રાજકોટ ક્રાઈમ બ્રાંચની બાતમીનાં આધારે સ્થાનિક પોલીસ દરોડો પાડયો એકને ઝડપી પાડયો
૩૯૨૪ બોટલ દારૂ, બે પીકઅપવાન અને બાઈક મળી રૂ. ૨૦,૪૩ લાખનો મુદામાલ કબ્જે: ચારની શોધખોળ
મોરબી જિલ્લાનાં વાંકાનેર તાલુકાના ગારીડા ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ વેળાએ રાજકોટ સીટી ક્રાઈમ બ્રાંચની બાતમીનાં આધારે વાંકાનેર તાલુકા પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી રૂ.૧૨ લાખની કિંમતનો ૩૯૨૪ બોટલ દારૂ સાથે ચોટીલા પંથકના શખ્સની ધરપકડ કરી ત્રણ વાહનો અને દારૂ મળી રૂ. ૨૦.૪૩ લાખનો મુદામાલ કબ્જે કરી દારૂ મંગાવનાર રાજકોટના ત્રણ શખ્સો નાશી છૂટતા ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી જિલ્લામાં દારૂ જુગારની બદી ડામવા એસ.પી. કરનરાજ વાઘેલાએ આપેલી સૂચનાને પગલે ડીવાયએસપી વી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ આર.પી. જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાંચના એ.સી.પી. જયદીપસિંહ સરવૈયા અને પીએસઆઈ અસારીને મળેલી બાતમીનાં આધારે વાંકાનેર તાલુકા પોલીસે ગારીડા ગામની સીમમાં વિદેશી દારૂનો કટીંગ વેળાએ ત્રાટકતા નાશભાગ મચી જવા પામ્યા હતા
દરોડા દરમિયાન મૂળ ચોટીલા તાલુકાના ચીરોડા ગામનો વતની અને હાલ રાજકોટના નવાગામના રંગીલા સોસાયટીમાં રહેતો સંજય વેલશી ચૌહાણની અટકાયત કરી રૂ.૧૨ લાખની કિંમતનો ૩૯૨૪ બોટલ દારૂ અને બે બોલેરો પીકઅપવાન તેમજ બાઈક મળી રૂ ૨૦.૪૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે સંજય ચૌહાણની પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો રાજકોટમાં સંતકબીર રોડ આંબાવાડી શેરી નં.૧માં રહેતો મનસુખ બાવકુ ગણદીયા, કનક સોસાયટીમાં રહેતો ભરત ઉર્ફે બંગડી સવા સોરાણી અને નવાગામનો જયંતિ રાઘવ ચૌહાણ આ દારૂનો જથ્થો મંગાવ્યાનું ખૂલતા પોલીસે તેને ઝડપી લેવા પીએસઆઈ આર.પી. જાડેજા સહિતના સ્ટાફે તજવીજ હાથ ધરી છે.