વર્ષો જૂની માંગણીઓ તંત્રના બહેરા કાને અથડાતા
ગુજરાત ફાર્માસિસ્ટના પગલે ફાર્માસિસ્ટો 9 ઓગસ્ટ સુધી આંદોલનના માર્ગે જતા આરોગ્ય વિભાગમાં દવાઓ અને વેક્સિન સહિતની કામગીરી ખોરવાઇ જવાની વકી
ગુજરાતમાં વેક્સીનની વધારાની કામગીરી બદલ માસિક ભથ્થાની માંગણી જિલ્લા અને તાલુકા કક્ષાએ ફાર્માસિસ્ટનું મહેકમ મંજૂર કરવા અંગે વરસોથી અનેક રજૂઆતો કરવામાં આવી રહી છે, તેમ છતાં સરકાર દ્વારા વર્ષો જુની માંગણીઓ નહીં સ્વીકારતા ના છુટકે ગુજરાત સ્ટેટ પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશનને વિધિવત રીતે આંદોલન છેડ્યુ છે. આંદોલનના પગલે ફાર્માસિસ્ટોએ વેક્સિનની કામગીરી ઓનલાઇન એન્ટ્રી અને ફાર્માસિસ્ટોને આવતી વધારાની કામગીરીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. જેના પગલે આરોગ્ય વિભાગમાં દવાઓ અને વેક્સિન સહિતની કામગીરી ખોરવાઈ જવાની સંભાવના છે.
રાજ્યમાં અન્ય કેડરની સરખામણીએ તાલુકા અને જિલ્લા કક્ષાએ કામગીરીના વધારા સામે ફાર્માસિસ્ટના મહેકમમાં વધારો કરાયો નથી. પંચાયત હસ્તકના ફાર્માસિસ્ટ પાસે મહેકમ વગર તાલુકા અને જિલ્લા કક્ષાએ ડેપ્યુટેશન આપી વર્ષોથી કામગીરી લેવામાં આવી રહી છે. આ તકે એ બાબત ખાસ નોંધવી રહી કે ફાર્માસિસ્ટ દ્વારા કરવામાં આવતી વેકસીનની કામગીરીના લીધે ગુજરાત સરકારને ભારત સરકાર તેમજ ડબલ્યૂએચઓ દ્વારા ઘણા એવોર્ડ પ્રાપ્ત થયા છે.
પરંતુ આ એવોર્ડ પાછળ પાયાના પથ્થર સમાન ફાર્માસિસ્ટ કેડરની હંમેશા સરકાર તરફથી અવગણના કરવામાં આવી રહી છે અને ક્યારેય તેમની એક પણ માંગણી સંતોષવામાં આવી નથી. આ મામલે 20 દિવસ અગાઉ કરાયેલી રજૂઆતની સમયમાં મર્યાદા પૂર્ણ થતા ફાર્માસિસ્ટ એસોસિએશનએ વિધિવત રીતે આંદોલન છેડીને વિવિધ કામગીરીનો બહિષ્કાર કર્યો છે.સમગ્ર ગુજરાતની સાથે રાજકોટ જિલ્લામાં 27 જુલાઈ થી 9 ઓગસ્ટ સુધી ઈ-વિન એપમાં વેક્સીનની રોજબરોજની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી, જિલ્લા કક્ષા ડેપ્યુટીશન વાળી મહેકમ વગરની વધારાની તમામ કામગીરીનો બહિષ્કાર કર્યો છે.
9 ઓગસ્ટ સુધીમાં સરકાર દ્વારા નિર્ણય નહીં કરવામાં આવે તો 10 ઓગસ્ટથી ફાર્માસિસ્ટને લગતી વેક્સિનની જાળવણી, વેક્સીન ઇસ્યુ, વેક્સીનને લગતા રેકોર્ડ રજીસ્ટર, રિપોર્ટિંગ સહિતની તમામ કામગીરીનો જિલ્લા કક્ષાએ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ બહિષ્કાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી દરમિયાન કોવિડ વેક્સિનેશનના લોડિંગ અને અનલોડીંગના 130 દિવસના ઇન્સેટિવ ચુકવણાથી પણ વંચિત રખાતા ફાર્માસિસ્ટોમાં સરકાર પ્રત્યે ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.