ગીરોલાન્ડો બ્રિડને પ્રોત્સાહન આપવા સામે ગિર અને કાંકરેજ નસ્લના એસો.નો વિરોધ બ્રાઝીલયની બ્રિડ લાંબા સમય સુધી વધુ દૂધ આપતી હોવાથી કેન્દ્ર સરકારની પ્રોત્સાહન નીતિ
બ્રાઝીલમાંથી ગિર ગાયના ‘હાઈબ્રિડ’ બ્રિડ મામલે સ્થાનિક કક્ષાએ વિરોધ વંટોળ ફૂંકાતા રાજ્ય સરકાર મુંઝવણમાં મુકાઈ છે. કેન્દ્ર સરકાર હાલ ગૌસંવર્ધનના માધ્યમથી દૂધનું મહત્તમ ઉત્પાદન કરવાનું આયોજન ઘડી રહી છે. જેના અનુસંધાને બ્રાઝીલની ગીરોલાન્ડો ગાયને પ્રોત્સાહન આપવાની યોજના કેન્દ્રએ ઘડી છે. બીજી તરફ કેન્દ્રની યોજનાથી રાજ્ય સરકાર સ્થાનિક ગિર ગાયને પ્રોત્સાહન આપવું કે કેન્દ્રની યોજના મુજબ બ્રાઝીલની ગીરોલાન્ડો ગાયને પ્રોત્સાહન આપવું તે મામલે મુંઝવણમાં મુકાઈ છે. ગીરોલાન્ડો ગાય ગિર અને વેસ્ટર્ન પ્રજાતીની હાઈબ્રિડ છે.
બ્રાઝીલની ગીરોલાન્ડો ગાય લાંબા સમય સુધી વધુ પ્રમાણમાં દૂધ આપી શકે છે જેનાથી પશુપાલકોની આવક વધશે તેવી અપેક્ષા સરકારને છે. જ્યારે ગીર અને કાંકરેજ બ્રિડના એસોસીએશન વિદેશી ગાયને પ્રોત્સાહન આપી સ્થાનિક ગાયોને પાછળ ધકેલવાની નીતિ સામે વિરોધ દર્શાવી રહ્યાં છે. ગાય સાથે ધાર્મિક લાગણીઓ પણ જોડાઈ હોવાથી આ વિરોધ વધુ અસરકારક જણાય રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા મુકાયેલી દરખાસ્ત મુદ્દે રાજ્ય સરકારે હજુ નિર્ણય લીધો નથી. ગીરોલાન્ડો બ્રિડને રાજ્યમાં પ્રોત્સાહન આપવા અને ગીરોલાન્ડો સીમેનને આયાત કરવાની બાબત પેન્ડીંગ છે.
બ્રાઝીલની બ્રિડ અને સ્થાનિક નસલ વચ્ચે બેલેન્સ કઈ રીતે જાળવવું તે મુદ્દે સરકાર ગડમલ અનુભવી રહી છે. ગીરોલાન્ડો બ્રિડ મામલે લોકોની માન્યતા દૂર કરવાનો પ્રયાસ સરકારે કર્યો છે. પશુપાલકોમાં ગીરોલાન્ડો ગાય અંગે જાગૃતિ આવે જેનાથી દૂધનું ઉત્પાદન વધે તે અંગે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. ગિર અને ગીરોલાન્ડો બ્રિડ બન્નેનો એક સરખો ઉપયોગ રાજ્યમાં થાય તે મુદ્દે પણ સરકાર વિચારે છે. હાલ રાજ્યમાં અન્ય વિદેશી બ્રિડનો પણ ઉછેર થાય છે ત્યારે ગીરોલાન્ડો બ્રિડ પણ પોતાની જગ્યા બનાવશે તેવું માનવામાં આવી રહ્યું છે. ગિર ગાયની સંખ્યા ઓછી છે તેનું દૂધ પણ મોંઘુ છે. જેની સામે ગીરોલાન્ડો ગાય સસ્તી અને પશુપાલકો માટે ફાયદાકારક છે. ભારત સરકારે રાજ્યમાં સીમેન ફેસેલીટી વિકસાવવા રૂ.૪૭.૫૦ કરોડ મંજૂર પણ કર્યા છે. આ પ્રોજેકટ અંતર્ગત આંખલાઓના જન્મદરને ઘટાડાશે અને ગાયનો જન્મ વધતો જાય તેવું આયોજન છે. આ ટેકનોલોજીને સેકસ-સોર્ટેડ સીમેન ટેકનોલોજી ગણવામાં આવે છે. પ્રોજેકટમાં ૬૦ ટકા ખર્ચો કેન્દ્ર સરકાર જ્યારે ૪૦ ટકા ખર્ચો રાજ્ય સરકાર ભોગવશે.
પશ્ચિમી અને ગિરની પ્રજાતીના મિશ્રણી બ્રાઝીલની ગીરોલાન્ડો પ્રજાતીનું નિર્માણ કરાયું છે. આ પ્રજાતીની ગાયો વધુને વધુ દૂધ લાંબા સમય માટે આપી શકે છે. ગિરની ગાયોની સરખામણીએ દૂધ વધુ આપતી હોવાથી પશુપાલકોને આર્થિક ફાયદો થશે. તેમની આવક વધશે. જો કે, સ્થાનિક ક્ષેત્રે ગીરોલાન્ડો બ્રીડને પ્રોત્સાહન આપવા સામે ગિર અને કાંકરેજ બ્રિડના એસોસીએશન વિરોધ નોંધાવી રહ્યાં હોવાની રાજ્ય સરકાર હવે કેન્દ્રની યોજના મુદ્દે મુંઝવણમાં મુકાઈ ગઈ છે. આ મુદ્દે સરકાર જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે અને બન્ને બ્રિડ વચ્ચે સંતુલન જાળવવાની વાત પણ વિચારી રહી છે.