અબતક,ધોરાજી, ધર્મેન્દ્ર બાબરીયા
ધોરાજીમાં વેલેન્ટાઇન ડે ના પહેલા પ્રેમિકાને છરી વડે હુમલો કરી યુવતીનું નાક કાપી ગંભીર ઈજા પહોંચાડનાર પાગલ પ્રેમી અને તેના મિત્રને પોલીસે ગણતરીની કલાકોમાં ઉનાંથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથધરી છે. બનાવની વિગતો મુજબ ધોરાજીના આંબાવાડી કોલોની ખાતે રહેતા ફરઝાના ઉર્ફે હજુ સિતારભાઈ ગનીભાઇ માલવિયા ઉવ ૨૫ને મુળ આટકોટ અને હાલ રાજકોટ ઘંટેશ્વર વિસ્તારમાં રહેતા સુલતાન ઉર્ફે ટીપુ જાનમામદ જુણેજા સાથે પરિચય થયો હતો અને પરિચય બાદ પ્રેમ થઈ જતાં યુવતી ફરઝાનાં પ્રેમી સુલતાન સાથે આશરે નવ મહિના પૂર્વે રાજકોટ સાથે રહેવા ચાલી ગઈ હતી. આ દરમિયાન પ્રેમી સુલતાન દ્વારા યુવતીને અવાર નવાર મારકૂટ કરવામા આવતા યુવતી ધોરાજી પોતાનાં ઘરે પરત ફરી હતી.
ત્યારબાદ સુલતાનને ફરઝાનાંનું ધોરાજી પરત ફરવું ગમ્યું નહીં. જેથી અવારનવાર ફોન દ્વારા યુવતીને રાજકોટ આવી જવા દબાણ કરવા લાગ્યો હતો. ફરજાના એ જ્યારે સુલતાન ને રાજકોટ પરત ફરવાની ચોખ્ખી ના પાડી દીધી જેથી આરોપી સુલતાન ઉશ્કેરાઈ તેના એક મિત્ર રાજકોટના રાહુલ દિપકભાઈ ગોસાઈને લઇ તારીખ ૧૩ ના રોજ વેલેન્ટાઈન ડે ના આગળના દિવસે રાત્રે નવ વાગ્યે યુવતીના ઘરે આવી પહોંચ્યો હતો. જ્યાં સુલતાન અને રાહુલ સાથે મળીને યુવતી પર હુમલો કર્યો હતો અને યુવતીના માથાના આગળના ભાગેથી વાળ કાપી નાખી પાડયા હતા.
મારકૂટ કરતા ફરઝાનાંની મોટી બહેન કૌશર અને માતા શમાબેન યુવતીને બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેમની ધક્કો મારી પછાડી દઇ. યુવતીની ઉપર બેસી તેના ગાલ પર અને હાથ પર તેમજ યુવતીનું નાક કાપી નાખી શરીરના અન્ય ભાગોમાં શરીરના ગંભીર ઘા ઝીકી દેતા ભોગ બનનાર રજાના ગંભીર રીતે ઘવાઈ હતી જેને રાજકોટ વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બાબતે ધોરાજી પોલીસ બંનેને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથધરી છે.