છેલ્લા 24 કલાકમાં માત્ર 29 તાલુકામાં હળવા ઝાપટા જ પડયા
રાજયમાં રવિવારે મેઘરાજાએ વિરામ લીધો હતો આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજયના માત્ર 29 તાલુકાઓમાં હળવા ઝાપટા વરસ્યા હતા સિઝનનો કુલ 79.90 ટકા વરસાદ વરસી ગયો છે.આગામી પાંચ દિવસ માત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. જળાશયોમાં પણ પાણીની આવકમાં ઘટાડો થયો છે.
રવિવારે સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવાણમાં 15મીમી વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય 28 તાલુકામાં ંહળવા ઝાપટાથી લઈ 12 મી.મી. પાણી પડયું હતુ રાજકોટમાં પણ ગઈકાલે મોડીરાતે સામાન્ય ઝાપટા છાંટા પડયા હતા. આજે સવારે આકાશમાં વાદળો બંધાયા હતા. વાતાવરણમાં પણ ઠંડક નો અનુભવ થતો હતો. આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
રાજયમાં આજ સુધીમાં સીઝનનો 80 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં સૌથી વધુ 135.80 ટકા વરસાદ પડયો છે. ઉતર ગુજરાતમાં 66.785 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 63.47 ટકા, સૌરાષ્ટ્રમાં 109.51 ટકા વરસાદ પડયો છે. જયારે દક્ષિણ ગુજરાતમાં 70.66 ટકા પાણી પડયું છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘવિરામ જેવો માહોલ છે. હવે રાજયમાં પણ મેઘાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં સંતોષકારક વરસાદ વરસી ગયો છે. હજી એક પખવાડીયા સુધી પાકને પાણીની જરૂરીયાત નથી જો ત્યારબાદ મેઘકૃપા કરશે તો ધાનના ઢગલા ખડકાશે.