બ્રાસ ઉદ્યોગ પરનો 18 ટકા જીએસટી આકરો પડે છે, ઘટાડી 5 ટકા કરવા માંગ
બંને ધાતુના ભાવમાં મોટા વધારાથી અનેક ફેકટરીઓ બંધ થવાના આરે: અંદાજે દોઢ થી બે લાખ લોકોની રોજગારીને માઠી અસર થઈ: બ્રાસ એસો. પ્રમુખ કેશવાલા
કોપર અને પિતળના ભાવમાં ભારે ઉછાળો આવતા શહેરનો બ્રાસ પાર્ટસ ઉદ્યોગ મંદીના વમળમાં ફસાયો છે. 7 થી 8 હજાર નાના મોટા કારખાનામાં સીધી કે આડકતરી રીતે રોજગારી મેળવનારાને માઠી અસર થઈ રહી છે. બ્રાસ કોપર પરનો જીએસટી 18 ટકા છે તે 5 ટકા કરવા બ્રાસ પાર્ટસ ઉદ્યોગ માગણી કરી છે.
જામનગરની ધોરી નસ સમાન બ્રાસ ઉદ્યોગ છે. આ બ્રાસ ઉદ્યોગ દ્વારા શહેરમાં અનેક લોકોને રોજી રોટી મળી રહી છે. આવા આ બ્રાસ ઉદ્યોગના રો-મટીરીયલના ભાવમાં એક કિલોએ અંદાજે રૂા.90 થી સીધો જ વધારો આવ્યો છે. તેનાથી બ્રાસ ઉદ્યોગને મોટો ફટકો પડયો હોવાનું જામનગર ફેકટરી ઓર્નસ એસોશિએશનના પ્રમુખ લાખાભાઇ કેશવાલાએ જણાવ્યું હતું. જો બ્રાસ ઉદ્યોગને બચાવવો હશે તો અને વિશ્ર્વના બજારમાં ટકાવવો હશે તો સરકાર જીએસટીના દરમાં ઘટાડો કરે તેવી માંગ કરી છે.
વર્ષોથી બ્રાસ ઉદ્યોગ આવેલ છે. આ બ્રાસ ઉદ્યોગ અંગે જામનગર ફેકટરી ઓનર્સ એસોશિએશનના પ્રમુખ લાખાભાઇ કેશવાલાએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, 35 વર્ષમાં બ્રાસના રો-મટીરીયલ કોર્પરના ભાવમાં આટલો વધારો કયારે નથી આવ્યો એકી સાથે રૂા.280 થી 300 જે ભાવ હતો તેમા વધારો થઇને રૂા.425 પહોંચ્યો છે. જેને લીધે બ્રાસ ઉદ્યોગકારો ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે, પ્રોડકશનના નવા ઓર્ડર મોંઘા ભાવને કારણે મળતા નથી અને જે ઓર્ડર આવેલ છે તે માલ પુરો કરવો પણ કઠીન બન્યો છે. કારણ કે કોર્પરના ભાવમાં જે રીતે ભાવ વધારો થયો છે. તે રીતે સસ્તા ભાવે માલ આપી શકાય તેમ નથી. જેનાથી સરકારની રેવન્યુ આવકને પણ નુકશાન થશે.બ્રાસ ઉદ્યોગકાર અશોકભાઇએ જણાવ્યું હતુ કે, જામનગરમાં 7 થી 8 હજાર અંદાજે જુદા-જુદા નાના-મોટા બ્રાસના કારખાનાઓ આવેલા છે. એશિયામાં સૌથી મોટો બ્રાસ ઉદ્યોગ જામનગરમાં છે. આ બ્રાસ ઉદ્યોગમાં ડાયરેકટ અને ઇનડાયરેકટ દોઢથી બે લાખ લોકો રોજી રોટી મેળવી રહ્યા છે. આવા બ્રાસ ઉદ્યોગ માટેના રો-મટીરીયલ આધારીત છે. આ બ્રાસ ઉદ્યોગ માટેનું રો-મટીરીયલ અંદાજે 200 ટનની જરૂરીયાત છે. બ્રાસ ઉદ્યોગમાં તૈયાર થયેલી પ્રોડકટની ડિમાન્ડ નથી અને અછત પણ નથી પણ માલમાં 50થી 60 ટકાની અછત જોવા મળી રહી છે.હાલમાં તો જામનગરના બ્રાસ ઉદ્યોગકારોની ફેકટરીમાં કામકાજ 40 ટકા જેવુ બંધ જેવી સ્થિતિમાં છે ત્યારે જામનગર ફેકટરી ઓર્નસ પ્રમુખ લાખાભાઇ કેશવાલા સહિતના હોદેદારોએ કેન્દ્ર અને રાજય સરકાર પાસે ટેકસની ડયુટીમાં ઘટાડો કરવાની માંગ કરી રહ્યા છે. કારણ કે, હાલમાં બ્રાસ ઉદ્યોગ ઉપર 18 ટકા જીએસટી ટેકસનું ભારણ છે. તેમા ઘટાડો કરી 5 ટકા ટેકસ કરવાની માંગ કરાઇ છે તો જ આ બ્રાસ ઉદ્યોગ વિશ્ર્વના માર્કેટમાં ટકી શકે તેમ છે.
જામનગરના બ્રાસ ઉદ્યોગની વિવિધ પ્રોડકટ વિશ્ર્વના ચીનની પ્રોડકટ સામે હરીફાઇમાં છે ત્યારે રો-મટીરીયલમાં આવેલો ભાવ વધારો અને સરકારના ટેકસના લીધે બ્રાસ ઉદ્યોગ હાલ કઠીન સમયમાંથી પસાર થઇ રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. બ્રાસપાર્ટનો સ્કેપ એટલે કે રો-મટીરીયલ વિદેશથી આવે છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પિતળ અને કોપરના ભાવમાં મોટા પ્રમાણમાં ઉછાળો આવ્યો છે. લંડન મેટલ એકસચેન્જમાં ભાવમાં પણ વધારો આવતા બ્રાસ ઉદ્યોગને અસર થશે.
શીપીંગ લાઇન સાથે આ ઉદ્યોગ જોડાયેલ છે. હાલમાં ક્ધટેનરની પણ અછતના કારણે ભાવમાં વધારો આવ્યો હોવાનું જામનગર એકઝીમ મેટલ મર્ચન્ટ એસોશિએશના પ્રમુખ ધર્મેશભાઇ જોષીએ જણાવ્યું હતું. સરકાર દ્વારા ડયુટીમાં રાહત આપવા છતા તેની જે અસર બ્રાસ ઉદ્યોગની સ્થાનિક માર્કેટમાં જોવા મળતી નથી. માંગ વધાની સાથે કોપરના ભાવમાં પણ વધારો થતા ઉત્પાદન ઉપર ફટકો પડયો છે. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ માટે તો બોજારૂપ છે કે 10 થી 12 હજાર ટન પીતળના ભંગારની આવશ્યકતા રહે છે ત્યારે વિદેશમાં જે રીતે જાન્યુઆરી માસથી પીતળના ભંગારના ભાવમાં ઉછાળો આવ્યો છે તેના ઉપર નજર કરીએ તો જાબન્યુઆરી માસમાં 7,327 ડોલર હતો તેમા વધારો થઇને 9614 ડોલર ફેબ્રુઆરી માસમાં પહોંચ્યો હતો. આજે પીતળના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. આમ જોઇએ તો સ્થાનિક બ્રાસ ઉદ્યોગ માટે જે પીતળનો ભાવ રૂા.370 હતો તે વધીને રૂા.420ને આંબી ગયો છે. જેના લીધે જામનગરના બ્રાસ ઉદ્યોગના રો-મટીરીયલ એવા પીતળ અને તાંબાના ભંગારના ભાવમાં સીધી અસર પહોંચી છે.
પિતળ, કોપરના ભંગારના ભાવમાં વિદેશમાં મોટો સટ્ટો ખેલાતા ઉદ્યોગને માઠી અસર
પિતળ અને કોપરના ભંગારના ભાવમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખૂબ મોટા પ્રમાણમાં હાલ સટ્ટો ખેલાતો હોય જેની સીધી અસર જામનગરના ગૃહ ઉદ્યોગ સમાન બ્રાસ ઉદ્યોગને સીધી પહોંચી છે. જામનગરને બ્રાસ સીટીની પદવી આપનાર બ્રાસ ઉદ્યોગ હાલ મંદીના વહેણ સામે ટક્કર મારી રહ્યો છે. સરકાર જો બ્રાસ ઉદ્યોગને ટેકસમાં રાહત જાહેર નહી કરે તો વિશ્ર્વના બ્રાસ માર્કેટમાં બ્રાસ ઉદ્યોગને ટકવુ મુશ્કેલ બનશે એટલુ જ નહી કપરા સમયમાં અને લોકડાઉન પછી બ્રાસ ઉદ્યોગ દ્વારા રોજગારી મેળવતા અનેક લોકો બેરોજગારીના ખપરમાં હોમાશે તે નક્કી વાત છે.