લાભાર્થીઓને કાલે મુખ્યમંત્રીનાં હસ્તે આવાસ ફાળવવામાં આવશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી આવાસ યોજના હેઠળ આવસો બનાવવામાં આવેલ છે. બી.એસ.યુ.પી. આવાસ યોજનામાં વેઇટિંગ યાદીનાં બી.પી.એલ. ધરાવતા ૧૯૦ લાભાર્થીઓને આવાસ નંબર ફાળવણી કોપ્યુટરાઈડ્ઝ ડ્રો કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે, મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૨માં દેશના ઘર વિહોણા લોકોને ઘરનું ઘર મળે તેવો સંકલ્પ કરેલ છે. રાજકોટ મહાનગરપાલિકા પણ આ દિશામાં આગળ વધી આવાસો બનાવી રહેલ છે. પવિત્ર શ્રાવણ માસના શુભારંભમાં તમોને આવાસ મળનાર છે. આ મળનાર આવાસમાં ખૂબ શાંતિ થી અને સુખમય જીવન પસાર કરો અને નિયમિત હપ્તા ભરવા તેમજ આવાસ વહેચવા નહિ તેવી અપીલ કરેલ. આ અવસરે મ્યુનિસિપલ કમિશનરે સૌ લાભાર્થીને શુભેચ્છા પાઠવતા જણાવેલ કે, આજરોજ આવાસનો નંબર ફાળવણી ડ્રો કરેલ છે. આવતીકાલે માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં વરદ હસ્તે આવાસનો એલોટમેન્ટ લેટર આપવામાં આવશે.
આ તકે મ્યુનિસિપલ કમિશનરે તમામ લાભાર્થીને જણાવેલ કે, કોઈ પણ લાભાર્થીને આવાસ વહેંચશે કે ભાડે આપશે તો આવાસ રદ કરવામાં આવશે અને ૧૦ વર્ષ સુધી અન્ય કોઈ આવાસમાં લાભ આપવામાં આવશે નહિ. બી.એસ.યુ.પી. યોજના અંતર્ગત પોપટપરા, વોર્ડ નં.૦૩, રોણકી ગામના પાટિયા પાસે આવાસ યોજનામાં લાર્ભાીઓને કોપ્યુટરાઈડ્ઝ ડ્રો મારફત આવાસ ફાળવવામાં આવેલ. જેમાં લાભાર્થીઓનો કુલ ફાળો રૂ.૯૧,૮૦૦/-નો રહેશે. ફાળવણી સમયે લાભાર્થીએ રૂ.૫૮૦૦/- ભરવાના રહેશે ત્યારબાદ માસિક રૂ.૮૬૦/- મુજબ ૧૦૦ માસિક સરળ હપ્તા ભરવાના રહેશે. આવાસ નંબર ફાળવણી ડ્રો કાર્યક્રમમાં મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, ડેપ્યુટી કમિશનર જાડેજા, શૈલેશભાઈ ડાંગર, તેમજ આવાસના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.