નગરપાલિકા હાય હાયના નારા લગાવ્યા: નગરપાલિકાને રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા વિરોધ કર્યો
અબતક, કરણ બારોટ, જેતપુર
એક તરફ જેતપુર ઉદ્યોગ નગરી કહેવાય છે, પરંતુ જેતપુરની હાલત ગામડાથી પણ ખરાબ છે. કારણ કે, કણકિયા પ્લોટ વિસ્તારમાં બિસ્માર રોડના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઘણા સમયથી વેપારીઓએ નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પરંતુ તંત્રના બહેરા કાને કંઈ સંભળાતું નથી તેવું લાગી રહ્યું છે. છેવટે સ્થાનિકો અને દુકાનદારો મેદાને ઉતર્યા હતા.અહીંના દુકાનદારોએ ભ્રષ્ટાચાર બંધ કરો નગરપાલિકા હાય હાય નાં નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો.
જેતપુર નગરપાલિકા દ્વારા શહેરના કણકીયા પ્લોટ વિસ્તારમાં એક વર્ષથી વધુ ના સમય પહેલા ડામર રોડ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક દુકાનદારોએ રોડ ખોદી નવો સિમેન્ટ રોડ બનાવવાની માંગ સાથે કામ બંધ કરાવ્યુ હતું. વેપારીઓ દ્વારા નગરપાલિકા પ્રશાસનના હોદ્દેદારોને રજુઆત કરી હતી,કે હાલ રોડનું લેવલ છે તે લેવલ પણ દુકાનોના તળિયા કરતા ઊંચું છે.અને નવો રોડ બનશે તો રોડ પરથી દુકાનમાં પ્રવેશવા ડાઉન પગથીયું મૂકવું પડશે અને ચોમાસામાં રોડ પરની અમુક દુકાનોમાં પાણી ભરાય છે તેને બદલે રોડ ઊંચો થઈ જશે તો તમામ દુકાનોમાં પાણી ઘુસી જશે. જેથી રોડ બનાવવો હોય તો ખોદીને દુકાનના તળિયાના લેવલથી નીચો બનાવે તેવી અહીંના વેપારીઓની માંગ હતી. ત્યારે સત્તાધીશોએ આશ્વાસન પણ આપ્યું હતું.
આ વાતને આજે એકથી દોઢ વર્ષ વધ્યો હોવા છતાં નગરપાલિકાના સત્તાધીશો તેમજ અધિકારી બાબુઓ જાણે કશુ જાણતા ન હોય તેમ આ વિસ્તારને જાણી જોઈને રોડ બનાવવમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે.તેવા આક્ષેપો અહીંના રહીશો તેમજ વેપારીઓ કરી રહ્યા છે. જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં આવેલા રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ ગયા છે. જેથી આખો દુવસ ધૂળ ઉડવાને કારણે મોટા ભાગની દુકાનો ધૂળ ધૂળ ભરાય જાય છે. દુકાનદારોને વારંવાર દુકાનોની સફાઈ કરવી પડે છે ઉપરાંત ધૂળને કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.ત્યારે આજે વેપારીઓ તેમજ સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા ભ્રષ્ટાચાર બંધ કરો તેમજ નગરપાલિકા હાય હાય નાં નારા લગાવી વિરોધ કર્યો હતો અને સત્વરે આ રોડનું કામ ચાલુ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.