સુર્યકુમાર યાદવની બેટીંગ તથા બુમરાહની વેધક બોલીંગે રોયલ્સને ધુળ ચાટતુ કર્યું
આઈપીએલની ૧૩મી સીઝનનો વિશ્વ મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયો હતો જેમાં મુંબઈએ રાજસ્થાનને ૫૭ રને મ્હાત આપી હતી. આ જીત સાથે મુંબઈ પોઈન્ટ ટેબલમાં ટોપ ઉપર પહોંચી ગયું છે. આ મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સના સુકાની સ્ટીવ સ્મિથે વધુ આક્રમણ બેટીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો જે ટીમ માટે જોખમી પણ સાબિત થયો હતો. સ્મિત દ્વારા પાવરપ્લેમાં બેટીંગ કરવા દરમિયાન દરેક બોલ પર હિટ કરવાના પ્રયાસો કર્યા હતા જેના કારણે તેને સસ્તામાં તેની વિકેટ પણ ગુમાવી પડી હતી. આ સમયગાળા દરમિયાન જસપ્રીત બુમરાહે કુલ ૪ વિકેટ ઝડપી ટીમનો વિજય નિશ્ર્ચિત કરાવ્યો હતો. બીજી તરફ સુર્યકુમાર યાદવની વ્યુહાત્મક બેટીંગના પગલે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ૧૯૩ રન નોંધાવ્યા હતા.
આઈપીએલની શરૂઆતથી જ તમામ મેચમાં અનિશ્ર્ચિતતા જોવા મળી છે. રેતાણ વિસ્તાર હોવાના કારણે બેટસમેનોને ડિસ્ટન્સ બાઉન્ડ્રી ફટકારવામાં પણ તકલીફનો સામનો કરવો પડતો હોય છે તો બીજી તરફ ભારે ગરમીના કારણે પણ તેમની રમત ઉ૫ર ઘણા અસર જોવા મળ્યા છે પરંતુ આ આઈપીએલની દરેક ટીમમાં જો કોઈ પરફેકટ ઈલેવન હોય તો તે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છે બાકી અન્ય ટીમોમાં બોલરોના નબળા પ્રદર્શનના કારણે જે પ્રમાણે જીત મેળવવી જોઈએ તે મેળવવામાં ટીમ નિષ્ફળ નિવડી છે. મુંબઈમાં પોલાડ પાવર અને હાર્દિકનો પંચ ટીમને વિજય રથ ઉપર જીતાડવા માટે સક્ષમ સાબિત થયું છે જેના કારણોસર સુર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ પણ પોતાની નૈતિક જવાબદારી સમજી ટીમને વિજય સુધી પહોંચાડવામાં મદદરૂપ સાબિત થયા હતા. આ આઈપીએલની સીઝન દરમિયાન ઘણીખરી ટીમ પોતાના ખેલાડીઓને રોટેટ કરી રહ્યા છે પરંતુ કયાંકને કયાંક મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પરફેકટ ઈલેવન હોવાથી તેનો ફાયદો આવનારા સમયમાં તેઓને મળવાપાત્ર રહેશે. આઈપીએલની અન્ય ટીમોની સરખામણીમાં મુંબઈ ઈન્ડિયન્સ વ્યુહાત્મક રીતે આગળ વધી રહ્યું છે જેના કારણોસર આઈપીએલના પોઈન્ટ ટેબલ ઉપર મુંબઈ ઈન્ડિયન્સ અવ્વલ ક્રમે પહોંચ્યું છે.