તળાવમાં મોટરવાળી બે બોટ અને તમામ બોટમાં લાઈફ સેવીંગ જેકેટ મુકવા જિલ્લા કલેકટરની મેનેજરને સુચના
રાજકોટ નજીક આવેલા સૌના માનીતા સ્થળ એવા ઈશ્વરીયા પાર્કમાં હવે વૃદ્ધો કે અશકતો પણ બોટીંગની મોજ માણી શકશે. કારણ કે ઈશ્વરીયા પાર્ક ખાતે આવેલ તળાવમાં પેડલવાળી બોટની સાથે મોટરવાળી બે બોટ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉપરાંત તમામ બોટોમાં સુરક્ષાને ધ્યાને લઈ લાઈફ સેવીંગ જેકેટ મુકવા જિલ્લા કલેકટરે મેનેજરને સુચના આપી છે.રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા તાજેતરમાં તેઓના પરિવાર સાથે રાજકોટ નજીક આવેલા ઈશ્વરીયા પાર્કમાં ફરવા માટે ગયા હતા.
ત્યારે તેઓએ સહપરિવાર બોટીંગની મોજ પણ માણી હતી. આ સમયે જિલ્લા કલેકટરે ઈશ્વરીયા પાર્કની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. તળાવમાં રહેલી તમામ બોટમાં લાઈફ સેવીંગ જેકેટ ન હોવાનું તેઓને ધ્યાને પડયું હતું.
ઉપરાંત વૃદ્ધો કે અશકતો બોટમાં પેડલ સીસ્ટમ હોવાથી બોટીંગની મજા માણી શકતા ન હોવાનું પણ ધ્યાને પડયું હતું. જયારે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ આ તળાવમાં પેડલવાળી બોટ સાથે મોટરવાળી બે બોટ મુકવાની ઈશ્વરીયા પાર્કના મેનેજરને સુચના આપી છે.
આ ઉપરાંત સુરક્ષાને ધ્યાને લઈ તળાવની તમામ બોટને લાઈફ સેવીંગ જેકેટ મુકવાનો પણ આદેશ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટૂંક સમયમાં જ ઈશ્વરીયા પાર્ક ખાતે આવેલા તળાવમાં બે બોટ મોટરવાળી મુકવામાં આવશે જેથી વૃદ્ધો કે અશકતો આજ દિવસ સુધી પેડલવાળી બોટમાં બેસતા અચકાતા હતા તેઓ સરળતાથી આ તળાવમાં મોટરવાળી બોટમાં બેસીને બોટીંગની મજા માણી શકશે.