GJ-૦૧ પાસિંગ વાહનને જ એન્ટ્રી: સૌરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોને સનાથલ ચોકડી પાસે અટકાવી દેવાયા
વધતા જતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સોમવાર સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે, જેની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. આ માટે અમદાવાદની સરહદો પર પોલીસ તહેનાત કરી દેવાઈ છે અને કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. શહેરના રહેવાસીઓ અને જીજે ૦૧ પાસિંગનાં વાહનોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જેને કારણે શહેરમાં આવતા અન્ય જિલ્લાના મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.
શહેરની સરહદ સીલ કરવામાં આવતાં સૌરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોને સનાથલ ચોકડી પાસે અટકાવી દેવામાં આવ્યા છે. સનાથલના એન્ટ્રી પોઇન્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. દરેક વાહનચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે. વેલિડ ડોક્યુમેન્ટ ન હોય અથવા યોગ્ય કારણ ન જણાવી શકનારને શહેરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. શહેરમાં પ્રવેશ ન મળવાને કારણે મુસાફરોને પરત જવું પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. પરત જવા માગતા મુસાફરો પાસેથી પાંચથી દસ ગણું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે.
ઉત્તર ગુજરાત તરફથી આવી રહેલા મુસાફરોને વૈષ્ણોદેવી સર્કલ પાસે રોકવામાં આવી રહ્યા છે. જે મુસાફરો યોગ્ય કારણ જણાવે છે તેમને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જ્યારે અન્યને પરત ફરવા જણાવવામાં આવી રહ્યું છે. જેને કારણે ઘણા લોકોએ પોલીસ સાથે ઘર્ષણમાં ઊતરવું પડ્યું છે. જ્યારે ખાનગી બસોને શહેરમાં પ્રવેશબંધી હોવાથી મુસાફરોને ત્યાં જ ઉતારી દેવામાં આવતાં તેઓ ત્યાં જ અટવાયા છે.
૩ ડોક્ટરની કેન્દ્રની ટીમ સ્થિતિની સમીક્ષા માટે ગુજરાતમાં
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસોને નિયંત્રિત કરવા માટે કેન્દ્રમાંથી રાષ્ટ્રીય વિકાસ નિગમના ડાયરેક્ટર ડો. એસ.કે સિંઘની ટીમ ગુજરાતમાં આવી પહોંચી છે. કોરોનાનું સંક્રમણ રોકવાની વિશેષ જવાબદારી ડો.એસ.કે.સિંઘને સોંપવામાં આવી છે. ત્યારે ભારત સરકારના તજજ્ઞ ડોક્ટરોની અમદાવાદ એસવીપી હોસ્પિટલ ખાતે પહોંચી છે અને અમદાવાદ ઉપરાંત અન્ય મહાનગરોમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે સમીક્ષા કરશે, જેમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારવા તેમજ વધતું જતું સંક્રમણ રોકવાની વ્યૂહરચના અંગે ચર્ચા-વિમર્શ થશે.