વર્ષો પહેલા સુકા મલક તરીકે જાણીતા સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાના નીર આવતા પણીની મુશ્કેલીમાં થોડી ઘણી રાહત થઇ છે. છતા જયા નર્મદાના નીર નથી પહોચતા તેવા મૂળી,સાયલા,ચોટીલા સહિતના કેટલાક તાલુકાના લોકોને ઉનાળાના સમયમાં પાણી માટે રઝળપાટ કરવાની સ્થીતી સર્જાતી હોય છે. આવા સમયે ચોમાસાના પાણીના સંગ્રહ માટે જિલ્લામાં બનાવેલા 11 જળાશયો ગામડાના લોકોની તરસ છીપાવવા માટે મહત્વના બનતા હોય છે.
ગત વર્ષે જિલ્લામાં ચોમાસાના સમયમાં 150 ટકા વરસાદ થયો હતો. અને આથી જ જળાશયો છલકાઇ જતા આ વર્ષે પાણીની મુશ્કેલી નહી સર્જાય તેવી આશા હતા. પરંતુ ચોમાસાના 7 મહિના જેટલો સમય થતાની સાથે જ જિલ્લાના જળાશયોના તળીયા દેખાવા લાગ્યા છે. વર્તમાન સમયે જળાશયોમાં માત્ર 20.87 ટકા જ પાણી રહેતા આકરા ઉનાળાના તાપમાં ગ્રામજનોને પાણીની મુશ્કેલી સર્જાઇ રહી છે. 11 જળાશયો માંથી 8 જળાશયોનું પાણી સીંચાઇ માટે આપવામાં આવે છે આ ડેમમાં પણ પાણી સુકાઇ જતા ખેડૂતોને સીંચાઇ માટેના પાણીની પણ મુશ્કેલી સર્જાઇ છે.
મહત્વની બાબત એ છે કે જયા નર્મદાના નીર નથી પહોચતા તેવા ગામોમાં આવેલા મોરસલ, નિંભણી,વાસલ,સબુરી,ધારી આ 5 જળાશયો તો સાવ ખાલી થઇ ગયા છે. આથી આ ડેમની અંડરમાં આવતા ગામના લોકોને પાણી માટે બોર,કુવા કે પાણીના ટેંકરના સહારે રહેવાની સ્થીતી આવી ગઇ છે. જયારે સૌરાષ્ટ્ર અને કચ્છને પાણી પહોચાડતો ધોળીધજા ડેમમાં પણ માત્ર 50 ટકા જ પાણી રહેતા શહેરી વિસ્તારોમાં પણ પાણી ની સ્થીતી વિકટ બને તેવી સ્થીતી સર્જાઇ છે.