- રજિસ્ટ્રેશન માટે એક વર્ષની સમય મર્યાદા હોવાથી નિરાકરણ આવ્યા બાદ મંડળ દ્વારા સૂચના મળ્યા પછી જ રજિસ્ટ્રેશન કરવા માટે સંચાલકોને તાકીદ
રાજ્યમાં આવેલી પ્રિ-સ્કૂલ માટે સોમવારથી રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, પરંતુ રાજ્યના ત્રણ મોટા સંચાલક મંડળ દ્વારા તમામ સ્કૂલોને હાલમાં રજિસ્ટ્રેશન ન કરવા માટે આદેશ અપાયો છે. રજિસ્ટ્રેશન માટેની જે જોગવાઈઓ નક્કી કરવામાં આવેલી છે તેની સામે સંચાલક મંડળને વાંધો છે અને તેને લઈને આગામી દિવસોમાં રાજ્યના ત્રણ મોટા સંચાલક મંડળની એક સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે. આ બેઠકમાં પ્રિ-સ્કૂલના રજિસ્ટ્રેશન માટે નક્કી કરેલી જોગવાઈઓ પૈકી જે જોગવાઈ સામે વાંધો છે તેના મુદ્દા અલગ તારવી સરકારમાં રજૂઆત કરવામાં આવશે.
રજિસ્ટ્રેશન માટે એક વર્ષની સમય મર્યાદા હોવાથી નિરાકરણ આવ્યા બાદ મંડળ દ્વારા સૂચના મળ્યા પછી જ રજિસ્ટ્રેશન કરવા માટે સંચાલકોને તાકીદ કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં નવી તથા હયાત પ્રિ-પ્રાયમરી સ્કૂલોના નિયમન માટે ઠરાવ બહાર પાડવામાં આવ્યા બાદ હવે સોમવારથી રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં હયાત પ્રિ-સ્કૂલોએ એક વર્ષની મર્યાદામાં તથા નવી પ્રિ-પ્રાયમરી સ્કૂલોએ સંસ્થા શરૂ કરતા પહેલા રજિસ્ટ્રેશનની કાર્યવાહી કરવાની રહેશે તેવી તાકીદ કરવામાં આવી છે. રજિસ્ટ્રેશનને લઈને શિક્ષણ વિભાગ દ્વારા માર્ગદર્શિકા નક્કી કરાઈ છે, જેમાં રજિસ્ટ્રેશન માટેની જોગવાઈઓ પણ જાહેર કરવામાં આવી છે. જોકે, રજિસ્ટ્રેશન માટેની જોગવાઈઓ પૈકી અમુક જોગવાઈઓને લઈને સંચાલક મંડળે વાંધો ઊભો કર્યો છે. જેથી જ્યાં સુધી બીજી સૂચના ન મળે ત્યાં સુધી રજિસ્ટ્રેશન ન કરવા માટે તમામ સંચાલકોને સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
રાજ્યના ત્રણ મોટા સંચાલક મંડળ ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા તમામ સ્કૂલ સંચાલકોને પત્ર લખી હાલમાં રજિસ્ટ્રેશન ન કરવા આદેશ કરાયો છે. જેમાં જણાવાયું છે કે, આગામી દિવસોમાં ત્રણેય સંચાલક મંડળની સંયુક્ત બેઠક મળશે અને ત્યારબાદ તેમાં નિર્ણય કરવામાં આવશે. જેથી સંચાલક મંડળની બેઠક બાદ સૂચના ન મળે ત્યાં સુધી હાલ પૂરતી રજિસ્ટ્રેશનની કાર્યવાહી ન કરવા જણાવાયું છે.