સૃષ્ટિની રચના થયા પહેલાની વાત છે. બ્રહ્માએ, સત્ય, અસત્ય, અગ્નિ અને વરૂણ એ ચારેય જણાને એક અમરફળ આપીને પૃથ્વી ઉપર મોકલ્યા.
રસ્તામાં અસત્ય ધીરે રહીને વરૂણ પાસે ગયું અને ચૂપકીથી કહેવા લાગ્યું; ‘અરેભાઈ ! જો તું અગ્નિનો નાશ કરી નાખે તો અમરફળનો તેનો હિસ્સો પણ આપણા ભાગે આવી જાય.’ જળના દેવતા વરૂણ માટે અગ્નિનો નાશ કરવાનું કામ સહેલું હતુ, એટલે અસત્યની વાત માનીને વરૂ ણે અગ્નિનો નાશ કર્યો.
પછી અસત્ય સત્ય પાસે ગયું અને એજ રીતે તેને કહેવા લાગ્યું; મિત્ર સત્ય, આપણો આ વરૂણ કેવો મિત્રધાતી છે ! જોને તેણે અમરફળના એક જરા સરખા ભાગ ખાતર આપણા મિત્ર અગ્નિનો નાશ કર્યો. આવા મિત્રદ્રોહીને અમરફળ ન મળવું જોઈએ ! ગમે તે યુકિત કરીને આપણે વરૂણને તે ભાગમાથી ટાળીએ.
સત્ય અસત્યની વાતમાં આવી ગયું, બંનેએ એક યુકિત કરી બંને જણાએ ડુંગરનો માર્ગ લીધો બંને ડુંગર પર ચડવા લાગ્યા. હંમેશા નીચે વહી જનાર બિચારો વરૂણ ડુંગર કેવી રીતે ચડી શકે?
આમ વરૂ ણનો ભાગ પણ અસત્યે ટાળ્યો. ડુંગરની ટોચે પહોચીને અસયે વળી પોતાનું પોત પ્રકાશ્યું. તેણે સત્યનાં ગળચી પકડીને કહ્યું; ‘અરે મુર્ખ ચાલ અહીંથી ભાગી જા ! નહિતર જીવથી જઈશ. આ અમરફળ હું એકલો જ ખાઈશ,
અસત્યના આવા વર્તનથી સત્ય તો ડઘાઈ ગયું. પરંતુ આમ છતા શકિતશાળી સત્યે પોતાની જાતને સંભાળી લીધી.
કોઈપણ પ્રકારે આત્મરક્ષણ તો કરવું જ જોઈએ. એટલે સત્ય પણ અસત્યની બરાબર સામે થઈ ગયું. તેણે અસત્યની બરાબર ટકકર ઝીલવા માંડી.બ્રહ્માએ આ જાણ્યું ત્યારેતેઓ સત્ય ઉપર ખૂબ ક્રોધે ભરાયા. તેઓ સત્યને ઠપકો દેતાં કહેવા લાગ્યા; અરે હૈ સત્ય, બીજા બધા તો અસત્યની જાળમાં ફસાયા એ તો જાણે ઠીક, પરંતુ પ્રબળ હોવા છતાં તેના કપટમાં તું કેમ ફસાયું ? તે અસત્યનો રસ્તો કેમ લીધો ? માટે હું તને કાયમ માટે શિક્ષા કરૂ છું. હું તને સદા માટે શાપ દઉ છું કે હવેથી તારે જીવનની પ્રત્યેક ક્ષણે અસત્ય સામે ઝઝુમવાનું રહેશે. એ સમયથી બ્રહ્માનો એ શાપ સત્ય ભોગવતું આવ્યું છે અને સત્યને અસત્ય સામે સતત ઝઝુમવું પડે છે.