ગારમેન્ટ એક્ષપોર્ટ સેકટરને મળતા ઇન્સેન્ટીવમાં બમણો વધારો કરતું વેપાર મંત્રાલય
૪ ટકા ઇન્સેન્ટીવ જાહેર કરી સરકારે ગારમેંટ એકસ્પોર્ટ સેકટરને બુસ્ટર ડોઝ આપ્યો છે. અત્યારે દેશમાંથી વસ્ત્રોની જે નિકાસ થાય છે તેને બમણી કરવા માટે સરકારે મર્ચન્ડાઇસ એકસ્પોર્ટ ઇન્ડીયા સ્કીમ (એમ.ઇ.આઇ.એસ) જાહેર કરી છે. આ સ્કીમ ટેકસટાઇલ એકસ્પોર્ટ માટે બુસ્ટર ડોઝ સમાન છે.આ સ્કીમ મુજબ નિકાસકારોને ડયુટીમાંથી અમુક ટકા મુકિત, ઇન્સેન્ટીવની ટકાવારી ર ટકા થી વધારી ૪ ટકા કરવામાં આવી છે. આથી અપેક્ષા સેવવામાં આવે છે કે ટેકસટાઇલ એકસપોર્ટ ૬૮૫.૮૯ કરોડથી વધીને ૧૧૪૩.૧૫ કરોડ થશે. આ સ્કીમનો લાભ રેડીમેડ ગારમેંટ અને ટેકસટાઇલના નિકાસકારોને મળશે.
ભારતમાંથી થતી નિકાસમાં ઘટાડો જોવાતા સરકારે સ્કીમ ઘડી કાઢી હતી. જેમ કે ટેકસટાઇલ લેધર, જેમ્સ, જવેલર્સ, હેંડીક્રાફટ, રેડીમેડ ગારમેંટ, કારપેટ વિગેરે ચીજ વસ્તુની ભારતથી થતી નિકાસમાં સતત ઘટાડો જોવાતા ઇન્સેન્ટીવ સ્કીમ જાહેર કરવામાં આવી છે જે ઉપરોકત ચીજ વસ્તુઓની નિકાસ માટે બુસ્ટર ડોઝ સમાન છે.
નિકાસ વધશે તો સ્વાભાવિક રીતે જ કપડાનું ઉત્પાદન પણ વધશે જેના થકી બેકારોને રોજીરોટી મળી રહેશે કેમ કે વસ્ત્રો બનાવતી કંપનીઓને માણસોની જરૂર પડશે.
જાણકારોના જણાવ્યા મુજબ જીએસટી લાગુ થયા બાદ ગારમેન્ટની નિકાસમાં ઘટાડો જોવાયો છે. ભારતમાંથી ટોવેલ, બેડશીટ પણ નિકાસ પામે છે. ફેડરેશન ઓફ ઇન્ડીયન એક્ષપોર્ટ ગારમેન્ટ ઓર્ગેનાઇજેશનના પ્રમુખ ગણેશકુમારે વેપાર મંત્રીને મળીને કેટલાક પ્રશ્ર્નો રજુ કર્યા હતા ત્યારે મંત્રીએ બનતી ત્વરાએ યોગ્ય પગલાં લઇ ઘટતું કરવાની ખાતરી આપી હતી.
આ સિવાય ઇન્ડીયન ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના ચેરમેન સુરેશ ગોયલ પણ વેપાર મંત્રીને મળ્યા હતા. તેમણે ઇન્સેન્ટીવની માગ કરી હતી. જે સરકારે સંતોષીને બુસ્ટર ડોઝ આપ્યો છે.