સામાન્ય બજેટમાં કોઇપણ પ્રકારના સરચાર્જ કરતુ ભારણ નહીં લગાવાય
શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં સુધારા ખરડો લવાશે
અર્થતંત્રને વેગવંતુ બનાવવા સરકાર મસમોટા આર્થિક સુધારા તરફ વળી રહી છે. કેન્દ્રીય મંત્રી મંડળે કોર્પોરેટ કરના દરને ઘટાડી ૨૨ ટકા કરવા મામલે અધ્યાદેશની માટે ગઈકાલે મંજૂરી આપી દીધી છે. સરકારે અર્થ વ્યવસ્થાને ઉત્તેજન આપવા માટે કેટલાક સુધારા કરવાનો નિર્ણય લીધો હતો. કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક બાદ નાણા પ્રધાન નિર્મલા સીતારમને કહ્યું હતું કે, અધ્યાદેશની જગ્યાએ વિધેયક લાવવાનો નિર્ણય કરાયો છે. બીજી તરફ સામાન્ય બજેટમાં કોઈપણ પ્રકારના સરચાર્જ કરતું ભારણ પણ ન લગાવવાની ઈચ્છા વ્યકત થઈ હતી. નવું વિધેયક સંસદના ચાલુ શિયાળુ સત્ર દરમિયાન મુકાશે તેવી ધારણા છે. તા.૨૦ સપ્ટેમ્બરે નાણા પ્રધાન સીતારમને કહ્યું હતું કે, કોર્પોરેટ કર અને અન્ય ઉપાયોથી સરકારી તિજોરીને દર વર્ષે રૂ.૧.૪૫ કરોડના નુકશાનનું અનુમાન છે. આ નિર્ણય બાદ સ્થાનિક કંપનીઓ માટે કોર્પોરેટ કર ઓછા થઈને ૨૨ ટકાએ પહોંચ્યા હતા. જો કે, અન્ય કોઈ પ્રત્સાહન યોજનાનો લાભ ન લે તેવા સંસ્થાનોને જ સરકારની આ યોજનાનો લાભ મળતો હતો.
ગત તા.૧લી ઓકટોબર ૨૦૧૯ કે ત્યારબાદ સ્થપાયેલી નવી ઘરેલુ વિનીર્માણ કંપની માટે કર દરને ઘટાડી ૧૫ ટકા કરાયા હતા. આ ઉપરાંત અન્ય સુધારા પણ રજૂ કરવામાં આવ્યા હતા. દરમિયાન અર્થતંત્રને મજબૂત બનાવવા અને મંદીને દૂર કરવા આવશ્યક એવા પ્રોત્સાહન આપવાનું મોદી સરકારે નકકી કર્યું છે. એક રીતે કેટલીક કંપનીઓ હાલની મંદીની પરિસ્થિતિનો ફાયદો લઈ સરકાર પાસેથી મોટા પ્રોત્સાહનો લઈ પોતાની તિજોરી છલકાવે તેવી દહેશત પણ નિષ્ણાંતો વ્યકત કરી રહ્યાં છે.
દેશના અર્થતંત્રને મજબુત બનાવવા અને આર્થિક મંદીને દૂર કરવા માટે અવશ્ય એવા ઔદ્યોગીક એકમોને પ્રોત્સાહન આપવા માટે સરકારે કોર્પોરેટટેક્ષમાં ઘટાડો કરવાનો મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. કેન્દ્રીય કેબીનેટે બુધવારે કોર્પોરેટટેક્ષને ઘટાડીને ૨૨% સુધી લઈ જવાના સુધારા ખરડાને બહાલી આપીને અર્થતંત્રને વેગઆપવા આર્થિક સુધારા ખરડાને લીલીઝંડી આપી હતી.
નાણામંત્રી નિર્મલા સીતારામને નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કેબીનેટની બેઠક બાદ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતુ કે કેબીનેટમાં ટેક્ષ ઘટાડવા માટે સુધારા ખરડો લાવવાનું નકકી કરવામાં આવ્યું છે. આ બીલ આગામી શિયાળુ સત્રમાં ૨૦મી સપ્ટે. સુધીમાં લવાશે. સીતારામને કહ્યું હતુ કે કોર્પોરેટટેક્ષમાં ઘટાહો કરવાથી અને અન્ય રાંહતોથી ઔદ્યોગીક જગતને વર્ષે ૧.૪૫ કરોડની રાહતો થશે.
સરકારે લીધેલા આ નિર્ણય અંતર્ગત ઘરેલુ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્ષ ૨૨% સુધી નીચું લઈ જવાશે સાથે સાથે કંપનીઓને ૨૨%ના આવકવેરાનો સ્લેબ અંતર્ગત લઘુતમ અલ્ટ્રાનીરીટેક્ષ ભરવામાંથી વૈકલ્પીક સુવિધાઓ મળશે એમ.એટીનો દર નવા ધારાધોરણ મુજબ ઓકટો.૧ થી ટેક્ષના દર ઘટાડીને નવી ધરેલુ ઉત્પાદન સાથે સંકળાયેલી કંપનીઓ માટે એમએટી ૧૫% સુધી ઘટાડવામાં આવશે. સરકારે કરેલી એક મહત્વની જાહેરાતમાં આગામી સામાન્ય બજેટમાં કોઈપણ પ્રકારના સરચાર્જ કે કરનું ભારણ નહિ લગાવાય. કંપનીઓ પોતાના ઈકવીટીશેર વેચીને મૂડી ઉભી કરાશે તો તેની ઉપર સરચાર્જ કે લેવી નહિ લાગે સીકયુરીટી ટ્રાન્ઝેકશન ટેક્ષ એટીટીમાં પણ રાહત મળશે.કોર્પોરેટર કંપનીઓ માટે શેરના બાયબ્રેકને પણ સરળ બનાવશે અને જુલાઈ ૫ થી નવા સુધારા ખરડા અંતર્ગત કંપનીઓને પોતાના શેરની બાયબેક પ્રક્રિયા પર ટેક્ષ ન લગાડવાનો નિર્ણય કર્યો છે.
બીજીતરફ સરકાર અત્યારે આઈઓસીમાં ૫૧.૫% એલટીસીમાં ૨૫.૦% ઓઈલ એન્ડ નેચરલગેસ કંપની ઓએનજીસી, ઓઆઈએલજેવી કંપનીઓમાં ૨૬.૪% ભાગીદારી શેર વેચીને સરકાર ૩૩૦૦૦ કરોડ રૂપીયાનું ભંડોળ ઉભુ કરી રહી છે. નાણામંત્રી નિર્મલા સિતારામને જણાવ્યું હતુ કે નુમાલીગઢ રિફાઈનરીને જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીને સોપીને ઉતર પશ્ર્ચિમમાં ખાનગી કરણને વેગ આપવામાં આવી રહ્યું છે.
દેશના અર્થતંત્રની હાલક ડોલક સ્થિત અને નાણાની ખેંચને સરભર કરવા સરકારી જાહેર સાહસોના ખાનગીકરણની આ પ્રક્રિયાથી સરકાર હસ્તકના જાહેર સાહસોમાં પ્રવર્તતી રહેલી વિકાસની ધીમી રફતાર મેનેજમેન્ટ બદલવાથી વધુ સારી સ્થિતિમાં પ્રવેશ કરશે અને સરકારને રોકડ નાણાનું ભંડોળ હાથ ઉપર આવવાથી અત્યારે પ્રવૃત્તી રહેલી આર્થિકમંદીમાં અર્થતંત્રને નાણાખેંચની સમસ્યામાંથી રાહત મળશે.
સરકારને પણ પૈસાની ખેંચ ઉભી થઇ: સરકારી એન્ટરપ્રાઇઝનો હિસ્સો વેચી સરકાર રોકડી કરશે
દેશના આર્થિક વહીવટી ઈતિહાસમાં સરકારે પોતાના હસ્તકની બે મોટી કંપનીઓનાં ખાનગીકરણનો અભૂતપૂર્વ નિર્ણય કેન્દ્રીય કેબીનેટે ગઈકાલે લીધો હતો. કેન્દ્રીય કેબીનેટે બ્લુચીપ ઓઈલ કંપની બીપીસીએલ અને શીપીંગ કંપની એસસીઆઈ અને ઓનલેન્ડ કાર્બોમુવરના શેર વેચવાનો નિર્ણય લીધો હતો. જાહેર ક્ષેત્રની આ મહાકાય કંપનીઓનાં ૫૧%થી ઓછા શેર વેચીને થનારા નાણાં ભંડોળ થકી મંદ પડેલા અર્થતંત્રને વેગ આપવામાં આવશે. કેન્દ્ર સરકારની કેબીનેટ મંત્રાલયના આર્થિક બાબતોની સમિતિએ સરકારના હિસ્સાના ૮૩.૨૯% શેર વેચવાનો નિર્ણય લીધો હતો દેશ ની સરકાર હસ્તકની બીજા નંબરની સૌથી મોટી રિફાઈનરી ભારત પેટ્રોલીયમ કોર્પો.લી. અંગે આ નિર્ણય લેવાયો હતો. સરકારે નુમાલીગઢ રિફાઈનરીને બીપીસીએલથી અલગ કરીને આ નિર્ણય લીધો હોવાનો નાણામંત્રી નિર્મલા સિતારામને માધ્યમોને જણાવ્યું હતુ. સાથે સાથે કેબીનેટ શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાના ૬૩.૭૫%ની શેર હોલ્ડીંગમાંથી ૩૦.૯% વેચવાનું નકકી કર્યું છે. સરકાર અત્યારે ૫૪.૮૦% હિસ્સેદારી ધરાવે છે. આ સાથે સરકાર ભવિષ્યમાં ટીએચડીસી ઈન્ડીયા ઉતર પૂર્વ વિધુત ઉર્જા કોર્પો.લી.એનઈઈપીસીઓ ને એનપીસીમાં મજર કરશે સાથે સાથે કેબીનેટે ટીસીસીના ૫૧%ના શેરોમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આમુસદામાં મેનેજમેન્ટ કંટ્રોલ દ્વારા સરકારની હિસ્સેદારી અને અન્ય સરકારી કંપનીઓના ખાનગીકરણની પ્રક્રિયા તેજ બનાવવાનું નકકી કર્યું છે.
વોડાફોન-આઇડિયા, એરટેલને જીવનદાન…જીઓને જલ્સા…
ટેલીકોમ ઈન્ડસ્ટ્રીઝને જીવનદાન આપવા સરકારે મહત્વનું પગલું લીધુ છે. ટેલીકોમ કંપનીઓ રૂ.૪૨૦૦૦ કરોડની રાહત આપી છે. સ્પેકટ્રમ માટે ચૂકવવાના થતાં નાણા માટે પણ બે વર્ષનો સમય વધાર્યો છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમનને આ નિર્ણયની જાણકારી આપતા કહ્યું હતું કે, ટેલીકોમ કંપનીઓને ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ બે વર્ષ માટે સ્પેકટ્રમનો હપ્તો ચૂકવવાની છુટ અપાઈ છે. સરકારના નિર્ણયથી દૂરસંચાર કંપની ભારતથી એરટેલ, વોડાફોન-આઈડીયા અને રિલાયન્સ જીઓને રૂ.૪૨૦૦૦ કરોડની રાહત મળશે. ટેલીકોમ સેકટરમાં હાલની પરિસ્થિતિએ અન્ય કંપનીઓના શ્વાશ ઉંચા કરી દેનાર જીઓને જલ્સા પણ થશે. સરકારના આ નિર્ણયી એરટેલને રૂ.૧૧૭૪૬ કરોડ, વોડાફોન-આઈડિયાને ૨૩૯૨૦ કરોડ જ્યારે રિલાયન્સ જીઓને ૬૬૭૦ કરોડની રકમ ચૂકવવામાં રાહત થશે. ૪-જી કનેકશન સાથે બજારમાં ઉતરેલી રિલાયન્સ જીઓના કારણે મરણ પથારીએ પહોંચેલી વોડાફોન-આઈડીયા, એરટેલ અને બીએસએનએલ જેવી કંપનીઓને સરકારની રાહતથી જીવનદાન મળ્યું છે. વોડાફોનના સર્વેસર્વા તાજેતરમાં જ માર્કેટમાં જોવા મળેલી અફરા-તફરી અંગે ફરિયાદ કરી ચૂકયા હતા. એરટેલ ભારતીએ પણ મસમોટુ નુકશાન નોંધાવ્યું હતું. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ટેલીકોમ ઈન્ડસ્ટ્રીઝ ખાડે જશે તેવી શંકા સેવાતી હતી. વોડાફોન-આઈડીયાને બીજા ત્રીમાસીક કવાર્ટરમાં રૂ.૫૦,૦૦૦ કરોડ જેટલી મસમોટી રકમનું નુકશાન થયું હતું. અગાઉ પણ ૫,૦૦૦ કરોડ જેટલી રકમનું નુકશાન વોડાફોન-આઈડિયા સહન કરી ચૂકી છે. આવી પરિસ્થિતિમાં સરકારે રાહત પેકેજ આપી ટેલીકોમ સેકટરમાં પ્રાણ ફૂંકયા છે.