મોદી સરકારના નોટબંધી, જીએસટી જેવા કડક નિર્ણયો ટુંકાગાળે મુશ્કેલીરુપ પરંતુ, લાંબાગાળે અર્થતંત્ર માટે ફાયદારૂપ હોવાનો માર્કેટ નિષ્ણાંતોનો મત
૨૦૧૯માં ફરી મોદી સરકાર આવશે તો દેશને ફરીથી ‘સોને કી ચીડીયા’ બનતું વિશ્ર્વનું કોઇ તાકાત નહીં રોકી શકે
વિવિધ માર્કેટોમાં જોવા મળતો તેજીનો માહોલને શેરબ્રોકરો, ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરો, સિમેન્ટ ઉત્પાદકો, ઓટોમોબાઇલ્સ તથા એફએમસીજીના ધંધાર્થીઓ ભારતીય અર્થતંત્ર મજબુતાઇ તરફ આગળ વધી રહ્યાની નિશાની માની રહ્યા છે.
તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીતમાંથી થતી આયાત પર અંકુશ લાવવા ૬૦ અરબ ડોલરની ચીજવસ્તુઓ પર વધારે ટેકસ લાગવવાની જાહેરાત કરી છે. જેની સામે ચીને પણ પલટવાર કર્યો છે. જેથી અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર ફાટી નીકળવાની સંભાવના જોવા મળી રહી છે. ટ્રેડવોરની અસર સમગ્ર દુનિયાભરના અર્થતંત્ર પર થનારી છે. ત્યારે ભારતીય અર્થતંત્ર પર તેની શું અસર થનારી છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
કેન્દ્રની મોદી સરકારે નોટબંધી અને જીએસટી જેવા કડક નિર્ણયો લીધા છે. જેના કારણે પણ બજારમાં રૂપિયાની તરલતા વધતા ભારતીય અર્થતંત્ર દિવસે- દિવસે વધુને વધુ મજબુત બનતું જાય છે.
આગામી સમયમાં ભારતીય અર્થતંત્રમાં મજબુતાઇ આવવાની કેવી સંભાવનાઓ છે? તે અંગે સૌરાષ્ટ્રના અલગ અલગ ક્ષેત્રના અગ્રણી ઉઘોગકારોએ અબતકને ખાસ મુલાકાત આપીને આગામી વર્ષોમાં ભારતીય અર્થતંત્ર વધુને વધુ મજબુત બનીને આર્થિક મહાસત્તા તરીકે ઉભરી આવશે તેવું માની રહ્યા છે.
સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એકસચેન્જના ડીરેકટર સુનીલભાઇ શાહે જણાવ્યું હતું કે
શેર બજાર અર્થતંત્રનું પેરામીટર છે અને શેર માર્કેટનું સેન્સેકસ હાલમાં ૩૮ હજારની ઓલટાઇમ હાઇ સપાટી પર છે તે જ દર્શાવે છે કે ભારતીય અર્થતંત્ર મજબુતાઇ તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં મોદી સરકારે દેશના ૭૦ વર્ષના ઇતિહાસમાં ન લેવાયા હોય તેવા કડક ઉનર્ણયો લીધા છે. તેના કારણે તમામ ક્ષેત્રે અનેક સુધારાઓ આવ્યા છે જીએસટીના નિર્ણયથી અર્થતંત્રમાં મોટો ફાયદો થશે. આગામી વર્ષે યોજનારી ચુંટણીમાં ફરીથી મોદી સરકાર આવશે તો ભારતીય અર્થતંત્રની દુનિયાભરમાં ધુમ મચી જશે.
જેના કારણે દુનિયાભરનું રોકાણ ભારતમાં આવશે. મોદી સરકારની મેઇક ઇન ઇન્ડીયાની નીતીથી સ્થાનીક કંપનીઓને પ્રોત્સાહન મળવાથી દેશનાં મુડી દેશમાં રહેવાથી અર્થતંત્ર વધુ મજબુત બનશે. ૨૦૧૯માં બહુમતિવાળી સરકાર આવવાથી અર્થતંત્રમાં સુધારાની પ્રક્રિયા બે-ત્રણ ગણી ઝડપી બનશે તેમ જણાવીને સુનિલભાઇએ અંતમાં જણાવ્યું હતું કે સુધારાની આ પ્રક્રિયા સતત ચાલુ રહેશે તો ભારતીય અર્થતંત્ર આગામી વર્ષોમાં મજબુત બનતા ભારત મહાસત્તા બનશે.
દેશમાં શેરબજાર બાદ મ્યુચ્યલ ફંડમાં રોકાણ કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેની હાલમાં મ્યુચ્યલ ફંડ ક્ષેત્રમાં ૨૬ થી ૨૭ લાખ કરોડનું રોકાણ ભારતીયોએ કર્યુ છે. આ રોકાણ આગામી ત્રણથી ચાર વર્ષમાં ડબલ કરતા વધારે થવાની સંભાવના આ ક્ષેત્રના નિષ્ણાંતા જે.વી. ગ્રુપના ડીરેકટર દીપકભાઇ કોટકે વ્યકત કરીને જણાવ્યું હતું કે
હાલમાં ભારતીયોની માથાદીઠ આવક ૧૯૦૦ ડોલર જેટલી છે તે પણ આગામી પાંચ વર્ષમાં વધીને ૪૦૦૦ ડોલર સુધી પહોચવાની સંભાવના છે. જેની લોકોની ખરીદ શકિત વધતા ભારતીય અર્થતંત્ર વધુ મજબુતાઇ પ્રાપ્ત કરે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
થોડા સમય માટે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદી આવતા સીમેનટ ક્ષેત્રમાં પણ મંદીની અસર જોવા મળતી હતી. તેમ જણાવીને હાઇબોન્ડ સિમેન્ટના એમ.ડી. રાજનભાઇ વડાલીયાએ ઉમર્યુ હતું કે
આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચુંટણી પહેલા કેન્દ્ર સરકારે વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે. તેમાં આવાસ યોજના એક મહત્વની યોજના હોય દેશભરમાં સરકાર દ્વારા લાખો આવાસો બનાવવામાં આવ્યા છે. કે બનાવવામાં આવી રહ્યા છે. જેથી આ આવાસો બનાવવા માટે સિમેન્ટની માંગ વધતા સીમેન્ટ ઉઘોગમાં તેજી આવી રહી છે. જેથી સીમેન્ટના ભાવોમાં વધારો થવાની સાથે શેર માર્કેટમાં પણ સીમેન્ટ કંપનીના ભાવોમાં ઉછાળો થવા પામ્યો છે.
દેશની એફએમસીજી માર્કેટમાં પણ દર વર્ષે વધારો થઇ રહ્યો છે ભારતની સતત વજધતી જતી વસ્તી અને આવકમાં થયેલા વધારાના કારણે ફુડ, હેલ્થ, સહીતની રોજબરોજની જરૂરીયાતની ચીજવસ્તુઓની માંગમાં પણ વધારો થયો છે. જેથી આ ક્ષેત્રમાં પણ તેજીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જે પણ ભારતીય અર્થતંત્રને મજબુતાઇ આપવાનું એક મહત્વનું પાસુ મનાઇ રહ્યું છે. તેમ વડાલીયા ફુડના એમ.ડી. રાજનભાઇ વડાલીયાએ જણાવીને
આ ક્ષેત્રમાં ૬૦ ટકા ઉત્પાદકો અસંગઠ્ઠીત ઉત્પાદકો હોય તેમાં સંગઠ્ઠીત કંપનીઓ માટે મોટી તકો છે.જેને લઇને આગામી સમયમાં આ ક્ષેત્રમાં પણ અર્થતંત્ર મજબુતાઇ પ્રાપ્ત કરે તેવી સંભાવના છે.
દેશમાં વધતી જતી વસ્તીના કારણે વાહનોની જરુરીયાત ઉભી થતાં ઓટોમોબાઇલ ક્ષેત્રના ટુ-વ્હીલર ઉઘોગમાં પણ તેજીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દેશની તમામ ટુ-વ્હીલર બનાવતી કંપનીના વેંચાણમાં દર વર્ષે ૧૦ થી ર૦ ટકા સુધીનો વધારો થઇ રહ્યો છે. જેના કારણે ગત વર્ષે સરકારના નોટબંધી, જીએસટી જેવા આકરા પગલા છતાં હીરો કંપનીએ ૭૫ લાખ ટુ-વ્હીલર વાહનોનું વેચાણ કરીને દુનિયાભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો તેમ જણાવીને જે.કે. હીરોના જી.એમ. રાજભાઇ પટેલે જણાવીને ઉમેર્યુ હતું
કે આ વર્ષે પણ હીરો કંપનીને તેના વેચાણ માં વધુ વધારો થવાની સંભાવના હોય ઓટોમોબાઇલ ઉઘોગના ટુ-વ્હીલર ક્ષેત્રમાં પણ તેજીની સારી સંભાવના જોવાઇ રહી છે. જેની સીધી સારી અસર ભારતીય અર્થતંત્ર પર પડનારી છે.
ઓટોમોબાઇલ ઉઘોગના ફોર વ્હીલર ક્ષેત્રમાં પણ દર વર્ષે આધુનિક સુવિધાઓ વાળી લકઝરીયસ કારો માર્કેટમાં આવતી રહે છે. સ્ટીલના ભાવો વધવાના કારણે અનેક કંપનીઓએ તેના કારોના ભાવમાં વધારો કર્યો છે. તેમ છતાં ચાલુ વર્ષે ફોર-વ્હીલર કારોના વેંચાણમાં ગત વર્ષ કરતાં ૧૦ ટકા વધારો થવાની સંભાવના સેવાઇ રહી છે. હાલ દેશમાં ફોર વ્હીલરના વેંચાણમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. જે પણ સમૃઘ્ધ અર્થતંત્રની નિશાની આપી રહ્યું છે. તેમ શિવાલીંક રેનોલ્ડના જી.એમ.નિલેશભાઇ દવેએ જણાવ્યું હતું.
જયારે, રાધિકા ઝવેલર્સના મેનેજર મુકેશભાઇએ આ અંગે જણાવ્યું હતું કે દેશમાં અતિ એક મહત્વના ઉઘોગ એવા જવેલરી સેકટરમાં પણ હવે તેજી જોવા મળી રહી છે. જેથી સોનાના ભાવોમાં વિક્રમ જનક રીતે ૩૧ હજાર રૂ.ની સપાટીને પાર કરીને સતત વધારો થઇ રહ્યો છે. ગત વર્ષે નોટબંધી અને તે બાદ જીએસટીમાં સોનામાં ટેકસ વધારો કરવામાં આવતા મંદ પડેલા જવેલરી ક્ષેત્રમાં પણ ધીમે ધીમે તેજી આવતી જાય છે. જવેલરી ક્ષેત્રના અન્ય અગ્રણી ઉઘોગકારો પણ આગામી વર્ષોમાં જેમના ધંધામાં તેજીનું વાતાવરણ આવશે તેવું માની રહ્યા છે.
વિવિધ ક્ષેત્રના અગ્રણી સફળ ઉઘોગકારો માની રહ્યા છે કે ભારતીય અર્થતંત્ર માટે મોદી સરકારે લીધેલા નિર્ણયો લોકો માટે ટુંકાગાળે મુશ્કેલીરુપ પરંતુ લાંબા ગાળે ફાયદારુપ સાબિત થનારા છે. જેથી ‘અચ્છે દીન આ રહે હૈ’ના નારા સાથે સત્તામાં આવેલી મોદી સરકાર હકિકતમાં ભારતીય અર્થતંત્ર માટે મજબુતાઇથી કડવા નિર્ણયો લઇને સારા દિવસો લાવી રહી છે. ર૦૧૯મા યોજાનારી લોકસભાની ચૂંંટણીમાં ફરીથી મોદી સરકાર સત્તારૂઢ થશે તો ભારત દેશને ફરીથી ‘સોને કી ચીડીયા’ બનતું દુનિયાની કોઇ તાકાત નહી રોકી શકે…..