આગામી વર્ષ ૨૦૨૫ સુધીમાં સ્તન કેન્સરોનાં કેસોમાં ૧૨ ટકાનો વધારો થવાની શકયતા
લોકો અનેકવિધ રોગોથી જયારે પીડાતા હોય છે ત્યારે તેઓ સારવાર અર્થે લાખો રૂપિયા ખર્ચે છે એવી જ રીતે દેશમાં સૌથી વધુ જે સ્તન કેન્સરનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. હૈદરાબાદ, ચેન્નઈ, બેંગલોર અને દિલ્હીમાં સ્તન કેન્સર સૌથી વધુ જોવા મળે છે પરંતુ જાણવા જેવી વાત એ છે કે સ્તન કેન્સરની સારવારમાં એક વર્ષથી વધુનો સમય લાગતો હતો અને આ સારવાર અત્યંત ખર્ચાળ જોવા મળતી હતી પરંતુ તબીબી પ્રશિક્ષણ અને રીસર્ચ બાદ હાલ એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે, હવે સ્તન કેન્સરની સારવાર એક વર્ષ નહીં પરંતુ ત્રણ માસમાં જ શકય બનશે. આ ત્રણ માસ દરમિયાન સ્તન કેન્સરથી પીડાતી મહિલાઓને ડ્રગ્સ થેરાપી આપવામાં આવશે. સ્તન કેન્સરની સારવાર અંગે માહિતી આપતા ટાટા મેમોરીયલ સેન્ટરના ડાયરેકટર ડો.રાજેન્દ્ર બડવે, એસીટીઆરઈસીના ડાયરેકટર ડો.સુદીપ ગુપ્તા દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે.
ડોકટરોના જણાવ્યા મુજબ એક વર્ષ માટે જે ડ્રગ્સ થેરાપી આપવામાં આવે છે તે ડ્રગ થકી માત્ર ૩ માસમાં જ કેન્સરની સારવાર કરી શકાશે. દેશમાં અનેકવિધ પ્રકારના સ્તન કેન્સરો જોવા મળી રહ્યા છે ત્યારે મહિલાઓમાં એન્ટીબોડી ડ્રગનું પ્રમાણ વધારવા માટે ૧૨ માસ માટેની તબીબી સારવાર આપવામાં આવતી હતી તે અત્યંત ખર્ચાળ પણ સાબિત થાય છે. મેડિકલ ટેકનોલોજીનો વિકાસ જયારે થયો ન હતો તે સમયે કેન્સરની સારવારમાં ૧૫ વર્ષનો સમય લાગતો હતો પરંતુ દિન-પ્રતિદિન ટેકનોલોજીમાં વધારો થતાની સાથે જ સ્તન કેન્સરની સારવાર માત્ર ૧ વર્ષમાં જ થઈ શકે છે. દેશનાં અનેકવિધ ભાગોમાં મહિલાઓમાં જે સ્તન કેન્સર જોવા મળે છે તેનો ખર્ચો ૪ લાખથી લઈ ૧૦ લાખ સુધી આવતો હોય છે જે મહિલાઓ માટે સારવાર અશકય બને છે ત્યારે આ અંગે પૂર્ણત: વિચાર્યા બાદ સ્તન કેન્સરોની સારવાર માત્રને માત્ર ૩ માસમાં જ શકય કરવામાં આવે તે માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
મહિલાઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે ત્યારે પ્રતિ ૧ લાખની વસ્તીમાં શહેરી વિસ્તારમાં સ્તન કેન્સરનો ડર ૩૩.૬ ટકા જેટલો છે. ચાલુ વર્ષે કેન્સરનાં ૨ કેસો નોંધાયા હતા જેમાંથી ૧૪.૮ ટકાના કેન્સરો સ્તન કેન્સરનાં હોવાનું સામે આવ્યું છે. નેશનલ કેન્સર રજીસ્ટ્રી પ્રોગ્રામ દ્વારા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, ચાલુ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૦ સુધીમાં ૧૩.૯ લાખ કેસો નવા સામે આવશે અને વર્ષ ૨૦૨૫ સુધીમાં સ્તન કેન્સરોની સંખ્યામાં ૧૨ ટકાનો વધારો પણ જોવા મળશે ત્યારે કેન્સરની સારવાર પૂર્ણત: સરળ કરવા માટે તબીબી પ્રશિક્ષણને વધુને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે.