આજે તા.1લી જુલાઈથી ટીડીએસના નવા નિયમો અમલી બની રહ્યાં છે અને તે મુજબ ખરીદનાર કે વેંચનાર બન્નેના વ્યવહારો પર ટીડીએસ લાગુ થશે. કરવેરાની ચૂકવણીમાં કોઈપણ પ્રકારની છટકબારીનો અવકાશ ન રહે તે માટે નવા નિયમો આજથી અમલમાં મુકવામાં આવી રહ્યાં છે. આ નિયમોના કારણે સરકારને વધુ આવક પ્રાપ્ત થવાની સંભાવનાઓ છે અને કોઈપણ પ્રકારની કરચોરી થઈ શકશે નહીં.
રૂા.50 લાખથી વધુના વ્યવહારો પર ટીડીએસ લાગુ થશે
હવે કોઈપણ પ્રકારની વેરા છટકબારી રહે નહીં એ સુનિશ્ચિત કરાશે
સીબીડીટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, રૂા.50 લાખથી વધુના વ્યવહારો પર ખરીદનારે ટીડીએસ કપાત આપવી પડશે. બન્ને તરફ ટીડીએસ લાગુ થશે. રૂા.50 લાખથી વધુના વ્યવહારની રકમ પર ખરીદનારે 0.1 ટકા ટીડીએસ આપવાનો રહેશે. આ માટે આવકવેરા ધારામાં સુધારો કરવામાં આવ્યો છે. હવેથી ટીડીએસની આટલી રકમ માટેની ગણતરી નવા નિયમ મુજબ કરવાની રહેશે. 1લી જુલાઈ 2021ના દિવસ અથવા તે પછી જેટલી લેવડ-દેવડ થાય તેના પર ખરીદનાર અને વેંચનાર બન્ને પક્ષે ટીડીએસ લાગુ થશે.
જ્યારે પણ કોઈ ખરીદદારે માલ-સામાનની ખરીદી કરી હોય અને તેનું મુલ્ય રૂા.50 લાખથી વધી જતું હોય તો ખરીદનારે આ રકમ વેંચનારને ચૂકવતી વખતે જ 0.1 ટકા ટીડીએસ એટલે કે આવકવેરો ચૂકવી દેવાનો રહેશે. ખાતામાં રકમ નાખી હોય તો તે સમયે પણ વેરો ચૂકવી દેવાનો રહેશે તેવી બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અગાઉથી થતાં ચૂકવણા પર નવી જોગવાઈઓ લાગુ થશે પણ બિનનિવાસી માટે આ જોગવાઈઓનો અમલ થશે નહીં. જે બિનનિવાસીની માલ સામાનની ખરીદી પરમીનન્ટ એસ્ટાબ્લીસમેન્ટ (પીઈ) સાથે સંકળાયેલ ન હોય તેવા બિનનિવાસીને આ જોગવાઈઓ લાગુ થશે નહીં.