૧રમી ઓકટોબરે જાત્રાનું પ્રસ્થાન: સંસ્થા દ્વારા જાજરમાન લગ્નોત્સવ, તમામ તહેવારોની ઉજવણી, સાસ્કૃતિક કાર્યક્રમો, આધુનિક ગાર્ડન, રંગબેરંગી ફુવારા સહિતની સુવિધાઓ: સેવાભાવીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
છેલ્લા બે દાયકાથી જે સંસ્થાની પ્રવૃતિની સુવાસ રાજકોટની સમાડાઓ વટાવી વૈશ્ર્વિક સ્તર ઉપર પ્રસરી રહીછે. અને સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓ માટે દીવાદાંડી બની રહે છે એવી રાજકોટને ભાગોડે આવેલ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટનું લાડકું સંકલ્પ ‘દીકારાનું ઘર’ વૃઘ્ધાશ્રમ ર૭ સપ્ટેમ્બરના રોજ તેની અવીસ્મરણીય અને અદ્વિતીય સફળરના ર૧ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે. હાલ આ સંસ્થામાં પ૪ થી વધુ માવતરો પોતાની પાછોતરી જિંદગીની ટાઢક મેળવી રહ્યા છે. વૃઘ્ધાશ્રમના કર્મઠ સેવકોના પરિશ્રમથી સિંચાયેલી આ સંસ્થા વૃઘ્ધાશ્રમ સ્વરુપે શરુ કરવામાં આવેલ જે આજે માવતરો માટે આનંદાશ્રમ બની ગઇ છે.
‘દીકરાનું ઘર’વૃઘ્ધાશ્રમની ર૧ વર્ષની પ્રવૃતિનો ચિતાર આપતા સંસ્થાના સ્થાપક મુકેશ દોશી, મૌલેશભાઇ ઉકાણી, વલ્લભભાઇ સતાણી, શિવલાલભાઇ આદ્રોજા, ડો. નિદત બારોટ અને પ્રતાપભાઇ પટેલે વિગતો આપતા જણાવ્યું છે કે આજથી બરાબર ર૧ વર્ષ પહેલા આંગણળીના વેઢે ગણી શકાય એવા ચુનિંદા કાર્યકરોની ટીમ દ્વારા લગભગ ૨.૫ એકટ જેવી વિશાળ જગ્યામાં સ્વ. પુ. દીપચંદભાઇ ગારડી તેમજ માતા તુલ્ય ઉર્મિલાબેન શુકલ તેમજ પૂર્ણિમાબેન જોશીના શ્રીદાનથી પૂજય સ્વામી સચ્ચિનાનંદની ઉ૫સ્થિતિમાં આ ‘દિકરાનું ઘર’ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ ર૧ વર્ષની યાત્રા દરમિયાન આજ સુધીમાં પાંચ લાખથી વધુ લોકોએ આ સંસ્થાની મુલાકાત લીધી છે. જેમાં મુખ્યમંત્રી, ગવર્નર, રાજયમંત્રી મંડળના સભ્યો, જાહેર જીવન અને સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, સાધુ સંતો સ્કુલ કોલેજના છાત્રો, વિવિધ એસોસીએશનનો, એન.આર.આઇ. સહીતના લોકો મુલાકાત લઇ ધન્યતા અનુભવી ચૂકયા છે.
‘દીકરાનું ઘર’વૃઘ્ધાશ્રમની સુવિધાઓ અંગે માહીતી આપતા સંસ્થાના હસુભાઇ રાચ્છ, નલીન તન્ના, અનુપમ દોશી, સુનીલ વોરા, કિરીટભાઇ આદ્રોજા, ધીરુભાઇ રોકડએ વધુમાં જણાવ્યું છે કે આ સંસ્થામાં રહેતા માવતરોને તમામ સુવિધા પૂરી પાડવામાં આવી છે. જે માટે માવતરો પાસેથી કોઇ જ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. આ સંસ્થામાં આદર્શ પુત્રની પ્રતિકૃતિ દર્શાવતું શ્રવણનું તૈલ ચિત્ર સાથે કલાત્મક ગેઇટ, મીની આઇ.સી.યુ. સેન્ટર, કોર્પોરેટ ઓફીસ, ગૃહપતિ નિવાસ સ્થાન, થ્રી સ્ટાર ફેસેલીટી સમકક્ષ માવતરો માટે રુમની વ્યવસ્થા, અત્યંત આધુનિક ડાયનીંગ હોલ, ૮૪ લોકો એકી સાથે બેસી શકે તેવો ઓડીટોરીયમ કમ થિયેટ આધુનિક કીચન, ભવ્ય સ્ટોર રુમ, વડલો માટે લાઇબ્રેરી તેમજ સ્પોટર્સ એન્ડ રીક્રેએશનકલબ, ભગવાન શિવજીનું મંદીર, ઘ્યાન કુટીર, યુવાનોમાં રાષ્ટ્ર ભાવના કેળવાય એવા હેતુથી ભારતમાતાનું મંદીર, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કાયમી સ્ટેજ આધુનિક ગાર્ડન, રંગબેરંગી ફુવારા, સી.સી ટીવી કેમેરા તેમજ સાઉન્ડ સીસ્ટમ સહીતની સુવિધા તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ ઉપરાંત તેજસ્વી છાત્રોને શિક્ષણ સહાય, ઉનાળામાં છાશ વિતરણ, શિયાળામાં ધાબડા વિતરણ, રસ્તે રઝળતા મજદુરો તેમજ ખેતરમાં કામ કરતા વ્યકિતને સ્લીપર પહેરાવવાનું ભગીરથ અભિયાન, તહેવારોમાં મીઠાઇ-ફરસાણનું વિતરણ, વ્યસન મુકિત અભિયાન, સંસ્કાર શીબીરોનું આયોજન, કુદરતી કે માનવ સર્જીત આપતિના સમયે કેમ્પો, ગરીબ અનાથ દીકરીઓનો વહાલુડીના વિવાહ અતગત જાજરમાન લગ્નોત્સવ, સાહિત્યની પ્રવૃતિને વેગ મળે તેવા શુભાશયથી સાહિત્ય સેતુની સ્થાપના જેવી અસંખ્ય પ્રવૃતિઓ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. સંસ્થામાં તમામ તહેવારોની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે.
સંસ્થાના માવતરોને વર્ષ દરમિયાન બે થી વધુ યાત્રા કરાવવામાં આવે છે જેમાં અત્યાર સુધીમાં માવતરો હવાઇ મુસાફરી તેમજ દરીયાઇ મુસાફરી દ્વારા દિલ્હી, ગોકુળ, મથુરા, વૃંદાવન, હરીદ્વાર, ઋષિકેશ, શીરડી, નાસીક, ત્રબકેશ્ર્વર, શ્રીનાથજી, એકલિંગજી, શામળાજી, કેસરીયાજી, ડાકોર, બહુચારજી, અંબાજી, સોમનાથ દ્વારીકા પાલીતાણા ઉપરાંત સૌરાષ્ટ્રના અસંખ્ય પવિત્ર તીર્થ સ્થાનોની જાત્રા કરી ચુકયા છે. સંસ્થાના માવતરો, ગોવાનો અદભૂત પ્રવાસનો લહાવો પણ લઇ ચુકયા છે.
‘દીકરાનું ઘર’ની ર૧ વર્ષની યાત્રા દરમિયાન નામી-અનામી અસંખ્ય દાતાઓ, શુભેચ્છકોનો અદભુત સંયોગ સાંપડયો છે. ‘દીકરાનું ઘર’ની ૮૧ થી વધુ કાર્યકરોની સમર્પિત ટીમ છે. પહેલો સગો પાડોશીના નાતે ધરતી પુત્રોનું ગામ ઢોલરાના રહેવાસીઓનો પણ અદભૂત સહયોગ મળતો રહે છે. ‘દીકરાનું ઘર’ ની ર૧ વર્ષની સેવાયાત્રામાં પૂર્વ ટ્રસ્ટી ગીરીશભાઇ અકબરી તેમજ હિતેનભાઇ અજમેરાનો અદભુત સહયોગ આજે પણ મળતો રહે છે. ‘દીકારાનું ઘર’ ની સંપૂર્ણ વ્યવસ્થા મુકેશ દોશીના નેતૃત્વ નીચે ૧૦૦ જેટલા ચુનંદા ભાઇઓ-બહેનો સંપૂર્ણ વ્યવસ્થા સંભાળી રહેલ છે.
૨૧ વર્ષની સાદાઇથી ઉજવણી માવતરો બે જયોતિલિંગના દર્શને જશે
‘દિકરાનું ઘર’ની સેવાયાત્રાને ર૧ વર્ષ પૂરાી થયા છે. ત્યારે કોઇ જ પ્રકારની ભપકાદાર ઉજવણીને બદલે માવતરોના જીવનમાં આનંદ અને ઉલ્લાસ આવે એવા શુભ આશયથી દાતાઓના સહકારથી આગામી તા.૧ર ઓકટોબરના રોજ મઘ્યપ્રદેશમાં આવેલ બે જયોતિલિંગ ઓમકારેશ્ર્વર અને મહાકાલેશ્ર્વર દર્શનાર્થે જશે. સમગ્ર યાત્રાનું થ્રી સ્ટાર ફેસેલીટી સાથે આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના સહયોગ આપવા ઇચ્છા સુખી-સંપન્ન દાતાઓ આ માટે મુકેશ દોશી મો. નં. ૯૮૨૫૦ ૭૭૭૨૫ તેમજ સુનીલ વોરા મો. નં. ૯૮૨૫૨ ૧૭૩૨૦ પર સંપર્ક કરી શકે છે. વડીલો માટે થઇ રહેલી જાત્રાને સફળ બનાવવા મુકેશભાઇ દોશી, ઉપેનભાઇ મોદી સહીતના સેવાભાવીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
વહાલુડીના વિવાહના નામે ઉઘરાણા કરતા લેભાગુ તત્વોથી ચેતજો
સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત રૂક્ષ્મણીબેન દિપચંદભાઇ ગારડી વૃઘ્ધાશ્રમના નામે કેટલાક લેભાગુ તત્વો ઘરે ઘરે અને ઓફીસે જઇ ફંડ ફાળો ઉધરાવે છે. ‘દિકરાનું ઘર’ વૃઘ્ધાશ્રમ દ્વારા આગામી તા. ૨૧-૨૨ ડીસેમ્બર ૨૦૧૯ના રોજ યોજનાર નિરાધાર દીકરીઓના લગ્નના નામે ફાળો ઉધરાવે છે. દિકરાનું ઘર વૃઘ્ધાશ્રમની આવી રીતે ફાળો ઉધરાવવાની કોઇ પરંપરા નથી. આવા કોઇ અસામાજીક તત્વો ને ફંડ ફાળા આપવા નહીં તથા આવા કોઇ તત્વો ઉઘરાવતા માલુમ પડે તો સમાજના હિતમાં સંસ્થાના મુકેશ દોશી મો.નં. ૯૮૨૫૦ ૭૭૭૨૫ અથવા સુનીલ વોરા મો. નં. ૯૮૨૫૦ ૧૭૩૨૦ ઉપર તુરંત જાણ કરવા અનુરોધ કરાયો છે.