બે વર્ષથી સતત થતી અવગણનાથી કંટાળી વોર્ડ નં.૫ના કોર્પોરેટર દક્ષાબેન અરવિંદભાઈ ભેંસાણીયાએ ભાજપનો કેસરીયો ખેસ ફગાવી ૧૦૦ સમર્થકો સાથે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલની હાજરીમાં પંજો પકડયો
રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યાં છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમ ટાઉન એવા રાજકોટમાં ભાજપમાં ભંગાણ પડ્યું છે. રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીના સાથી કોર્પોરેટર દક્ષાબેન અરવિંદભાઈ ભેંસાણીયાએ આજે સવારે ભાજપનો કેસરીયો ખેસ ફગાવી કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલની આગેવાનીમાં ૧૦૦ સમર્થકો સાથે પંજો પકડી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે, તેઓએ ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હોવા છતાં ભાજપના કોર્પોરેટર પદેથી હજુ સુધી રાજીનામુ આપ્યું નથી.
શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૫માં ભાજપના બે મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયા અને પ્રિતીબેન પનારા વચ્ચે છેલ્લા ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે. બે વર્ષ પૂર્વે સાઈનબોર્ડ મુકવા બાબતે પણ એક જ પક્ષના બે મહિલા કોર્પોરેટરો વચ્ચે બરાબરની જામી પડી હતી.છેલ્લા બે વર્ષથી ભાજપે દક્ષાબેન ભેંસાણીયાને રીતસર સાઈડ લાઈન કરી નાખ્યા છે. આજે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલ રાજકોટની મુલાકાતે છે ત્યારે જ ભાજપમાં ભંગાણ સર્જાયું છે. વોર્ડ નં.૫ના ભાજપના કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયાએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસમાં પ્રવેશ મેળવી લીધો છે. ધારાસભ્યના સાથી નગરસેવકના કોંગ્રેસ પ્રવેશથી રાજકોટ ભાજપને જોરદાર ફટકો પડ્યો છે.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન દક્ષાબેન ભેંસાણીયાના પતિદેવ અરવિંદભાઈ ભેંસાણીયાએ જણાવ્યું હતું કે, શહેર ભાજપના હોદ્દેદારો અને મહાપાલિકાના પદાધિકારીઓ છેલ્લા બે વર્ષથી તેઓની સાથે ઓરમાયું વર્તન કરી રહ્યાં છે. વિકાસ કામોમાં પણ રોડા નાખી રહ્યાં છે. પ્રજાની સેવા કરવા માટે તેઓએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. સતત થતી અવગણનાથી કંટાળી આજે તેમના પત્ની દક્ષાબેન ભેંસાણીયાએ ૧૦૦ સમર્થકો સાથે ભાજપનો સાથ છોડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. કોર્પોરેટર પદેથી રાજીનામુ આપ્યું નથી. ભાજપને પક્ષાંતર ધારો કે અન્ય કોઈ પગલા લેવા હોય તો તે લઈ શકે છે. આગામી દિવસોમાં વધુ ૧૫૦૦ થી ૨૦૦૦ સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાને ચૂંટણીના ત્રણ મહિના પૂર્વે જ ભાજપમાં ચાલી રહેલો વિખવાદ સામે આવ્યો છે. ડેમેજ કંટ્રોલ કરવામાં પાવરધુ ભાજપને ઉંઘતું રાખી હાર્દિક પટેલે ખેલ પાડી દીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સામાન્ય રીતે રાજકોટમાં ભાજપના સામાન્ય કાર્યકરને પણ તોડવો લોઢાના ચણા ચાવવા સમાન હોય છે. આવામાં હાર્દિકે સિટીંગ નગરસેવીકાનો કોંગ્રેસમાં પ્રવેશ કરાવી ભાજપને પડકાર ફેંક્યો છે.
અનેક વેપારી સંગઠનોના અગ્રણીઓ પણ કોંગ્રેસના રંગે રંગાયા
ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના રાજકોટ પ્રવાસ દરમિયાન સહકારી ક્ષેત્રના કેન્દ્ર સમાન માર્કેટીંગ યાર્ડના અનેકવિધ વેપારી આગેવાનો કોંગ્રેસના રંગમાં રંગાયા હતા. સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણી, ડિરેકટર વલ્લભભાઈ પટેલ, વેપારી એસો. ઉપપ્રમુખ કિશોરભાઈ દોંગા, સંજયભાઈ ગઢીયા, મહેશ તળાવીયા, કિશન ચભાકીયા, મેહુલ સોજીત્રા, વિરલ ડોબરીયા, ધર્મેશ વેકરીયા, વિનુ ગઢીયા, મનસુખ રંગાણી સહિતના વેપારી અગ્રણીઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.