આતંકવાદી હુમલા બાદ સરહદ ઉપર પાકિસ્તાનની અવળચંડાઈ અમરનાથ હુમલાના ચાર આતંકીઓમાં બે પાકિસ્તાની હોવાનું ખુલ્યું
કાશ્મીરમાં અમરનાથ યાત્રિકો ઉપર આતંકવાદી હુમલા બાદ સેના દ્વારા હાયએસ્ટ એલર્ટ આપવામાં આવ્યું છે. આતંકવાદીઓને ઝડપવા માટે પુરા કાશ્મીરમાં મેગા ઓપરેશન શ‚ કરવામાં આવ્યું છે. તેમાં પણ આતંકવાદી હુમલાના મુખ્ય સુત્રધાર અબુ ઈસ્માઈલને ઝડપવા માટે પોલીસ, સેના અને જાસુસી સંસ્થાઓ પણ કામે લાગી છે. એક તરફ કાશ્મીરમાં આતંકવાદીને ઝડપવા માટે અભિયાન તેજ કરવામાં આવ્યું છે તો બીજી તરફ એલઓસી ઉપર પાકિસ્તાને ફરી એક વખત શસ્ત્ર વિરામનો ભંગ કરતા બે જવાનો શહિદ થયા છે.કાશ્મીરના કુકવાડામાં જવાનો દ્વારા સરહદ ઉપર પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે લાભ જોઈને બેસેલા પાકિસ્તાની સૈનિકોએ સ્વચાલીત હથિયારો અને મોર્ટર વડે હુમલો કર્યો હતો. જેમાં લાંસ નાયક રણજીતસિંગ અને રાયફલમેન સતિષ ભગત શહિદ થયા હતા. પાકિસ્તાનની આ હરકતથી હવે રોષ ફેલાય રહ્યો છે. તેમાં પણ અમરનાથ યાત્રા ઉપર થયેલા હુમલાની તપાસમાં બહાર આવ્યું છે કે હુમલો કરનારા ચાર આતંકીઓમાંથી બે આતંકીઓ પાકિસ્તાની મુળના છે. કાશ્મીરમાં તંગ બનેલી સ્થિતિ વચ્ચે હવે આકરા પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.