બોટાદ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલ બેંક ઓફ બરોડાના એ.ટી.એમમાં ઓછા ભર્યા અથવા રૂપીયા ભર્યા બાદ છળકપટથી એ.ટી.એ.મમાં નાણા ભરતી કંપનીના કસ્ટોડીયન અથવા કોઈ જાણભેદુએ રૂ. 19.18 લાખ રૂપીયાની છેતરપીંડી આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના કાળીયાબીડ ખાતે રહેતા અને સી.એમ.એસ. ઈન્ફોસીસ્ટમ લીમીટેડ કંપનીમાં ઓપરેશન આસીસ્ટન્ટ બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતા આશિષભાઈ પ્રવિણભાઈ ગોહેલે બોટાદ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલા એ.ટી.એમ.માં નિયત કરેલી રકમ ઓછી ભરી અથવા રકમ ભર્યા બાદ રૂ.19.18લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ જાણ ભેદો સામે કરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સી.એમ.એસ.કંપની પેટામાં બેંક ઓફ બરોડા બેંકમાંથી એટીએમ પૈસા લોડ કરવાના અને એટીએમની સાઈટ મેન્ટેનન્સનું કામ કરે છે. હેડ ઓફીસ અમદાવાદ ખાતે આવેલી છે.

સીએમએસ ઈન્ફોસીસ્ટમ લીમીટેડ કંપની ભાવનગર બ્રાંચ નીચે બોટાદ લોકેશન કામ કરે છે. જેની હેઠળ 15 એટીએમ આવે છે. જેમાં આઈસીઆઈસીઆઈ બેંક, એકસીસ બેંક અને બેંક ઓફ બરોડાના એટીએમમાં નાણા ભરવાનું કામ કરે છે. બોટાદ મુકામે જયેશ શામજી યાદવ, વિરલ પિયુષ રાણપુર, ડ્રાઈવર સોહીલ માંકડ અને ગનમેન માંજરીયા પૃથ્વીરાજ માગેશ ફરજ બજાવે છે.

બેંક તરફથી કંપનીને મળતા ઈ-મેઈલ બાદ એ.ટી.એમ.માં નાણા લોડ કરવામાં આવે છે ગત તા.20 એપ્રીલના રોજ રાણપુર અને બોટાદ ખાતેનાં એટીએમમાં રૂ. 97 લાખ લોડ કરવામાં આવ્યા હતા. જે પૈકી બોટાદના સ્વામિનારાયણ મંદિર પાસેનાં બેંક ઓફ બરોડા ખાતે એટીએમમાં બે વખત મળી 33 લાખ નાણાં ભરવામાં આવ્યા હતા.

તા.28 એપ્રીલના રોજ મેન્ટેન કર્મચારીએ ફોન દ્વારા કંપનીને જાણ કરેલી કે એટીએમમાં રૂ.19.18 લાખ રકમની ઘટ છે. આથી કંપનીના ઓડીટર તેમજ ટેકનીકલ સ્ટાફની ચકાસણીના અંતે કંપનીના સ્ટાફ પાસે પાસવર્ડ અને ચાવી હોવાથી કસ્ટોડીયન સામે શંકા વ્યક્ત કરી ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.