2 વર્ષ બાદ લગ્ન પ્રસંગોમાં પર્ફોર્મન્સ કરી કલાકારોના ચહેરાઑ ખીલ્યા , સાઉન્ડના ધંધાર્થીઓએ કહ્યું બેંકની બચત પણ ખૂટી હતી
અબતક,ઋષિ દવે, રાજકોટ.
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં લગ્ન સિઝન પુરજોશમાં ચાલી રહી છે . કોરોના મહામારી બાદ લગ્ન સીઝન સહિત તમામ વિવિધ કાર્યક્રમોમાં ઓરકેસ્ટ્રા ટિમ , સિંગર્સ તેમજ સાઉન્ડ ના ધંધાર્થીઓને બુકિંગ મળતા તમામના જીવમાં જીવ આવ્યો છે . રાજી સરકારે લગ્ન પ્રસંગોમાં વધુ છૂટછાટ આપતા લોકો પણ પહેલાની જેમજ ધામધૂમ પૂર્વક પોતાનાં પ્રસંગો ઉજવી રહ્યા છે .તમામ કલાકારોના ચહેરાઓ અત્યારે સોળે કલાએ ખીલ્યા છે ત્યારે કલાકારોનું જીવન ફરી ધબક્તુ થતાં રાહતનો શ્વાસ લીધો છે . અબતક મીડિયાએ તમામ કલાકારોનો સંપર્ક કરતાં કલાકારો તેમજ સાઉન્ડ ના ધંધાર્થીઓએ રાજીપો વ્યક્ત કર્યો હતો તેમજ ભગવાનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો .
કોરોના મહામારી દરમ્યાન જીવવાનું ભૂલી ગયા હતા ,હવે જીવમાં જીવ આવ્યો : આરતી ભટ્ટ
જાણીતા સિંગર આરતી ભટ્ટે અબતક મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતું કે હાલમાં લગ્ન પ્રસંગમાં છૂટ મળતા કલાકારોમા જીવમાં જીવ આવ્યો છે . ભગવાન ક્યારેય કોઈને કોરોના મહામારી જેવા દિવસો ન બતાવે . પ્રોગ્રામ શરૂ થતા અમારામાં શ્વાસ પુરાયો છે .અત્યારે તમામ કાર્યક્રમોમાં જ્યારે જઈએ છીએ ત્યારે એક નવી જિંદગીની શરૂઆત કરતાં હોય તેવી ફિલિંગ્સ આવે છે . કલાકારોએ ખૂબ ખરાબ સમય જોયો છે અને હાલમાં લગ્ન પ્રસંગોમાં સ્ટેજ પર પર્ફોર્મન્સ કરતાં સમયે મન પ્રફુલિત થાય છે અને લોકોને પણ મન મૂકીને જુમાવીએ છીએ . આરતી ભટ્ટે સરકાર પર કટાક્ષ કરતાં જણાવ્યુ હતું કે છેલ્લી ઘડીએ અર્વાચીન રાસોત્સવનું આયોજન રદ કરવાનો નિર્ણય સરકારે કર્યો . જેના કારણે કલાકારોમાં ઘણી નારાજગી જોવા મળી હતી.નેતાઓની રેલીમાં સોસિયલ ડિસ્ટન્સનો અભાવ તેમજ માસ્ક વગરના અનેક ચેહરાઓ જોવા મળે છે ત્યારે નવરાત્રીમાં પણ વધુ છૂટછાટ મળવી જોઈતી હતી .
2 વર્ષમાં કોરોનામાં મળેલ અનુભવ જિંદગીભર નહીં ભુલાય : હેમંત જોશી
સિંગર હેમંત જોશીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે હાલમાં રેગ્યુલર પ્રસંગોમાં કામ મળવા લાગતાં સરકાર તેમજ ભગવાનનો આભાર માનું છુ . સરકારે જ્યારથી લગ્ન પ્રસંગો તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં 400 લોકોને મંજૂરી આપી ત્યારથી દાંડિયારાસ તેમજ લગ્ન ગીત માટે કલાકારોના બુકિંગ શરૂ થઈ ગયા છે . હાલમાં ખુબજ લગ્નગાળો ચાલી રહ્યો છે ત્યારે તમામ કલાકારો ખુબજ ખુશ છે . કોરોના મહામારી ઓછી થતાં ભગવાનનો પણ આભાર વ્યક્ત કરતાં હેમંતે જણાવ્યુ હતું કે કોવિડ મહામારીમાં રાહત થતાં પહેલાની જેમજ જીવન ધબકતુ થયું છે . છેલ્લા 2 વર્ષ દરમ્યાન થોડું ઘણું સ્ટુડિયોમાં કામ કર્યું હતું . બાકી બચત કરેલ હતી જેમાથી ઘરનું ગુજરાન ચલાવ્યુ . મહામારીના દિવસોમાં મળેલ અનુભવ જિંદગીભર નહીં ભુલાય .
ઘરમાં રહીને મેન્ટલી ડિસ્ટર્બ થઈ હતી , ગ્લેમર ફિલ્ડ ભોગવ્યા બાદ ઘરે બેસી રહેવું ખુબજ અઘરું હતું : ચાર્મી રાઠોડ
રાજકોટના ખ્યાતનામ સિંગર ચાર્મી રાઠોડે અબતક મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતું કે 2 વર્ષ ઘરમાં પ્રોગ્રામ વગર રહીને મેન્ટલી ડિસ્ટર્બ થઈ હતી . ગ્લેમર ફિલ્ડ ભોગવ્યા બાદ ઘરે બેસી રહેવું ખુબજ અઘરું હતું . ભગવાન ક્યારેય કોઈને આવી પરિસ્થિતી ન બતાવે . બીએડ કોલેજ માં લેકચલર છુ અને સાથે સલૂન પણ ચાલવું છુ પરંતુ કોરોના મહામારીમાં બધુ જ બંધ થઈ જતાં હેરાન થઈ ગયા હતા . કલાકારોના ગ્રૂપમાંથી કોઈનો ફોન આવે તો ફ્રી માં સિંગીગ માટે પણ હું તૈયાર હતી જેથી કરીને મેન્ટલી રિફરેશમેંટ મળે . હાલમાં કાર્યક્રમો શરૂ થઈ જતાં બધાજ કલાકારો ખૂબ જ ખુશ છે . તમામ ના ચહેરા પર એક અલગ જ રોનક જોવા મળી છે .
માતાજીની કૃપા વરસી , ચારે બાજુ કલાકારોમાં રાજીપો : રાહુલ મહેતા
ખ્યાતનામ સિંગર રાહુલ મહેતાએ અબતક મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતું કે કોરોના મહામારી બાદ હાલમાં માતાજીની કૃપા કલાકારો પર વરસી છે . ચારેય બાજુ કલાકારોના બુકિંગ ફૂલ થઈ ગયા છે . પૂરજોશમાં કલાકારો પર્ફોર્મન્સ આપી રહ્યા છે . પહેલાની માફક જ કાર્યક્રમો શરૂ થઈ જતાં કલાકારોમાં ખૂબ રાજીપો છે . તમામ કલાકારો માતાજીને પ્રાર્થના કરી રહ્યા છે કે ક્યારેય આવી વિકટ પરિસ્થિતી ન આવે અને કલાકારો સહિત તમામની રોજી રોટી ચાલુ રહે .
2 વર્ષમાં બધી બચત ખૂટી, પ્રોગ્રામો શરૂ થતાં નવી જિંદગી પણ શરૂ : પાયલ ગોહિલ
નાની ઉમરમાં પોતાની ગાયકી થકી લોકોના હ્રદયમાં સ્થાન પ્રાપ્ત કરનાર સિંગર પાયલ ગોહિલે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે ખુબજ જ તકલીફ કોરોના મહામારી દરમ્યાન સહન કરી છે . દરરોજ ભગવાનને હું પ્રાર્થના કરતી કે કોરોનાની મહામારી માથી સમગ્ર દેશને બચાવે . અનેક કલાકારો પોતાની ગાયકી છોડી ને પોતાની આવડત પ્રમાણે બીઝનેશ કરતાં થયા હતા . મને કોરોના થયા બાદ હું ઘરની બહાર જ ન નીકળતી . અત્યાર સુધી કાર્યક્રમો કરી ને જે બચત ભેગી કરી હતી તે તમામ બચત ખર્ચ થઈ ગઈ છે . પ્રોગ્રામો શરૂ થતાં નવી જિંદગી પણ શરૂ થઈ છે .
કલાકારોની ખુશી આસમાને, ઈશ્વર-અલ્લાહનો આભાર : આસિફ જેરિયા
સિંગર આસિફ જેરિયાએ અબતક મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતું કે સમગ્ર ગુજરાત ના કલાકારોની ખુશી આસમાને છે . ભગવાને વિકટ પરિસ્થિતિ માથી સૌને બહાર કાઢી બચાવ્યા છે . કલાકારોએ રાહતનો શ્વાસ લીધો છે . સ્ટેજ શો , લગ્ન પ્રસંગો શરૂ થઈ જતાં પહેલાની જેમજ કલાકારોનું જીવન ધબકતુ થયું છે . હંમેશા તમામ કલાકારોએ બચત કરવી જોઈએ જેથી કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે ત્યારે એ બચત કામ આવે .
પ્રોગ્રામો શરૂ થતાં ચહેરા પર રોનક આવી : રીયાઝ કુરેશી
રાજકોટ શહેરના જાણીતા સિંગર રીયાઝ કુરેશીએ અબતક મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતું કે ક્યારેય ન વિચાર્યું હોય તેવા દિવસો જોવાનો વારો આવ્યો હતો . કોરોનાએ જિંદગી અને રૂપિયા બંનેની કિમત સમજાવી દિધી . કોરોના મહામારીના દિવસો દરમ્યાન મે મારા અમ્મી અબ્બુ ગુમાવ્યા . અચાનક પરિવારમાં સહારો છીનવાઇ જતાં ખુબજ દુખ સહન કર્યું . 2 વર્ષ પ્રોગ્રામ પણ બંધ રહેતા મેન્ટલી હારી ગયો હતો . સરકારે લગ્ન પ્રસંગમાં કલાકારોને છૂટ આપી ત્યારથી જીવમાં જીવ આવ્યો છે અને એક અનોખી રોનક ચહેરા પર આવી છે . ભગવાન ક્યારેય આવા દિવસો ફરી ન બતાવે .
દાતાઓની મદદથી નાના કલાકારોને કીટ વિતરણ કર્યું , હાલમાં પ્રોગ્રામ મળતા અમે ખુશ : સુનિલ પટેલ
સાઉન્ડ એસોસિયેશનના ઉપપ્રમુખ સુનિલ પટેલે અબતક મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતું કે પ્રોગ્રામ શરૂ થઈ જતાં તમામ કલાકારો ખુશ છે . દાતાઓની મદદ વડે જરૂરિયાતમંદ તમામ નાના કલાકારોને કીટ વિતરણ કર્યું હતું . વિવિધ દાતાઓએ 8000 કીટ ની મદદ કરી અને એ તમામ કીટ સાઉન્ડ એસોસીયેશનના તમામ સભ્યોએ ઘરે ઘરે પોહચાડી હતી . હાલમાં સાઉન્ડ ના ધંધા સાથે તેમજ ઇવેંટ્સ સાથે જોડાયેલ તમામ લોકોમાં નવી ચેતના જાગી છે . એક નવી જિંદગી સમજી ને તમામ કલાકારોએ પ્રોગ્રામ શરૂ કરી દીધા છે . લોકો પણ પહેલાની માફક જ લગ્ન પ્રસંગો ઉજવવા લાગ્યા છે જેને કારણે તમામ કલાકારોમાં શ્વાસ પુરાયા છે .