- એક જ મહિનામાં ભાવમાં રૂ.7000નો વધારો થયો, હજુ પણ ભાવ વધવાના એંધાણ : સોનાના ભાવ ઉછળવા છતાં ખરીદીમાં સતત વધારો
સોનામાં તેજી હી તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવ 70 હજારને પાર થઈ ગયા છે. એક જ મહિનામાં ભાવમાં રૂ.7000નો વધારો થયો છે. હજુ પણ ભાવ વધવાના એંધાણ છે. સોનાના ભાવ ઉછળવા છતાં ખરીદીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
સોનાના ભાવમાં રેકોર્ડ તેજીનો સિલસિલો યથાવત છે. ગઈકાલે સાંજે અમદાવાદમાં સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ જોવા મળ્યા હતા. 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 70 હજાર રૂપિયાએ પહોંચી ગયો છે. એટલું જ નહીં માત્ર એક જ મહિના એટલે કે માર્ચ મહિનામાં સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ 7 હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધીનો સોનાનો આ સૌથી ઊંચો ભાવ નોંધાયો છે.
વર્ષ 2023માં સોનાના ભાવમાં સૌથી વધુ વધારો થયો છે. ગયા વર્ષે, સોનીની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂ. 54,867 હતી, જે વર્ષના અંતે (31 ડિસેમ્બર 2023) રૂ. 63,246 પ્રતિ 10 ગ્રામે પહોંચી હતી. માત્ર એક વર્ષમાં સોનાની કિંમતમાં 16 ટકા એટલે કે 8,379 રૂપિયાનો વધારો થયો છે.
બજારના જાણકારોના મતે આ વર્ષે સોનાના ભાવમાં વધુ વધારો થશે. અને વર્ષ 2024 ના અંત સુધીમાં 10 ગ્રામ સોનાની કિંમત 70 હજાર રૂપિયાને પાર જઈ શકે છે.
ચાંદીના ભાવની વાત કરીએ તો 28 માર્ચ 2024એ તેમાં થોડો વધારો જોવા મળ્યો છે. આજે ચાંદી 14 રૂપિયા મોંઘી થઈ અને 74,011 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. જૂની કિંમત 73,997 રૂપિયા હતી. ચાંદીના ઓલ-ટાઇમ હાઇ વિશે વાત કરીએ તો, 4 ડિસેમ્બર, 2023ના રોજ, ચાંદી રૂ. 77,073ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી હતી. પરંતુ વર્ષ 2024ના અંત સુધીમાં ચાંદીની કિંમત 75 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.
ગુરુવારે સોનાની વૈશ્વિક કિંમતોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર સોનાની વૈશ્વિક ફ્યુચર્સ કિંમત 0.13 ટકા અથવા 2.80 ડોલર વધીને 2,215.50 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળે છે. તે જ સમયે, સોનાની વૈશ્વિક હાજર કિંમત હાલમાં 2,196.81 ડોલર પ્રતિ ઔંસ પર ઝડપથી ટ્રેડ થઈ રહી છે.
ગુરુવારે ચાંદીના વૈશ્વિક ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર ચાંદીની વાયદા કિંમત 0.03 ટકા અથવા 0.01ના વધારા સાથે 24.76 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી રહી છે. તે જ સમયે, ચાંદીનો વૈશ્વિક હાજર ભાવ 24.68 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જણાય છે.