સ્વામિનારાયણ સંપ્રદાયનો 221 મો સ્થાપના દિન
સ્વામિનારાયણ.એ નામ વિશ્વના કરોડો ભાવિકો અને હજારો સંતો બોલે છે, એ સ્વામિનારાયણ મંત્રનો પ્રાદુર્ભાવ માગશર વદ એકાદશીના દિવસે થયો. ઉદ્ધવ સંપ્રદાયના સ્થાપક સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ 260 વર્ષ પહેલા ગુજરાત તથા રાજસ્થાનમાં વિચરણ કરી હજારો સ્ત્રીપુરુષોને અંધશ્રદ્ધામાંથી છોડાવી સદાચારમય જીવન જીવતાં કરેલ. એમણે જ નીલકંઠવર્ણીને જૂનાગઢ પાસેના પીપલાણા ગામે દીક્ષા આપેલી. સહજાનંદ સ્વામી નામ પાડેલું. જેતપુર મુકામે ધર્મધુરા સોંપી ગોલોકવાસી થયેલા.
ગુરુ રામાનંદ સ્વામીના ગોલોક ધામગમન બાદ એમના ચૌદમાને દિવસ સહજાનંદ સ્વામીએ રાજકોટ જિલ્લાના જેતપુર ધોરાજી પાસે આવેલ નાનક્ડા ફણેણી ગામે ધર્મ સભામાં સ્વામિનારાયણ મંત્ર આપ્યો. સંવત 1858ના માગશર વદ એકાદશી (31મી ડિસેમ્બર 1801 ગુરુવાર)ના પવિત્ર દિવસથી આ ’સ્વામિનારાયણ’ નામના મહામંત્રનું ભજન શરૂ થયું.
પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રારંભ પણ આ દિવસથી થયો. માગશર વદ અગિયારસને શાસ્ત્રકારોએ સફલા એકાદશી કહેલી છે. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશમાં વસતા નાના મોટા અનુયાયીઓ આ દિવસને મંત્ર પ્રાગટ્ય સાથે સંપ્રદાયના પ્રાગટ્યના દિન તરીકે વિવિધ ભજન ભક્તિના આયોજનો દ્વારા ઉજવી રહ્યા છે.
સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા પચ્ચીસ વર્ષ પૂર્વે 1997માં અખંડ ભગવતપરાયણ પૂજ્ય શ્રી જોગી સ્વામીએ અખંડધૂન શરૂ કરાવેલી. આ અખંડધૂન સુરતના વેડરોડ, સ્વામિનારાયણ ગુરૂકુલમાં મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીની નિગ્રાહીનીમાં 2,19,000/ બે લાખ ઓગણીસ હજાર કલાકથી અવિરતપણે ચાલી રહી છે. જે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનું એક નજરાણું છે. ઉપરાંત સુરત અને રાજકોટમાં આઠ વરસથી રોજ બે કલાક ફરતી ધૂન થાય છે. જે જુદા જુદા ભાવિકોના ઘરે તેમના જન્મદિન, માતપિતાની પુણ્યતિથી કે લગ્ન એનીવરસરી પ્રસંગે કરાવતા હોય છે. રાજકોટ પાસેના રતનપર ખાતે આવેલ ગુરુકુલમાં ધૂનવાળા શ્રી નારાયણ પ્રસાદદાસજી સ્વામી સહિતના ભક્તો ત્રણ વરસથી અખંડધૂન કરી રહ્યા છે.
મંત્રદિનના દિવસે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલમાં વિશેષ મહાપૂજાનું આયોજન કરાયેલ. જેમાં સંતો તેમજ રાજકોટ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી આફ્રિકાથી પધારેલા શ્રી રાકેશ ભાઇ દુધાત તથા ઘનશ્યામ ભાઈ કથીરીયા તથા લંડનવાસી ઘનશ્યામભાઈ લાખાભાઇ વાડદોરીયા સહિત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા વગેરે દેશના 1008હરિભક્તો, મહિલાઓ તથા વિદ્યાર્થીઓ જોડાયેલા. મહા પૂજાના અંતમાં મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી , ધર્મવલ્લભદાસજી સ્વામી તથા અમેરીકાથી પધારેલા શ્રી કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામીએ આરતી ઉતારી હતી.
આ પ્રસંગે પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે ગુરુકુલના સ્થાપક ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ 10, દસ કરોડ સ્વામિનારાયણ મંત્રોના જપ કરેલા. સને 19પ8માં તેઓએ પ્રથમ જપયજ્ઞ કરેલ તેમાં એક વર્ષમાં હરિભકતોએ 500 કરોડ જેટલા મંત્રજપ અને નોટબુકોમાં સ્વામિનારાયણ મંત્ર જપ લખેલ. અમૃત મહોત્સવના ઉપક્રમે ગુરુકુલની ’ એસજીઆરએસ ’ એપ્લિકેશનમાં 2100 એકવીસો કરોડ સ્વામિનારાયણ મંત્રજપ જમા થયેલા છે.
આજે ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી રાજકોટ ગુરુકુલની દેશવિદેશની 51 જેટલી સંસ્થાઓનું સંચાલન કરતાં હોવા છતાં નિત્ય ત્રણ કલાક ઉપરાંત સ્વામિનારાયણ મંત્ર લેખન કરે છે. 50, લાખ ઉપરાંત મંત્રોનું લેખન કર્યું છે. જેમાંની 39, લાખ લખેલ મંત્રબુકો ઉપલબ્ધ છે જેને અમૃત મહોત્સવ પ્રસંગે આયોજીત 75 કુંડી યજ્ઞની યજ્ઞશાળામાં પૂજનમાં રખાશે.
ભણેલ કે અભણ, ગરીબ કે તવંગર, સ્ત્રી કે પુરૂષ, નાના કે મોટાને કલ્યાણની સહેલી, સુગમ અને સરળ વાટ, ભજન કરવું અને કરાવવાના આગ્રહી રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંસ્થાપક આર્ષદ્રષ્ટા, ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ બતાવી છે. એમાં જોડાઇને અનેક ભાવિકો આ લોકમાં તો સુખિયા થાય છે અને મૃત્યુ સમયે તેમને ભગવાન શ્રી સ્વામિનારાયણ તેડવા પધારે છે ને અક્ષરધામમાં લઈ જાય છે.