ્રષ્ટાચાર સામેનું યુધ્ધ જીતી શકાયું નથી.
મતિભ્રષ્ટતા સામેની લડાઈ જીતી શકાઈ નથી.
કારમી ગરીબાઈને દેશવટો આપી શકાયો નથી.
અસહ્ય મોંઘાવરીને કાબુમાં લઈ શકાઈ નથી.
મોટા ડિગ્રી ધારીઓએ પટ્ટાવાળાની નોકરી માટેની લાઈનમાં ઉભવું પડે છે. એવી કારમી બેકારી બેરોજગારી પ્રવર્તે છે. ભારતીય સંસ્કૃતિનો સંસ્કારનો, સભ્યતાનો અને માણસાઈનો ચિંતા કરાવે એટલી હદે કચ્ચરઘાણ નીકળી ચૂકયો છે.
હવે ભેળસેળના રાક્ષસે માથું ઉંચકાયું છે.
ખાવા પીવાની ચીજોમાં તો ઠીક, વાણી-વ્યવહારમાં અને વ્યાપાર, સત્ય-અસત્ય, ન્યાય-અન્યાય, શિક્ષણ-કેળવણી,નીતિમતા અને વિશ્વાશ-અવિશ્વાશ સહિત તમામ ક્ષેત્રે ભેળસેળનો રાક્ષસ અટ્ટહાસ્ય કરી રહ્યો છે.
આને લગતો સનસનીખેજ અહેવાલ દર્શાવે છે કે દેશમાં ઉપયોગમાં લેવામાં આવતા દુધની ગુણવતા અંગે ફૂડ સેફટી એન્ડ સ્ટાંડર્ડ ઓથોરીટી દ્વારા પહેલીવાર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ૪૧ ટકા સેમ્પલ્સ દૂધની ગુણવતા અને સેફટીનાં સ્ટાંડર્ડ જાળવવમાં નિષ્ફળ ગયા હતા ૭ ટકા સેમ્પલ માનવીના ઉપયોગ માટે અત્યંત ખતરનાક અને હાનિકારક જણાયા હતા પ્રોસેસ્ડ દુધમાં પણ એન્ટિબાયોટીક અને પ્રતિબંધીત એફલાટોકિસન એમ.૧ની ફૂગ મળી આવી હતી.
દિલ્હીના અહેવાલ અનુસાર દુધની શુધ્ધતાને જાળવી રાખવા માટે અને તેની ગુણવતાક વધુ સારી કરવા માટે ફૂડ સેફટી એન્ડ સ્ટાંડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયા એફએસએસએઆઈએ ૧ જાન્યુ. ૨૦૨૦થી સંગઠીત ક્ષેત્રની દુધ કંપનીઓ જેવી મધર ડેરી, અમૂલ, પારસને પણ પોતાના દૂધના સેમ્પલની તપાસ એફએસએસએઆઈની લેબમાં કરાવવી પડશે. તમને જણાવી દઈએ કે, દુધની શુધ્ધતાને લઈ એફએસએસએઆઈએ પોતાનો સર્વે રિપોર્ટ જાહેર કરી દીધો છે.
દિવાળીમાં જે મિઠાઈને તમે માવાની સમજીને ખાઈ રહ્યા છો. શકય છે કે તેમાં માવો નહી પણ ટેલ્કમ પાવડર હોય, આરોગ્ય વિભાગ દ્વારા ફિરોઝપૂર ગામમાંથી ટેલ્કમ પાવડરમાંથી માવો બનાવવાની ફેકટરી ઝડપાઈ છે.
સામાન્ય રીતે એમ કહેવાય છેકે, માતાના ધાવણ અને શિશુના સ્મિતને આઈએસઆઈ માર્કાની જરૂર ન હોય. શુધ્ધતાની ખાતરી કરી આપતો આ સરકારી માર્કો છે.
આપણા અમૂલદૂધના ઉત્પાદકો એવી જાહેરાતો કરે છે કે, ઈન્ડીઆ (ભારત) અમૂલ પીતા હૈ, આમ તો અમૂલનો ભાવ દેશની ગરીબ પ્રજાને પરવડે તેવો નથી. એનો ઈરાદો ચોખ્ખું અને વિશુધ્ધ દૂધ અમૂલ જ છે. એવું જાહેર કરવાનો છે.
હવે એવું ઠરાવાયું છે કે, અમૂલ દૂધની શુધ્ધતાની પણ અન્ય તમામ દૂધની જેમજ ચકાસણી થશે.
આ રીતે અમૂલ પણ ‘ભેળસેળ’ના કલંક હેઠળ આવશે ! આનો અર્થ એવો થાય કે આપણા દેશમાં કોઈપણ ઠેકાણે ‘આઈએસઆઈ’ના માર્કા વિનાનું દૂધ ચોખ્ખુ અને ભરોસાપાત્ર નહિ ગણાય !
‘દૂધ’ સિવાયની ખાવાપીવાની ચીજો પણ ભેળસેળવાળી હોય છે. અને તેને લગતું તપાસખાતું પણ મોજૂદ છે. ધણી જગ્યાએ, ધણી બાબતોમાં ભેળસેળનું ખોફનાક અનિષ્ટ કાળમુખું અનિષ્ટ ઘર કરી ગયું છે.
સોના-ચાંદી, હીરામોતી, ખાવાનું ઘી, તેલ, બધી જાતના ફળો તેમજ સત્ય, ધર્મ, વાણી વ્યવહાર, નાણાકિય અને આર્થિક આદાનપ્રદાન, કરવેરા, બિયારણ, ઘાસચારો, દવાઓ સુધીની ચીજોમાં ભેળસેળનું અનિષ્ટ પહોચ્યું છે.
અસંખ્ય દરોડા, તપાસ અને બીજું કેટલુંય છતં ‘ભ્રષ્ટાચાર’, મતિભ્રષ્ટતાની જેમ ભેળસેળ પણ આપણા દેશની કપરી અતિ કપરી સમસ્યાઓ પૈકી એક છે.
શારીરીક સ્વાસ્થ્ય માટેની મુખ્ય ચીજોમાં દૂધનો સમાવેશ થાય છે. એને તબીબી ભાષામાં ‘હોલસેલ’ ફૂડ (પૂર્ણ આહાર) એના વિનાનો ખોરાક પોષણ યુકત નથી બનતો. આપણા દેશમાં ‘કુપોષણ’ એ મોટી સમસ્યા છે. ગરીબ પ્રજાને તો તેના આહારમાં દૂધ હોતું જ નથી. એને કારણે બાળમૃત્યુનું પ્રમાણ વધે છે.
ઈશ્ર્વરે જે ચીજો મફત અને પૂરતા પ્રમાણમાં આપી છે.પણ તે આપણા દેશના અસંખ્ય લોકોને મફત મળતી નથી. વેચાતી પણ માંડ માંડ મળે છે.
અભ્યાસીઓનું કહેવું છે કે, દેશના ગરીબોને રેશનીંગમાં દૂધ આપવું જોઈએ. આ સૂચનમા દમ છે. કારણ કે જે દેશની પ્રજાને શુધ્ધ દુધ ન મળે એ દેશ વિશ્ર્વગૂરૂ બની શકે જ નહિ એમ કહેવામાં અતિશયોકિત નથી.
ઈન્ડિયામાં દૂધની ચકાસણીનો નિર્ણય આવકાર્ય છે. છતા તેનું તંત્ર ગોઠવવું કસોટીકારક બની રહેશે.