બોટાદ જિલ્લાના રાણપુર ગામ પાસે વાડીમાં ભાગીયું રાખી કામ કરતા મજૂરોને અડઉ ગામના શખ્સે ઢીક્કા પાટુનો માર મારી તેમને તથા વાડી માલિકને વાવવા બાબતે રૂ.5 લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાણપુર ગામ પાસે મિલીટ્રી રોડ પર શ્રીજી ઇન્ડસ્ટ્રીઝની બાજુમાં આવેલી ડો.સેજલબેન શાહની વાડીમાં કામ કરતા નીતાબેન પ્રેમજીભાઈ જમોડ નામના 40 વર્ષમાં મહિલાએ પોલીસમાં અડઉ ગામના શખ્સ પ્રતાપ જોરું ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ પોતે ગઈ કાલે વાડીએ હતા તે દરમિયાન પ્રતાપ ચાવડાએ આવીને તમને ભાગીયું રાખવાનું કોને કીધું તેવું કહીને ફરિયાદી નીતાબેન તેમના પુત્ર કરણ અને પુત્રી રમીલાબેનને ઢીક્કા પાટુનો માર માર્યો હતો.
આટલું જ નહીં પ્રતાપ ચાવડાએ નીતાબેનને ધમકી આપતા કહ્યું હતું કે વાડી મલિક ડોક્ટર પાસે રૂ.5 લાખની ખંડણી માંગી જો ભાગીયું રાખવું હોય તો મારી પાસે જ રાખે નહીંતર તમારામાંથી કોઈને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. નીતાબેને હોસ્પિટલના બિછાનેથી પ્રતાપ ચાવડા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.