યુવકે કંટાળી ઝેરી દવા ગટગટાવી લેતાં હોસ્પિટલમાં દાખલ કરાયો : પોલીસે બેલા ગામના શખ્સ સામે ગુનો નોંધી શોધખોળ આદરી
બોટાદ શહેરના ખોડીયાર નગર 2 વિસ્તારમાં રહેતા એક યુવાને પિતૃ દોષ હોવાનું કહી ભૂવાએ રૂ.9 લાખ પડાવી લીધા બાદ સતત માનસિક ત્રાસ આપવાના કારણે કંટાળી જઈને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાની કોશીષ કરી હતી. જેથી તે યુવાનને તાત્કાલીક સારવાર માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.અને પોલીસે બેલા ગામના ભૂવા વિરૂદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. વિગતો મુજબ ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા ભાવેશ કાળુભાઈ બાવળીયા જે વેવિશાળ થતું ન હોવાથી તેઓ બરવાળાના બેલા ગામે રહેતા માતાજીના ભૂવા પરશોતમ કવાભાઈ વાંઝડીયા પાસે દાણા જોવરાવવા ગયા હતા.
જે બાબતે ભૂવાએ યુવાનને તને પિતૃ દોષ છે, તને નડે છે તેવા અનેક બહાના હેઠળ યુવાન પાસેથી ધીમે ધીમે 10થી 11 લાખ રૂપિયા તેમજ સોનાના દાગીના પડાવી લીધાં હતાં. તેમ છતાં આ યુવાનને ભૂવા દ્વારા છેલ્લા 9 વર્ષથી વધુ રૂપિયા આપવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું. તેમજ વારંવાર ટેલીફોન કરી હેરાન પરેશાન કરવામાં આવતા કંટાળી આ યુવાને દવા પી આત્મહત્યા કરવાની કોશીષ કરી હતી. યુવકને બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને ભૂવા વિરુદ્ધ ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી હતી.