ક્રિકેટનો સટ્ટો હોય કે ટ્રેડિંગ ડબ્બા દુબઇ બેઠા બેઠા બુકીઓ એપ્લિકેશન મારફત ચલાવે છે સમગ્ર સામ્રાજ્ય : સ્કિલ બેઝડ ગેમ અને સટ્ટો બન્ને વચ્ચેનો ભેદ પારખી ન શકતી કાયદાની આટીઘૂંટીથી પોલીસના હાથ પણ અમુક અંશે બંધાયેલા
ક્રિકેટ મેચ કે ચૂંટણીના પરિણામ પર સટ્ટો લગાવવા માટે મોબાઈલ ફોન પર કોલ કરવો એ જૂની વાત બની ગઈ છે. જુગારને હવે આધુનિક બનાવતા, સટ્ટાબાજીના અંડરવર્લ્ડે એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ અને સ્થાનિક રીતે હોસ્ટ કરેલી વેબસાઇટ્સ વિકસાવવા માટે કુશળ કોડર્સની પસંદગી કરવામાં આવે છે. જે વિવિધ પ્લેટફોર્મ્સ પર અપ્રતિબંધિત સટ્ટાબાજીને શરૂ કરે છે.
ડબ્બા ટ્રેડિંગ ઓપરેટરોએ તેમની કસ્ટમાઇઝ્ડ એપ્સ બનાવીને એક પગલું આગળ વધાર્યું છે. ત્યારપછી આ એપ્લિકેશનો કે વેબસાઈટોને ઓપન કરી લોકોના ટ્રેડિંગ માટે સુરક્ષિત રાખવા ટેલિગ્રામ ચેનલો પર શેર કરે છે. સાયબર ક્રાઇમ અધિકારીઓ જણાવે છે કે હવે ડિજિટલ યુગમાં આ પ્રમાણે સટ્ટાબાજી થવા લાગી છે. જેના પર રોક લગાડવા માટે પોલીસ સતત તૈયારીઓ કરી રહી છે.
ડબ્બા ટ્રેડિંગ અંગે, શહેરના પોલીસ અધિકારીઓ અને સીઆઇડીના અધિકારીઓને શંકા છે કે આના તાર દુબઈ સુધી જોડાયેલા છે. આ રેકેટમાં ગેરકાયદેસર રીતે કામ કરી રહેલા લોકો તેમના મુંબઈ અને દુબઈમાં તેમના બોસની સૂચનાઓનું પાલન કરી રહ્યા છે. એ નોંધવું અગત્યનું છે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા ડબ્બા ટ્રેડિંગ પર પ્રતિબંધ છે.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે તેમને એક સાથે ક્રિકેટ સટ્ટાબાજી અને ડબ્બા ટ્રેડિંગનો ધંધો ચલાવતા વિવિધ બુકીઓ મળ્યા છે અને આ અંગે તપાસ ચાલી રહી છે. હવે ઓનલાઈન ધમધમી રહેલા આ સટ્ટાબાજી રેકેટને લઈને પોલીસ વધુ સતર્ક થઈ ગઈ છે. એટલું જ નહીં તેઓ આગળ મોટી કાર્યવાહી પણ કરી શકે છે.
ગુજરાત સીઆઇડીએ 90 વેબસાઈટ પકડી પાડી
રાજ્યમાં આ ગેરકાયદેસર એન્ટરપ્રાઇઝના ભયજનક સ્કેલને ઓળખીને એક વર્ષમાં ગુજરાત સીઆઇડીએ લોકલ પ્રોગ્રામરો દ્વારા બનાવવામાં આવેલી 90 વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સની ઓળખ કરી દીધી છે. વિભાગે તાત્કાલિક ગૃહ મંત્રાલયને સૂચના આપી કે આ મુદ્દાને અસરકારક રીતે ઉકેલવા માટે નિર્ણાયક કાનૂની પગલાં લેવા જરૂરી છે.
સટ્ટાબાજીનું નેટવર્ક ડિજિટલી ધમધમ્યું
ગુજરાતમાં સટ્ટાબાજીની એપ અને વેબસાઈટ ચલાવતા સ્થાનિક પંટરો દુબઈ સ્થિત તેમના માસ્ટર્સના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યા છે,” સીઆઈડીના અધિકારીએ વધુમાં કહ્યું કે ” યુએઇમાં ગેમ્બલિંગ વેબસાઈટ અને સટ્ટાબાજી માટે લિગલ પરમિશન મળી ગઈ છે. જેથી કરીને માફિયાઓ આનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. ભારતમાં આ અંગે હજુ વધારે કડક કાર્યવાહી થઈ રહી નથી, તેનો ફાયદો ઉઠાવી અહીં સાયબર ક્રાઈમ વધી રહ્યા છે. તથા ઓનલાઈન લોકલ બેટિંગ એપ્લિકેશન દ્વારા સટ્ટાબાજીનું નેટવર્ક ચાલી રહ્યું છે.
બુકીઓ સ્થાનિક સોફ્ટવેર ડેવલપર્સ, ગ્રાફિક ડિઝાઇનર્સ અને વેબ ડેવલપર્સને હાયર કરે છે
આ પ્રમાણે માફિયાઓ પોતાના નેટવર્કને ચલાવવા માટે તથા તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સરળ બનાવવા માટે અવનવા કિમિયાઓ અપનાવતા હોય છે. વળી આ સટ્ટાબાજી માફિયાઓ અને ક્રિકેટ બુકીઓ સ્થાનિક સોફ્ટવેર ડેવલપર્સ, ગ્રાફિક ડિઝાઇનર્સ અને વેબ ડેવલપર્સને હાયર કરે છે. તેઓને તેમની એપ્સ અને વેબસાઇટ બનાવવા માટે રૂ. 5,000 થી રૂ. 10,000 સુધીની સામાન્ય રકમ ચૂકવે છે.
સ્કિલ બેઝ્ડ ગેમને માન્યતા તે કાયદામાં ગૂંચવણ ઉભી કરે છે
અન્ય એક વરિષ્ઠ સીઆઇડી અધિકારીએ જણાવ્યું હતું કે, સટ્ટાબાજીની ગેમ્સ અંગે કાયદાકિય અસ્પષ્ટતા રહેલી છે. તેવામાં હવે આ માફિયાઓ માટે મોટી તક રજૂ થઈ ચૂકી છે. ગુજરાત અને રાજસ્થાન કોર્ટમાં તો અમુક ક્રિકેટ ફેન્ટસી લીગને સ્કિલ બેઝ્ડ ગેમ તરીકે માન્યતા આપી દેવામાં આવી હતી. ત્યારપછી સુપ્રીમ કોર્ટે પણ આ નિર્ણયને સમર્થન આપ્યું હતું. તેવામાં હવે ફેન્ટસી ગેમિંગ અને અન્ય એપ્લિકેશન્સ પર ઘણી કાયદાકિય અસ્પષ્ટતાઓ રહેલી છે. જેથી કરીને આ માફિયાઓ આવા લૂપ હોલ્સનો ફાયદો ઉઠાવી સટ્ટાબાજી કરતા નજરે પડે છે.સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીએ જણાવ્યું કે હવે સ્કિલબેઝ્ડ ફેન્ટસી ગેમિંગ એપ્લિકેશનને સટ્ટાબાજીની એપ્લિકેશનથી કેવી રીતે અલગ પાડી શકાય એ મોટો પ્રશ્ન છે. આ અંગે કોઈ યોગ્ય વ્યાખ્યા હજુ સ્પષ્ટ થઈ નથી.
ઓનલાઇન ગેમિંગ કંપનીને જીએસટીએ ફટકારેલ રૂ. 21 હજાર કરોડની નોટીસને હાઇકોર્ટે રદ કરી
જીએસટી ચોરીના આરોપમાં કારણદર્શક નોટિસનો સામનો કરી રહેલી ઓનલાઈન ગેમિંગ કંપની ગેમ્સક્રાફ્ટને મોટી રાહત મળી છે. કર્ણાટક હાઈકોર્ટે ગેમ્સક્રાફ્ટ કેસમાં જીએસટીની નોટિસને ફગાવી દીધી છે. આ નિર્ણય ગેમિંગ ઉદ્યોગ માટે મોટો માનવામાં આવે છે કારણ કે તેનાથી ઓનલાઈન ગેમિંગ પર 28% જીએસટીના સરકારના સ્ટેન્ડ પર ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. જીએસટી વિભાગે કંપનીને 21,000 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ નોટિસ આપી હતી. વિભાગે ગેમ્સક્રાફ્ટની સેવાઓને સટ્ટાબાજી અને જુગાર તરીકે ધ્યાનમાં લઈને 28% જીએસટી માંગ્યો હતો. 21,000 કરોડની નોટિસ અગાઉ હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી, તેમ છતાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સે શો-કોઝ નોટિસ મોકલી હતી, જેને સિંગલ જજની બેન્ચે આજે ફગાવી દીધી હતી.