ટચુકડા એવા કોરોના વાયરસે આ વર્ષે પણ સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં યોજાતા રંગીલા મેળાની મોજ બગાડશે. સતત બીજા વર્ષે રાજકોટમાં લોક મેળો ન યોજવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાય શકે છે. જિલ્લા કલેકટર દ્વારા આ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
રેસકોર્સ ખાતે યોજાતા લોકમેળામાં દરરોજ લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટી પડી મેળાની મોજ માણતા હોય છે. હાલની વર્તમાન સ્થિતિમાં આ મેળો ન યોજી શકાય તે સ્વાભાવિક છે. કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખી જિલ્લા કલેકટર દ્વારા મેળાઓ નહિ યોજવાનો નિર્ણય ટૂંક સમયમા જાહેર કરવામાં આવશે.
નોંધનીય છે કે રંગીલા રાજકોટમાં રેસકોર્ષ મેદાન ખાતે યોજાતા લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ શકતા હોય મેળો યોજવો સંભવ નથી. આથી મેળો રદ જ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. લોકમેળા ઉપરાંત ખાનગી મેળાઓ પણ યોજવા દેવામાં આવશે નહિ તેવી શ્ક્યતા છે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લેતા રાજકોટમાં સાતમ આઠમનો લોક મેળો નહીં યોજાઈ પરંતુ જિલ્લા વહીવટી તંત્ર-રાજકોટ દ્વારા લોકમેળાના આયોજન અંગે કોઈ મિટિંગ હજુ યોજાઈ નથી, તેમજ હજુ સુધી લોક મેળા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. જો કે આ અંગે આવનારા ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ નિવાસી અધિક કલેકટરે જણાવ્યુ છે.