ટેન્ડર પ્રક્રિયા નેવે મૂકી સરકારી નિયમોનો ઉલાળીયો ?
ભીનુ સંકેલાય જવાની ભીતિ: ગૌરક્ષા મંચ, ગૌચર ટ્રસ્ટ દ્વારા તપાસ કરવા માંગ
જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ૨૦૧૮-૧૯ના વર્ષમાં ટેન્ડર બહાર પાડયા વિના વન વિભાગ દ્વારા રેસ્કયુ સેન્ટર બનાવી દેવામાં આવેલ હતું જે અંગેની ફરિયાદ ગૌરક્ષા હિતરક્ષક મંચ અને ગૌચર પર્યાવરણ બચાવ ટ્રસ્ટ, રાજુલા દ્વારા આ પ્રકરણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની તેમજ સરકારના નીતિ-નિયમોનો ઉલાળીયો થયો હોવાની આશંકા વ્યકત કરીને તપાસની માંગ સાથે પત્ર લખેલ છે.
જે અનુસંધાને એસીએફ અમરેલી ભારદ્વાજ તેમજ નિવૃત એસીએફ બી.કે.પરમાર દ્વારા રૂબરૂ નિવેદન લેવા રાજુલા વન વિભાગની કચેરીએ બોલાવેલા અંતે અરજદારનું નિવેદન લેવાની ફરજ પડેલ પરંતુ આ સમગ્ર પ્રકરણની તપાસ થશે કે પછી બધુ ભીનુ સંકેલાઈ જશે
તેવો વૈદ્યક સવાલ ઉપરોકત સંસ્થાના પ્રમુખે સેવેલ છે અને આ અંગે સંસ્થાના પ્રમુખ દ્વારા એવું પણ જણાવેલ છે કે, આ કૌભાંડમાં વન વિભાગના ઉચ્ચ લેવલના અધિકારીઓની પણ સંડોવણી હોવાથી કદાચ ભીનુ સંકેલાઈ જાય તેવો સંદેહ છે પરંતુ જો વન વિભાગના તંત્ર દ્વારા તપાસ નહીં થાય તો આ સમગ્ર પ્રકરણ એસીબીને આપવામાં આવશે તેવું અંતમાં ગૌરક્ષા હિત રક્ષક મંચ અને ગૌચર પર્યાવરણ બચાવ ટ્રસ્ટ, રાજુલાના પ્રમુખ દ્વારા એક અખબારી નિવેદનમાં જણાવવામાં આવેલ છે.