પેરોલ પુરી થવાના છેલ્લા દિવસે ગુમસુદા થયેલા આરોપીને તપાસવા એટીએસ અને ક્રાઈમ બ્રાંચ ઉંધામો
ભારતમાં ૫૦થી વધુ બોમ્બ ધડાકા સાથે સંકળાયેલો આરોપી ડો.બોમ્બ પેરોલ પર હતો ત્યારે એકાએક રફુચક્કર થઈ જતા સુરક્ષા વિભાગ ધંધે લાગ્યો છે. રાજસ્થાન બોમ્બ બ્લાસ્ટ કેસમાં ડો.જલીસ અંસારી (ઉ.વ.૬૯)ને આજીવન કારાવાસની સજા ૧૯૯૩માં મળી હતી. આ વ્યક્તિને વડી અદાલતે ૨૧ દિવસના પેરોલ આપ્યા હતા. દરમિયાન આ પેરોલ પુરા થાય તેના એક દિવસ પહેલા જ તે ફરાર થઈ જતાં પોલીસ ધંધે લાગી છે.
ડો.બોમ્બ તરીકે કુખ્યાત ડો.જલીસ અંસારીને શોધવા મહારાષ્ટ્રની એન્ટી ટેરેરીઝમ સ્કવોર્ડ તથા ક્રાઈમ બ્રાંચ અને મુંબઈ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. અહીં નોંધનીય છે કે, ડો.અંસારી વર્ષ ૧૯૯૪થી જેલમાં બંધ હતો. રાજધાની એકસપ્રેસમાં બોમ્બ મુકવા સબબ તેની ધરપકડ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી. ડો.બોમ્બ ભારતમાં અલગ અલગ ૫૦ જેટલા બોમ્બ બ્લાસ્ટ સાથે સંકળાયેલો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળે છે. તા.૫ અને ૬ ડિસેમ્બર ૧૯૯૩ના રોજ રાજસ્થાનમાં અલગ અલગ છ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટના કેસમાં અજમેરની જેલમાં બંધ હતો. દરમિયાન તેને વડી અદાલત તરફથી જામીન મળ્યા હતા. પેરોલના છેલ્લા દિવસે તે એકાએક ગુમ થઈ જતાં સુરક્ષા એજન્સીઓ સાબ્દી બની ગઈ છે. અંસારીના પરિવારે જણાવ્યું હતું કે, તે બુધવારે નમાઝ માટે સવારે નીકળ્યો હતો. ત્યારબાદ તે પરત ફર્યો ન હતો. પ્રારંભીક તબક્કે એવું લાગ્યું કે, તેને મોર્નિંગમાં પોલીસ સ્ટેશને હાજરી પુરાવા જવાનું હોવાથી તે ત્યાં ગયો હશે પરંતુ તે પરત ન ફરતા આ મામલે ગુમસુદા નોંધ પોલીસમાં થઈ હતી.
પોલીસે અંસારીના પરિવાર પાસેથી નિવેદન લઈ તપાસ હાથ ધરી છે. અંસારીને પેરોલ પર છોડાવનાર ગેરંટરની તપાસ પણ પોલીસ કરી રહી છે. આ સાથે જ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલી રહી છે.