રિલાયન્સ જીઓના ડિરેક્ટરપદેથી મુકેશ અંબાણીનું રાજીનામું: આકાશ અંબાણી નવા ચેરમેન

રિલાયન્સમાં નવી પેઢીના હાથમાં વધુ જવાબદારી સોંપવામાં આવી રહી છે. રિલાયન્સ જિયોના ડિરેક્ટરપદેથી મુકેશ અંબાણીએ રાજીનામું આપી દીધું છે અને કંપનીના ચેરમેન તરીકે આકાશ અંબાણીનું નામ લેવાઈ રહ્યું છે. આ ઉપરાંત કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પંકજ મોહન પવાર જવાબદારી સંભાળશે.

રિલાયન્સ જૂથમાં નવી પેઢીનો યુગ સત્તાવાર રીતે શરૂ થઈ રહ્યો છે. રિલાયન્સ જિયોના ડિરેક્ટરપદેથી મુકેશ અંબાણીએ રાજીનામું આપી દીધું છે અને કંપનીના ચેરમેન તરીકે આકાશ અંબાણીનું નામ લેવાઈ રહ્યું છે. આ ઉપરાંત કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પંકજ મોહન પવાર જવાબદારી સંભાળશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમે આજે જાહેરાત કરી કે મુકેશ અંબાણી 27 જૂનથી ઈફેક્ટમાં આવે તે રીતે ડિરેક્ટરપદ પરથી રાજીનામું આપશે. કંપનીએ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીને બોર્ડના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. ગઈકાલે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક મળી હતી.

બીએસઇ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 1.49 ટકા વધીને રૂ. 2529 પર બંધ આવ્યો હતો જ્યારે એનએસઇ પર શેર 2530 પર બંધ રહ્યો હતો. 2019 માં સ્થાપવામાં આવેલી જિયો પ્લેટફોર્મ્સ એ રિલાયન્સની પૂર્ણ માલિકીની કંપની છે. કંપનીએ જણાવ્યું કે પંકજ મોહન પવારને પાંચ વર્ષ માટે એમડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ટ્રાઈના ડેટા પ્રમાણે રિલાયન્સ જિયો એ દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર છે અને એપ્રિલમાં તેણે પોતાના સબસ્ક્રાઈબરની સંખ્યામાં 16.18 લાખનો ઉમેરો કર્યો હતો. જિયો આગામી સમયમાં પોતાનો આઈપીઓ લાવવાની પણ યોજના ધરાવે છે.

રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અને અબજોપતિ મુકેશ અંબાણીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, કંપનીની લીડરશીપમાં ફેરફાર કરવામાં આવશે. મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે નવા નેતૃત્વને આગળ આવવું પડશે. હવે તેમના આ નિવેદન મુજબ મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોના નેતૃત્વમાં મોટો ફેરફાર કરી દીધો છે.

કંપનીએ પોતાના નિર્ણય વિશે સ્ટોક એક્સચેન્જને જાણ કરી દીધી છે. 65 વર્ષના મુકેશ અંબાણીએ 30 વર્ષના આકાશ અંબાણી પર અત્યંત મહત્ત્વનની જવાબદારી સોંપી છે અને તેમની ક્ષમતામાં ભરોસો દર્શાવ્યો છે. કંપનીએ રામિંદર સિંહ ગુજરાલ અને કે વી ચૌધરીને પણ એડિશનલ ડિરેક્ટર પદ પર નિયુક્ત કર્યા છે.

આકાશ અંબાણીએ બ્રાઉન યુનિવર્સિટીમાંથી 2014માં ઈકોનોમિક્સની ડિગ્રી મેળવી હતી અને ત્યાર પછી તેઓ ફેમિલી બિઝનેસમાં જોડાયા હતા. 2019 માં તેમણે શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા. તેમના બહેન ઈશા અંબાણીએ સ્ટેન્ફર્ડ અને યેલ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ અભ્યાસ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.