પાલિકાએ કોમ્પલેકસ સીલ કરતા ઉપવાસ પર બેઠેલા સાળા-બનેવીને ઉપવાસ આંદોલન ન કરવા પ્રમુખ સહિત ચાર શખ્સોએ ધમકી આપ્યાનો આક્ષેપ
બોટાદ શહેરમાં આવેલા કોમ્પલેકસને નગરપાલિકા દ્વારા સીલ કરાતા અને ગઇકાલે નગરપાલિકાના પ્રમુખે ખંડણી માંગ્યાની ફરીયાદ નોંધાવ્યા બાદ પ્રમુખ સહીત ચાર શખ્સો સામે જાનથી મારી નાખવાની જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની ફરીયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે.
બનાવ અંગેની વિગત મુજબ બોટાદમાં આવેલા ટાઢાની વાડી વિસ્તારમાં રહેતા સામાજીક કાર્યકર દયાળભાઇ વાઘજીભાઇ વાજાએ બોટાદ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં આરોપીમાં બોટાદ નગરપાલિકાના પ્રમુખ જેસીગ નકુમ, ગણપત કણજરીયા, અનીલ શેઠ, કીરીટ પાટીવાળા, અને કાનજી દલવાડીના નામ આપ્યા છે.
સામાજીક કાર્યકર દયાળભાઇ વાંજાએ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે બોટાદ નગર પાલિકા દ્વારા સ્ટેશન રોડ પર આવેલા તીર્થ કોમ્પલેકસને સીલ કરવામાં આવ્યું હોય જેના વિરોધમાં દયાળભાઇ અને તેના બનેવી જેઠાભાઇ દેરાભાઇ ચાવડા બન્ને સામાજીક કાર્યકરો તા. ૧૬-૧૦-૧૯ થી તા. ૧૯-૧૦-૧૯ સુધી નગરપાલિકા ખાતે ઉપવાસ આંદોલન પર બેઠા હતા તે દરમ્યાન તા. ૧૭-૧૦-૧૯ ના સાંજના સમયે નગરપાલિકાના પ્રમુખ જેસીંગભાઇ તથા ગણપત કણજરીયા, અનિલ શેઠ અને કીરીટ પાટીવાળા, કાનજી દલવાડી સહીતના શખ્સોએ ત્થા આવી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી નગરપાલિકા સામે ઉપવાસમાં કેમ બેઠા છો તેમ કહી ગાળો આપી ઉપવાસ આંદોલન બંધ કરો નહિતર તમારા પગ ભાંગી નાખી તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ બોટાદ પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી બોટાદ નગર પાલિકાના પ્રમુખ સહીત ચાર શખ્સોની શોધખોળ આદરી હતી.
ગઇકાલે નગરપાલિકાના પ્રમુખ જેસીંગએ દયાળભાઇ વાંજા તેના બનેવી જેઠાભાઇ ચાવડા સહીતના શખ્સો સામે ખંડણી માગ્યા તો ગુનો નોંધાતા વિવાદ વધુ વકર્યો હોવાની ચર્ચાઓ થઇ રહી છે.