શિયાળાની ઠંડીના કારણે 300 મીમી ડાયાની પાઈપ લાઈનમાં એર લોકિંગના કારણે લીકેજ સર્જાયું: વોર્ડ નં.2 અને 3ના અનેક વિસ્તારોમાં પાણી 7 કલાક મોડું
શિયાળાની સીઝન શરૂ થતાંની સાથે જ પાઈપ લાઈન તૂટવાનો સીલસીલો શરૂ થઈ ગયો છે. આજે વહેલી સવારે શહેરના વોર્ડ નં.3માં કેશરી હિંદ પુલ પાસે આઈપી મીશન સ્કૂલ નજીક જૂના ખટારા સ્ટેન્ડ ચોકમાં 300 એમએમની ડિસ્ટ્રીબ્યુશનની મેઈન લાઈનમાં એર લોકિંગના કારણે ભંગાણ સર્જાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જવા પામી હતી. પાઈપ લાઈટ તૂટવાના કારણે વોર્ડ નં.2 અને 3ના અનેક વિસ્તારોમાં નિર્ધારીત સમય કરતા મોડુ પાણી વિતરણ કરવાની ફરજ પડી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે સવારે વોર્ડ નં.3માં આઈપી મીશન સ્કૂલ પાસે ખટારા સ્ટેન્ડ ચોકમાં એર લોકિંગના કારણે 300 મીમી ડાયાની એસી પ્રેસર પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. પાઈપ લાઈનની સાઈઝ ખુબજ મોટી હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં પાણીની નદીઓ ચાલવા માંડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તાત્કાલીક રીપેરીંગના કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પાઈપ લાઈન તૂટવાના કારણે વોર્ડ નં.2માં આવતા ગણાત્રાવાડી, શ્રોફરોડ વિસ્તાર, જામટાવર રોડ વિસ્તાર, સરકારી કવાર્ટર, પ્રેસ રોડ, હરીભાઈ ગોસલીયા માર્ગ વિસ્તાર, ચૌધરી હાઈસ્કૂલ ચોક વિસ્તાર, કસ્તુરબા રોડ વિસ્તાર ઉપરાંત વોર્ડ નં.3માં આવતા જ્યુબેલી હેડ વર્કસ ખાતે જે વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવે છે તે જંકશન પ્લોટ, રેફયુજી કોલોની, લાલબહાદૂર શાસ્ત્રીનગર, કૈલાસવાડી, સિંધી કોલોની, કીટીપરા, જંકશન કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી, કોઠી કમ્પાઉન્ડ, રૂખડીયાપરા, નારસંગ પરા, ભીસ્તીવાડ, ગાયકવાડી, પરસાણા નગર અને તોપખાના વિસ્તારમાં પાણી વિતરણ ખોરવાયું હતું.
બપોરે 1 વાગ્યે પાઈપ લાઈનનું રીપેરીંગ કામ પૂર્ણ થતાંની સાથે જ લાઈન ટેસ્ટીંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પાઈપ લાઈન તૂટવાના કારણે વોર્ડ નં.2 અને વોર્ડ નં.3ના જે વિસ્તારોને સવારે 6 વાગ્યે પાણી વિતરણ કરવામાં આવે છે તેને બપોરે 1 વાગ્યા પછી પાણી આપવામાં આવ્યું હતું. શિયાળાની સીઝનના કારણે એર લોકિંગ થવાથી એસી પ્રેસર પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાય છે.