બીજા દિવસે મૃતદેહ ન સ્વીકાર્યો: જવાબદાર પોલીસ સામે અપહરણ અને હત્યાનો ગુનો નોંધવા રજૂઆત
સુરેન્દ્રનગરના વિપ્ર યુવાનનું બી ડિવિઝન પોલીસ મથકમાં થયેલા મોતની ઘટનાના બીજા દિવસે પરિવારજનોએ મૃતદેહ અંતિમ વિધી માટે સ્વીકાર્યો ન હતો. જવાબદાર પોલીસ સામે અપહરણ અને હત્યાનો ગુનો નોંધવાની માગ સાથે બ્રહ્મસમાજ અડગ રહેતા સમગ્ર પ્રકરણ વધુ પેચીંદુ બન્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનરના કશ્યપ હિમાન્શુભાઇ રાવલ નામના ૩૮ વર્ષના વિપ્ર યુવાન સામે બી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડી અંગેની અરજી થઇ હોવાથી પી.એસ.આઇ. ડોડીયા સહિતના સ્ટાફે કશ્યપ રાવલના મોબાઇલ લોકેશન મેળવી ડીવાય.એસ.પી. વાણંદના માર્ગ દર્શન હેઠળ બાવળા પાસેથી ઝડપી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો.
કશ્યપ રાવલની તબીયત લથડતા તેને સારવાર માટે ગાંધી હોસ્પિટલ લઇ જવામાં આવતા તેનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યાના ચારેક કલાક બાદ તેના પરિવારને પોલીસે જાણ કરતા અને કશ્યપ રાવલના શરીરે પોલીસ જે રીતે માર મારે તે પ્રકારના ઇજાના નિશાન જણાતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે મોકલાયો હતો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજી આવ્યો ન હોવાથી જવાબદાર પોલીસ સામે હત્યા અને અપહરણ અંગેનો ગુનો નોંધાયો ન હોવાથી બ્રહ્મસમાજ આગેવાનોએ કશ્યપ રાવલનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી જવાબદાર પોલીસ સામે ગુનો નોંધવાની માગણી સાથે અડગ રહ્યા છે. સુરેન્દ્રનગરના ડીવાય.એસ.પી. વાણંદ સામે આ પહેલાં પણ મુળી પંથકના યુવાને ઝેરી દવા પી આક્ષેપ કર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છેં.