કારખાનાઓ ધમધમતા થતા કારીગરોની દિવાળી સુધરશે
જસદણ-વિંછીયા તાલુકામાં કોરોના વાયરસ વચ્ચે લોકડાઉન બાદ મરણ પથારીએ પડેલ હિરા ઉદ્યોગમાં તેજીનો કરંટ આવતા કારખાનાઓ રાત દિવસ ધમધમતા થયા છે. હિરા ઉદ્યોગમાં આવેલીતેજીને કારણે રત્નકલાકારોની દિવાળી તેજમય બની જશે.
જસદણ વિછીયા પંથકમાં લોકડાઉન પહેલા જ હીરા ઉદ્યોગ ઠપ્પ થયો હતો. અને હજારો કારીગરો બેરોજગાર બન્યા હતા. જોકે મહિનાઓ બાદ હવે હીરા ઉદ્યોગમાં ફરી તેજી આવી છે.
છેલ્લા ૧૫ દિવસથી હિરાના કારખાનાઓ રાત દિવસ ધમધમતા થયા છે. જેથી હાલ ૮૦૦૦ જેટલા હિરાઘસુ કારીગરો રોજીરોટી મેળવી રહ્યા છે. હાલ ખેતીની સીઝન પણ ચાલુ હોય જેના કારણે ગ્રામ્ય વિસ્તારનાં કારીગરો હજુ ખેતીમાં પડયા છે. તેમ છતાં શહેરી વિસ્તારનાં હજારો કારીગરો હિરા ઉદ્યોગ શરૂ થતા રોજગારી મેળવી રહ્યા છે. તહેવારો ટાણે જ તેજી આવતા આ વર્ષે કારીગરોની દિવાળી સુધરી જશે તેમજ દર વર્ષે હિરા ઉદ્યોગમાં દિવાળીનું લાંબુ વેકેશન હોય છે.ત્યારે આ વર્ષે માત્ર એકાદ અઠવાડિયા જેટલું જ વેકેશન રહેવાની શકયતાઓ જણાઈ રહી છે.