- આયુર્વેદ સંસ્થાન દ્વારા તાજી વિહાણેલી ગાયના દુધમાંથી ગોળી બનાવાઈ છે જે બાળકો માટે ઈમ્યુનિટી વધારવા કારગત નિવડે છે: તેવો રિસર્ચમાં કરાયો દાવો
ગુજરાત સહિત દેશ આખો વર્ષોથી કુપોષણ સામેની લડાઈ લડી રહ્યો છે. પરંતુ કુપોષણના આ રાક્ષસને નાથવામાં ધારી સફળતા મળી નથી. તાજેતરમાં સામે આવેલા આંકડા અનુસાર ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે અને હજુ પણ 5.70 લાખ બાળકો કુપોષણનો શિકાર હોવાનું સામે આવ્યું છે. તેમાં પણ જામનગર જિલ્લામાં 9035 બાળકો કુપોષણનો શિકાર હોવાના આંકડા સામે આવ્યા છે. તેવામાં કુપોષણ સામેની આ લડાઈમાં જામનગરમાં આવેલી આયુર્વેદ સંસ્થાનએ મહત્વનું યોગદાન આપ્યું છે. આ સંસ્થા દ્વારા રિસર્ચ કરી તાજી વિયાણેલ ગાયના દૂધ (ખીરૂ તરીકે ઓળખાય છે) માંથી ગોળી બનાવાઇ છે. જે બાળકોની ઇમ્યુનિટીમા બુસ્ટર ડોઝ સમાન સાબિત થાય છે. વધુમાં બાળકોના વજન વધારવામાં પણ આ ટેબ્લેટ મહત્વની ભૂમિકા ભજવતી હોવાનો રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે.
જામનગરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદમાં અસોસીએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. વી કે કોરીની ટીમે આ પ્રકારની ટેબ્લેટ તૈયાર કરી છે. પ્રોફેસર વી.કે. કોરીએ જણાવ્યું કે સામાન્ય રીતે બાળકો દવાના નામથી દૂર ભાગતા હોઈ છે, પરંતુ ગોપયુઝમાંથી બનાવેલી ગોળીઓ એ દૂધની જ પ્રોડક્ટ હોવાથી તે બાળકોને ખૂબ પસંદ આવે છે.ગાયનું કોલેસ્ટ્રોલ ડ્રાય કરીને બનાવવામાં આવે છે. આથી બાળકો આસાનીથી તે ગોળી ખાઈ શકે છે. ગાયના કોલેસ્ટ્રોલમાં વજન વધારવાના તત્વો હોવાનું આયુર્વેદમાં જણાવ્યું છે ત્યારે પીતાંબરી કંપનીના સહકારથી આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.
જેમાં 3 થી 12 વર્ષના 50 બાળકો પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્રણ થી પાંચ વર્ષના બાળકોને બે ટેબલેટ આપવામાં આવી હતી. જ્યારે 6 થી 12 વર્ષના બાળકોને ચાર ટેબલેટ આપવામાં આવી હતી. તેમનું ચાર વિકનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેના રિસર્ચ બાદ બાળકોના વજન એની ઇમ્યુનિટી ની તપાસણી કરવામાં આવી હતી જેમાં ટેબલેટ લીધા બાદ બાળકોના વજનમાં અને ઇમ્યુનિટીમાં વધારો થયો એનો દાવો કરવામાં આવે છે. ત્યારબાદ સંસ્થા દ્વારા આ રિસર્ચ પેપર તૈયાર કરી અને ટૂંક સમયમાં સરકારમાં મોકલવામાં આવશે. ત્યારબાદ આ અંગે સરકાર દ્વારા મંજૂરીની માહોલ લગાવવામાં આવશે તો અન્ય બાળકોને પણ તેમાંથી ખૂબ ફાયદો થઈ શકે છે તેવું સત્તાધીશો દ્વારા જણાવાયું છે.