લખનૌના 153 રનના સ્કોર સામે પંજાબ કિંગ્સ 133 રન જ નોંધાવી શકી
બંને ટીમના બેટ્સમેનોનું પ્રદશન નિરાશાજનક રહ્યું, એકપણ બેટ્સમેન અળધી સદી ફટકારી શક્યો નહિ
ક્વિન્ટન ડીકોક અને દીપક હૂડાની મહત્વની ઈનિંગ્સ બાદ બોલર્સે કરેલા લાજવાબ પ્રદર્શનની મદદથી લખનૌ સુપર જાયન્ટ્સે આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં શુક્રવારે રમાયેલી મેચમાં 20 રને વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ-2022માં પુણેમાં રમાયેલી આ મેચમાં બંને ટીમના બેટર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં આઠ વિકેટે 153 રનનો સ્કોર નોંધાવ્યો હતો. તેનો એક પણ બેટર અડધી સદી ફટકારી શક્યો ન હતો. સૌથી વધુ રન ક્વિન્ટન ડીકોકે નોંધાવ્યા હતા. તેણે 42 રનની ઈનિંગ્સ રમી હતી. જોકે, પંજાબ કિંગ્સના બેટર્સ પણ નિષ્ફળ રહ્યા હતા જેના કારણે ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 133 રન જ નોંધાવી શકી હતી. જોની બેરસ્ટોએ સૌથી વધુ 32 રનનું યોગદાન આપ્યું હતું.
પંજાબના બોલર્સે શાનદાર પ્રદર્શન કરીને લખનૌને મોટો સ્કોર કરવા દીધો ન હતો. પરંતુ 154 રનના લક્ષ્યાંકના જવાબમાં પંજાબના બેટર્સનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું. ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને બાદમાં ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી જેના કારણે ટીમે વિજયથી વંચિત રહી હતી. મયંક અગ્રવાલ અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ 35 રનની ભાગીદારી નોંધાવી હતી જેમાં ધવનનું યોગદાન ફક્ત પાંચ રનનું રહ્યું હતું. મયંક અગ્રવાલે 25 રનની ઈનિંગ્સ રમી હતી. તેણે 17 બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી.
આ ઉપરાંત જોની બેરસ્ટોએ 28 બોલમાં પાંચ ચોગ્ગા સાથે 32 રન ફટકાર્યા હતા પરંતુ આ સિવાયના બેટર નિષ્ફળ રહ્યા હતા. ભાનુકા રાજપક્સે નવ, લિયામ લિવિંગસ્ટોન 18, જિતેશ શ્મા બે અને કાગિસો રબાડાએ બે રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે રિશિ ધવન 21 રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. લખનૌ માટે મોહસિન ખાને ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે દુષ્મંથા ચમીરા અને કૃણાલ પંડ્યાએ બે-બે તથા રવિ બિશ્નોઈએ એક વિકેટ ઝડપી હતી.
પંજાબ કિંગ્સે ટોસ જીતીને લખનૌ સુપર જાયન્ટ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. કાગિસ રબાડાની શાનદાર બોલિંગની મદદથી પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને મોટો સ્કોર કરતાં અટકાવ્યું હતું. લખનૌની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 153 રનનો સ્કોર નોંધાવી શકી હતી.
ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને મિડલ ઓર્ડરના બેટર નિષ્ફળ રહ્યા હતા. ટીમે 13 રનના સ્કોરે સુકાની લોકેશ રાહુલની વિકેટ ગુમાવી દીધી હતી. રાહુલ 11 બોલમાં છ રન નોંધાવીને આઉટ થયો હતો. બાદમાં ઓપનર ક્વિન્ટન ડીકોક અને દીપક હૂડાએ બાજી સંભાળી હતી. આ જોડીએ 85 રનની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ આ બંને બેટર આઉટ થયા બાદ લખનૌએ ટૂંકા ગાળામાં મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી. ડીકોક 37 બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 46 રન નોંધાવીને આઉટ થયો હતો.
જ્યારે હૂડાએ 28 બોલમાં 34 રન નોંધાવ્યા હતા. કૃણલા પંડ્યા સાત, માર્ક્સ સ્ટોઈનિસ એક અને આયુષ બદોની ચાર રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. અંતિમ ઓવર્સમાં જેસન હોલ્ડરના 11, ચમીરાના 17 અને મોહસિન ખાનના અણનમ 13 રનની મદદથી લખનૌ 153 રનના સ્કોર સુધી પહોંચી શક્યું હતું. પંજાબ માટે કાગિસો રબાડાએ ચાર વિકેટ ઝડીપ હતી જ્યારે રાહુલ ચહરને બે અને સંદીપ શર્માને એક સફળતા મળી હતી.