જામનગર રોડ પર થયેલા ટ્રાફિક જામને પોલીસે ક્લિયર કરાવ્યો
શહેરના પડધરી ટોલનાકા પાસે ઇકો ગાડી અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા પાંચ ઇજાગ્રસ્ત વ્યકિતઓને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં એક વ્યકિત હાલત ગંભીર હોવાનું પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના જામનગર હાઇવે પર પડધરી ટોલનાકા પાસે ઇકો કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ વ્યકિતઓને ઇજા થતાં સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પડધરી ટોલનાકા પાસે ડમ્પર સાથે ઇકો કાર ધડાકા ભેર અથડાતા વિસામણના પ્રેમજી ગોવિંદભાઇ વણોદ (ઉ.વ.૩પ), જામનગરની યુવતિ રિન્કુ વિનયભાઇ (ઉ.વ.૨૦) સિકકા ગામના સાગર સુરેશભાઇ રામાવત (ઉ.વ.૩ર) રાજકોટનો યુવાન ભાવિક ગોધેરા (ઉ.વ.ર૬) અને જામનગરના વસંતીકાબેન ગુલાબભાઇ ભવારી (ઉ.વ.ર૦) ને ઇજાગ્રસ્ત હાલતમાં પડધરી બાદ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્૫િટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજા પામેલા લોકોમાં એકની હાલત ગંભીર હોવાનું પ્રાથમીક તપાસમાં જાણવા મળી રહ્યું છે.
ઘટનાની જાણ થતાં પડધરી પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ ટ્રાફીક જામને મહા મહેનતે કિલયર કરાવી ઇજાગ્રસ્ત લોકોને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.