બાયોડિઝલ વેચાણ બંધ થતાં હાલત થઈ કફોડી: મોટા રોકાણ વચ્ચે કારીગરોનો પગાર કાઢવો પણ મુશ્કેલ
જિલ્લામાં બોરવેલના ધંધામાં મંદીનો માર પડતા આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને અન્ય વ્યવસાય તરફ વળવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તેમાંય બાયોડિઝલનું વેચાણ બંધ થતા સ્થિતિ અત્યંત ખરાબ થઈ હોવાનું બોરવેલ વ્યવસાય સાથે સંકળાયેલા જણાવે છે. શહેર અને જિલ્લામાં પીવાના પાણી ઉપરાંત સિંચાઇ માટે થઇને ખાનગી વ્યકિતઓ દ્વારા બોર કરાવવામાં આવે છે. આ બોર માટે થઇને હાલમાં બોરવેલ કંપનીના માલિકોની આર્થિક સ્થિતિ ખૂબ જ કથળી હોવાનું જાણવા મળે છે. મહત્વની વાત એ છે કે, હાલમાં તો ડિઝલના ભાવ વધારાને લઇને તેમજ લોકડાઉનને લઇને બોર કરાવવાની પ્રક્રિયાના ધંધામાં મંદી આવતા જ અનેક બોરવેલના ધંધાર્થીઓએ અન્ય રોજગાર તરફ દોટ મુકવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
જામનગર જિલ્લામાં બોરવેલ એસોશિએશનની પણ રચના કરવામાં આવી છે. જામનગરમાં 50થી વધુ બોરવેલ માટેની આધુનિક મશીનરીથી સજજ ગાડીઓ કાર્યરત કરાઇ છે. આ કિંમતી ટ્રકો અને બોરવેલ માટેના મશીનોવાળી ગાડીઓની કિંમત પણ ખૂબ જ વધતી જાય છે. તાલુકા વાઇઝ જોઇએ તો જામનગર શહેરમાં 12 થી 15 ગાડીઓ, કાલાવડમાં 20, લાલપુરમાં 8, જામજોધપુરમાં 5, ધ્રોલમાં 7 જેટલી બોરવેલની ગાડીઓ દ્વારા જમીનમાં ડ્રીલીંગ કરીને પાણીનો બોર કરવામાં આવે છે. આ ધંધા-વ્યવસાય સાથે સંકળાયેલા કરશનભાઇ નામના માલિકે જણાવ્યું હતું કે, હાલમાં કામ છે નહી. લોકડાઉન પછી બોરવેલના ધંધામાં ખૂબ જ મંદી આવી છે. એક બોરવેલની ગાડીમાં જે સ્ટાફ રાખવો પડે છે તેમાં તેનો પગાર અંદાજે રૂા.70 થી 80 હજાર જેટલો ચુકવવો પડે છે. આ ઉપરાંત આધુનિક બોરવેલ માટેની મશીનરી અને તેને ચલાવવા માટે ડિઝલની આવશ્યકતા રહે છે. વર્તમાન સમયમાં ડિઝલના ભાવ પણ ખૂબ વધ્યા છે. ભૂતકાળમાં બાયોડિઝલ મળતુ હતું. જેથી થોડીક રાહત હતી. પરંતુ હાલમાં બાયો ડિઝલના વેચાણ ઉપર પ્રતિબંધ મુકાયો છે. જેને લીધે 1 ફૂટ બોર કરવાનો ભાવ રૂા.60 હતો. તે વધીને 75 કરવો પડયો છે. ભાવ વધારો કરવા છતા મંદીના માર વચ્ચે બોરવેલના ધંધાર્થીઓ હાલમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અનેક બોરવેલની ગાડીઓ હાલમાં લાંબા સમયથી કામ ન હોવાથી બંધની સ્થિતિમાં મુકાઇ છે. આમ છતા જે કારીગરો અને ડ્રાઇવરનો પગાર સહિતનો ખર્ચનું ભારણ તો બોરવેલ ગાડીના માલિક ઉપર આવે છે. બીજી તરફ મોંઘાભાવની કિંમતી મશીનરીવાળી ટ્રક સાથેની ગાડીની ખરીદી કરવા માટે બોરવેલના માલિક 3 થી 4 પાર્ટનરો વચ્ચે આ વ્યવસાયમાં જોડાય છે અને તેના દ્વારા બોરવેલના ધંધાના વિકાસ માટે બેંકોમાંથી લોન પણ લીધેલી હોય છે. હાલની પરિસ્થિતિ મુજબ ધંધામાં મંદી અને ડિઝલ સહિતના માલ-સામાનમાં વધારાને લઇને બેંક હપ્તા ભરવાની મુશ્કેલી ઉભી થઇ હોવાનું બોરવેલના માલિકે જણાવ્યું હતું. આવીને આવી પરિસ્થિતિ રહેશે તો આગામી સમયમાં બોરવેલના ધંધાર્થી અને જમીનો પોતાની વેચવાનો વારો આવશે તેવો નિર્દેશ પણ આપ્યો હતો.