- કવિ મહેન્દ્ર જોશીની અછાંદસ કવિતાઓનું પુસ્તક “ખીંટીઓ”
- ‘તંદ્રા’ કાવ્ય સંગ્રહમાં 23 અને ‘ઇથરના સમુદ્ર’માં 14 અછાંદસ કવિતાઓ આપીને ‘ખીંટીઓમાં’ કુલ 60 રચનાઓ અછાંદસ, સ્વરૂપમાં જોવા મળે છે
વીસમી સદીના ઉતરાર્ધમાં ગુજરાતી કવિતાના મુખ્યત્વે ત્રણ સ્વરૂપમાં સર્જન કરીને પોતીકો અવાજ પ્રગટાવનારા કવિઓમાં કવિ મહેન્દ્ર જોશીનું સ્થાન પણ અગ્રીમ હરોળમાં મુકાય છે. કારણકે પોતાના સર્જનકર્મને એકવીસમી સદીના અઢી દાયકા દરમ્યાન પણ આગળ ધપાવતા રહીને કવિએ કુલ પાંચ કાવ્યસંગ્રહો ગુજરાતી સાહિત્યને ભેટ ધર્યા છે. ‘તંદ્રા’ (1985), ‘અગ્નિપૂંજ’ (2000), ઇથરના સમુદ્ર’ (2013), ‘કોઈ જાગે છે’ (2016) અને છેલ્લે તાજેતરમાં ‘ખીંટીઓ (2024) દ્વારા પૂરવાર કર્યું છે કે દરેક કાવ્યસંગ્રહ પછી કવિની સરળ કથનરીતિ, ભાષાકર્મ, ભાવ અને સંવેદનોનું વિશ્વ કંઇક અલગ રીતે નિરૂપણ પામતું રહ્યું છે અને વિસ્તરતું રહ્યું છે.
કવિ મહેન્દ્ર જોશીએ બહુધા કવિતાના ગઝલસ્વરૂપમાં સર્જન કર્યું છે. કવિના અગાઉના ચાર કાવ્યસંગ્રહોમાંથી એ જાણી શકાય છે.પરંતુ અગાઉ બે સંગ્રહોમાં થોડા અછાંદસ કાવ્યો આપ્યા પછી છેલ્લે અછાંદસ કવિતામાં રહેલી વિપુલ સર્જનની શક્યતાઓ તાગીને કવિએ બેશક જુદી ભાત ઉપસાવતી કવિતાઓનો પૂર્ણપણે અછાંદસ કાવ્યસંગ્રહ ‘ખીંટીઓ’ આપીને ભાવકને ફરીથી એક નવો રણકાર માણવા અને પ્રમાણવા પ્રેરે છે.
પોતાની અછાંદસ રચનાઓ વિશે મહેન્દ્ર જોશીએ અગાઉ પણ કહ્યું છે: અછાંદસ રચના મારા સહજ આવેગોનું પણ પરિણામ બની છે. ક્યાંક વિદ્રોહથી, પ્રકોપથી પણ લખાયું છે, તો ક્યાંક સંવેદનોની વ્યાપક ભૂમિએ યાત્રા કરવાનું બન્યું છે. (‘તંદ્રા’-1985) તો આજે પણ ‘ખીંટીઓ’માં એમનો અછાંદસ કવિતા પ્રત્યેનો લગાવ પ્રગટ થાય છે. પોતાની કેફિયતમાં લખે છે: ગીતોમાં સતત વહેતું ઊર્મિઝરણ મારી પ્રકૃતિને બહુ માફક નથી આવ્યું. ગઝલ મને પ્રિય છે. ગઝલના શેર ભાવ-ભાષાની દૃષ્ટિએ ભલે ગહન અને ચમત્કૃતિસભર હોય તો પણ આ પટ જાણે ટૂંકો પડે છે એવી પ્રતીતિ થઇ!
‘તંદ્રા’ કાવ્યસંગ્રહમાં 23 અને ‘ઇથરના સમુદ્ર’ માં 14 અછાંદસ કવિતાઓ આપીને ‘ખીંટીઓ’માં કુલ 60 રચનાઓ અછાંદસ સ્વરૂપમાં મળે છે. આ 60 કવિતાઓ તેના વિષય, ભાવ અને વિભાવના મુજબ કુલ 7 ખંડોમાં વિભાજીત કરીને મૂકી છે તેથી ભાવકને અલગ અલગ સંવેદનરેખા પર ગતિ કરવાની તક મળે છે અને ભાવસાતત્ય જળવાઈ રહે છે. આ પ્રવાહીગતિને કવિ પોતાની સર્જનપ્રક્રિયામાં ઓગાળીને કેલિડોસ્કોપમાં રચાતા અવનવા, રંગબેરંગી ચિત્રોની માફક આપણી સમક્ષ એક પછી એક કવિતા પ્રસ્તુત કરે છે જેમાં મધુર કે પીડાદાયક સ્મૃતિઓ, માનવજીવનના અંગત સંબંધોનું કાવ્યાત્મક રૂપાંતર પામી શકાય છે. પછી તે પત્ની, મા-દીકરી- પૌત્રી,પડોશણ કે વિશ્વની કોઈપણ સ્ત્રી હોય. પુત્ર, પિતાજી કે દાદાજી હોય. કવિની આસપાસ વસતા સમાજના પાત્રો હોય. એની સંવેદનાને કવિ આત્મસાત કરીને સરળ ભાષાશૈલી થકી માત્ર અભિધાના સ્તરે વિહરવાને સ્થાને વ્યંજનાત્મક રીતે કવિતાના ઊંડાણને તાગે છે એ આ અછાંદસ કવિતાઓની વિશેષતા છે. ‘ખીંટીઓ’ કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં કવિ-લેખક શ્રી યોગેશ વૈદ્ય યોગ્ય રીતે નોંધે છે: કાવ્યસંગ્રહનું નામ ઘણું સૂચક છે. ‘ખીંટીઓ’, કવિના મનની ભીંતે લાગેલી ખીંટીઓ !
એ ખીંટીઓ પર જે જે વળગ્યું છે તેનાં આછા રેખાચિત્રો અહીં ઠેર ઠેર આપણને પ્રાપ્ત થાય છે
- પેન્સિલો
- આ જાંબલી
- માનું મીઠું મુખ દોરવા
- નીલી બાપુ માટે
- ૐ નમ: શિવાય લખવા
- અને વાદળી
- મોર ટહુકે ત્યારે નાની બહેન માટે.
- લીલી પડોશની રાધા માટે
- પીળી મારા ‘ટીચર’ માટે.
- હવે બે જ બચી
- નારંગી અને લાલ
- નક્કી કરી શકાતું નથી
- આ કોના માટે!
- બાકી
- પેન્સિલોનો પણ એક સંસાર હોય છે
- ખાસ કરીને
- જયારે મનમાં પહેલી વાર
- મેઘધનુષ પ્રગટતું હોય છે!