બાળકીને સ્કૂલે મુકવાના બહાને ઘરે લઈ જઇ લિફ્ટમાં માર માર્યો
અબતક,રાજકોટ
શહેરમાં માધાપર ચોકડી પાસે આવેલ સુંદરમ સિટી એપાર્ટમેન્ટમાં એક અજીબ બનાવ સામે આવ્યો છે ફ્લેટમાં રહેતા બાળકો વચ્ચે થયેલા ઝઘડામાં યુવાને માસૂમ બાળકીને સ્કૂલે મૂકવા લઈ જઈ અને લિફ્ટમાં બોટલ ફટકારતો વિડિયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
મળતી વિગતો મુજબ માધાપર ચોકડી પાસે આવેલા સુંદરમ સિટી એપાર્ટમેન્ટ માં રેહતી મહિલાએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે તેની પુત્રી અને પાડોશી રવિનો પુત્ર રેલનગરની સ્કૂલમાં સાથે અભ્યાસ કરે છે, ક્યારેક પોતે તો ક્યારેક રવિ બંનેના બાળકોને શાળાએ તેડી મૂકી આવે છે, શનિવારે રવિ પોતાના પુત્ર તથા પાડોશની પુત્રીને લઇને આવ્યો હતો, લિફ્ટમાંથી બહાર નીકળી બાળકી પોતાના ઘરે પહોંચી તો તે રડતી હતી. તેના રડવા અંગે પૂછતાં રવિએ કહ્યું હતું કે બાળકોએ શાળાએ ઝઘડો કર્યો હોવાથી તે રડે છે, પરંતુ રવિ જતો રહ્યો હતો.
ત્યારબાદ બાળકીએ કહ્યું હતું કે, રવિએ તેને માર્યું હતું, અગાઉ પણ ચારેક વખત બાળકી સાથે આવી ઘટના બની હોવાથી મહિલાએ એપાર્ટમેન્ટની લિફ્ટના સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યા હતા
જેમાં લિફ્ટમાં રવિ જ્યારે બાળકી તથા તેના પુત્રને લઇને પ્રવેશે છે તે સાથે જ રવિએ બાળકીના પગ પર પોતાનો પગ મૂકીને તેને ધમકાવી હતી, ત્યારબાદ રવિએ પોતાના હાથમાં રહેલી સ્ટીલની વોટર બોટલ બાળકીના ગાલ પર ફટકારી હતી. જેના પગલે પોલીસે સોની ઉઠાવી લઇ તેની સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું છે.