પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં શુક્રવારે એક મસ્જિદ નજીક એક બોમ્બ વિસ્ફોટ થયો હતો. ઓછામાં ઓછા 34 લોકો માર્યા ગયા અને 150 લોકો ઘાયલ થયા હતા. જો કે મૃત્યુઆંક પણ વધી શકે છે. લોકો અહીં એક રેલી માટે એકઠા થયા ત્યારે બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ મસ્તુંગ જિલ્લામાં થયો હતો.
એક અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ એક મસ્જિદ પાસે થયો જ્યાં લોકો પયગંબર મોહમ્મદના જન્મદિવસ ઈદ મિલાદુન નબીની ઉજવણી કરવા માટે એકઠા થઈ રહ્યા હતા. મસ્તુંગના આસિસ્ટન્ટ કમિશનર અત્તા ઉલ મુનીમના જણાવ્યા અનુસાર વિસ્ફોટ ખૂબ જ ભયાનક હતો. આ ઘટના મદીના મસ્જિદ પાસે બની હતી.
બ્લુચિસ્તાન પ્રાંતમાં ઇદ નિમિત્તે આયોજિત એક રેલીને આતંકવાદીઓએ બનાવી નિશાન
સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) જાવેદ લેહરીએ જણાવ્યું હતું કે ઘાયલોને તબીબી સુવિધામાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે હોસ્પિટલોમાં કટોકટી લાદવામાં આવી છે. ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક છે.
તાજેતરમાં જ બલૂચિસ્તાનના મસ્તુંગ જિલ્લામાં થયેલા વિસ્ફોટમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલના નેતા હાફિઝ હમદુલ્લા સહિત 11 લોકો ઘાયલ થયા હતા. અગાઉ, પાકિસ્તાનના પેશાવરમાં વિસ્ફોટમાં ફ્રન્ટિયર કોન્સ્ટેબલરી (એફસી) અધિકારીનું મૃત્યુ થયું હતું અને બે નાગરિકો સહિત આઠ અન્ય ઘાયલ થયા હતા. વારસાકના પોલીસ અધિક્ષક (એસપી) મોહમ્મદ અરશદ ખાને પુષ્ટિ કરી કે ખૈબર પખ્તુનખ્વા એફસીની મોહમંદ રાઈફલ્સ રેજિમેન્ટના એક વાહનને લગભગ સવારે 10:30 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) હુમલામાં નિશાન બનાવવામાં આવ્યું હતું. કાર મચનીથી પેશાવર તરફ જઈ રહી હતી ત્યારે બ્લાસ્ટ થયો હતો. રિપોર્ટ અનુસાર, મોહમ્મદ અરશદ ખાને કહ્યું કે ફ્રન્ટિયર કોન્સ્ટેબલરી (એફસી) ના એક અધિકારીનું મોત થયું છે અને છ એફસી અધિકારીઓ અને બે લોકો ઘાયલ થયા છે.