ગર્લ ફ્રેન્ડના ચારિત્ર્ય અંગે શંકાના કારણે દિવ દારૂની ખેપ મારવા જવા સાથે લઇ જઇ ભવનાથમાં છરીથી રહેસી નાખી
મૃતકની માતાએ આજી ડેમ પોલીસમાં ગુમ નોંધ લખાવી: પોલીસ તપાસમાં ચાર દિવસે ભાંડો ફુટયો
અબતક,રાજકોટ
શહેરના માંડા ડુંગર પાસે આવેલા રામપાર્કની યુવતીની બુટલેગર બોય ફ્રેન્ડે જૂનાગઢના જંગલ વિસ્તારમાં ચારેક દિવસ પહેલાં હત્યા કરી ફેંકી દીધાની ઘટનાનો આજી ડેમ પોલીસે પર્દાફાંસ કરી હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સની અટકાયત કરી પૂછપરછમાં પોતાની ગલ્સ ફ્રેન્ડને પરપુરૂષ સાથે જોઇ જતાં ચારિત્ર્ય અંગેની શંકાના કારણે છરીના છ જેટલા ઘા ઝીંકી હત્યા કર્યાની કબુલાત આપી છે. દારૂના અનેક ગુનામાં સંડોવાયેલા શખ્સની હત્યાના ગુનામાં અટકાયત કરી જૂનાગઢ પોલીસને સોપી દીધો છે.
આ અંગેની પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ રામ પાર્કમાં રહેતા ઉર્મિલા નામની યુવતી ગત તા.8મી ફ્રેબુઆરીએ પોતાના બોયફ્રેન્ડ મનસુખ ઉર્ફે ટીના ચના જાદવ સાથે ગયા બાદ પરત ન આવ્યા અંગેની તા.9મીએ ઉર્મિલાના માતા ભાવનાબેન ભૂપતભાઇ સોલંકીએ આજી ડેમ પોલીસમાં ગુમ નોંધ લખાવી હતી.
બોય ફ્રેન્ડ મનસુખ જાદવ સાથે ગયેલી ઉર્મિલા પરત આવી ન હોવાથી આજી ડેમ પોલીસ મથકના પી.આઇ. વી.જે.ચાવડા અને રાઇટર જાવિદભાઇ રિઝવી, કુલદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે મનસુખ જાદવની શોધખોળ કરી ગઇકાલે આજી ડેમ ચોકડી પાસેથી ઝડપી લીધો હતો. મનસુખ જાદવની પૂછપરછ ઉર્મિલા સાથે સાડા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હોવાથી બંને લીવ ઇન રિલેશનથી પતિ-પત્નીની જેમ રહેતા હતા.
ઉર્મિલાને એક માસ પહેલાં પરપુરૂષ સાથે મનસુખ જોઇ જતા બંને વચ્ચે ચારિત્ર્ય અંગે શંકા કરી ઝઘડા કરતો હતો. ગર્ભવતી ઉર્મિલાને અન્ય શખ્સો સાથે સંબંધ ન રાખવાનું સમજાવવા છતાં તેના વર્તનમાં ફેરફાર ન થતા ગત તા.8મીએ મનસુખ ફોન કરી ઉર્મિલાને જૂનાગઢ દારૂ લેવા જવા અંગેનું જણાવી પોતાની સાથે આવવા માટે બસ સ્ટેશન બોલાવી હતી. બંને એસટીની બસ દ્વારા જૂનાગઢ ગયા હતા ત્યાં ભવનાથ તળેટીમાં એક દરગાહ ખાતે દર્શન કર્યા બાદ ચાલીને જંગલ વિસ્તારમાં લઇ જઇ પરપુરૂષ સાથે સંબંધ ન રાખવા અંગે ચેતવી હોવા છતાં કેમ સંબંધ રાખે છે તે અંગેની બંને વચ્ચે ચર્ચા દરમિયાન ઉગ્ર બોલાચાલી થતા મનસુખ જાદવે પોતાની પાસે રહેલી છરીના છ જેટલા ઘા ઝીંકી હત્યા કરી પરત રાજકોટ આવી ગયાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.
આજી ડેમ પોલીસ મનસુખ જાદવ અને મૃતક ઉર્મિલાની માતા ભાવનાબેન સોલંકીને સાથે લઇ જૂનાગઢ તપાસ અર્થે ગયા ત્યાં જંગલ વિસ્તારમાંથી ઉર્મિલાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ભાવનાબેન સોલંકીએ પોતાની પુત્રીનો મૃતદેહ ઓળખી બતાવતા આજી ડેમ પોલીસે સમગ્ર ઘટના અંગે જૂનાગઢ પોલીસને જાણ કરતા જૂનાગઢ પોલીસે ભાવનાબેન સોલંકીની ફરિયાદ પરથી મનસુખ જાદવ સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.મનસુખ જાદવ અગાઉ દારૂના ગુનામાં ઝડપાતા તેની પાસા હેઠળ અટકાયત કર્યાનું પત્રકાર પરિષદમાં ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણાએ જણાવ્યું છે.